મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘનમાં ક્લીનચિટ મુદ્દે ચૂંટણી પંચમાં ઉકળતો ચરુ, અરોરા અને લવાસા સામસામે
। નવી દિલ્હી ।
ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનના આરોપોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લીનચિટ આપવાના ચૂંટણી પંચના નિર્ણય સાથે અસહમત થનાર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ૪થી મેથી આચાર સંહિતા ઉલ્લંઘનના મુદ્દાઓ પર મળેલી તમામ બેઠકોમાં ગેરહાજર રહેવાનું પસંદ કર્યું હતું. ૪મેથી ચૂંટણી કમિશનર અશોક લવાસા ચૂંટણી પંચની બેઠકોમાં હાજર રહ્યાં નથી. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લીનચિટ આપતા ચૂંટણી પંચના બહુમતી નિર્ણયમાં મારી અસહમતીની નોંધ અને લઘુમતી નિર્ણયની નોંધ નહીં લખાય ત્યાં સુધી હું ચૂંટણી પંચની બેઠકોમાં હાજર રહેવાનો નથી. અશોક લવાસાએ આરોપ મૂક્યો છે કે ૩ સભ્યોના ચૂંટણી પંચમાં લઘુમતી નિર્ણયને રેકોર્ડ કરવામાં આવ્યો જ નથી.
૪ મેના રોજથી મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને લખેલા ૩ પત્રમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના નિર્ણયોમાં લઘુમતી નિર્ણયોને રેકોર્ડ પર લેવાતાં નથી તેથી મને ચૂંટણી પંચની બેઠકોમાં ગેરહાજર રહેવાની ફરજ પડી રહી છે. લઘુમતી નિર્ણયની નોંધ જ ન લેવાતી હોય ચૂંટણી પંચની ચર્ચાઓ અને કામગીરીમાં મારી ભાગીદારી અર્થવિહીન બની રહી છે.
અશોક લવાસાએ ચેતવણી ઉચ્ચારી છે કે, લઘુમતી નિર્ણયોના રેકોર્ડ રાખવા સંદર્ભે ચૂટણી પંચમાં કામગીરીમાં કાયદાનું પાલન થાય તે માટે મારે અન્ય પગલાં લેવા વિચારણા કરવી પડશે. રેર્કોિંડગમાં પારદર્શકતાની જરૂર પર મારી વિવિધ નોંધ અને લઘુમતી મંતવ્ય સહિતના તમામ નિર્ણયો રેકોર્ડમાં રાખવા એ જાહેર કરવાની મારી રજૂઆતોને સાંભળવામાં જ આવતી ન હોવાથી આચારસંહિતાની ફરિયાદોની ચર્ચમાં ભાગ નહીં લેવાની મને ફરજ પડી રહી છે.
દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચમાં મંતવ્યોમાં તફાવત કોઈ નવી વાત નથી. ચૂંટણી પંચની કામગીરી મુદ્દે ખોટા વિવાદો સર્જવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પંચના ૩ સભ્યોના મંતવ્યો એકસમાન હોય તે જરૂરી નથી.
ફક્ત જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં લઘુમતી નિર્ણય રેકોર્ડ પર લેવાય છે : મુખ્ય ચૂંટણી કમિશનર
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ જણાવ્યું હતું કે, જ્યુડિશિયલ કાર્યવાહીમાં જ લઘુમતી નિર્ણયોની નોંધ લેવામાં આવે છે અને ચુકાદમાં રેકોર્ડ પર રખાય છે. ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં સામેલ નથી તેથી તેમાં માઇનોરિટી વ્યૂને રેકોર્ડમાં લેવાતો નથી.
બહુમતી ચુકાદાને માથે ચડાવાય છે
૩ સભ્યોના ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા અને ચૂંટણી કમિશનરો અશોક લવાસા તથા સુશીલ ચંદ્રાનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના નિયમોમાં સર્વસંમતિના નિર્ણયને પ્રાથમિકતા આપવામાં આવી છે પરંતુ જો સર્વસંમતિ ન સધાય તો બહુમતી ચુકાદાને માથે ચડાવવામાં આવે છે.
પંચ મોદીનું પીઠ્ઠુ : કોંગ્રેસ
આ વિવાદને પગલે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ મોદીનું પીઠ્ઠું છે. લવાસાના પત્રો પરથી પુરવાર થાય છે કે મોદી અને શાહને ક્લીનચિટ આપવાનાં મામલે સીઈસી અને લવાસા વચ્ચે મતભેદો હતા જેને રેકોર્ડ પર લેવા પંચ તૈયાર નથી.
લવાસાની શું માગણી હતી?
લવાસાએ માગણી કરી હતી કે આચારસંહિતા ભંગના મામલે તેમનાં અલગ પડતા અભિપ્રાયને રેકોર્ડ પર લેવામાં આવે. જ્યાં સુધી તે રેકોર્ડ પર લેવાશે નહીં ત્યાં સુધી તેઓ પંચની બેઠકમાં હાજર રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મોદી શાહને ક્લીનચિટ મામલે પંચના આદેશોને રેકોર્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે. હવે પછીની સુનાવણીમાં કોર્ટ આ મામલે પંચનો ઉધડો લઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદી અને અમિત શાહને આચાર સંહિતાના ઉલ્લંઘનમાં ક્લીનચિટ મુદ્દે ચૂંટણી પંચમાં ઉકળતો ચરુ, અરોરા અને લવાસા સામસામે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/modi-and-amit-shah-conduct-c/
via Best Gujarati News
0 Comments