ફોકસ :- વસંત કામદાર

૬ જુલાઈ ૧૯૪૬નાં રોજ ન્યુયોર્કનાં મેન હટનની નજીક આવેલા હેલ્સ કીચન નામના વિસ્તારમાં ફ્રાન્સેસ્કો નામનાં ઈટાલીયન વાળંદની યહૂદી પત્ની જેક્વેલીનને પ્રસુતિ માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જુદી જુદી કલબોમાં નાચગાન કરીને પેટીયું રળતી જેકવેલીનનેે તેના વાળંદ પતિ સાથે બહુ બનતું નહીં. તેઓ બંને સતત લડતા રહેતાં. તેમની વચ્ચેનાં આ તણાવની અસર જેકવેલીનનાં પેટમાં ઉછરતા બાળક ઉપર પણ વર્તાઈ હતી. જેકવેલીનની પ્રસુતિ દરમિયાન કોઈ શારીરિક અડચણો ઉત્પન્ન થવાનાં લીધે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરે બે ચીપીયાનો ઉપયોગ કરવો પડયો. હવે ડોક્ટરની ભૂલ કહો કે વિધિની વક્રતા પણ બન્યું એવું કે ચીપીયાનાં ઉપયોગનાં લીધે એ નવજાત બાળકની કોઈ ચેતા કપાઈ ગઈ અને બાળકનાં ચહેરાનો ડાબો ભાગ લક્વાગ્રસ્ત બની ગયો. એનાં હોઠનો આકાર પણ બદલાઈ ગયો અને એટલું ઓછું હોય તેમ તેની સ્વરપેટીને નુકશાન થવાથી તેનો અવાજ પણ તરડાઈ ગયો હતો.

એ બાળક સહેજ મોટો થયો એટલે તેને નિશાળે મોકલવામાં આવ્યો. માં બાપ વચ્ચે ચાલતી સતત તકરારનાં લીધે તેણે અવારનવાર નિશાળો બદલવી પડી. તેણે કેટલીકવાર તો અનાથાશ્રમમાં પણ રહેવું પડયું. તેનાં ચહેરાની કૂરુપતા અને અવાજનાં ઘોઘરાપણાનાં કારણે તેને સાથી બાળકોની ટીકાનાં ભોગ પણ બનવું પડતું. તેણે આ બધાથી કંટાળીને નિશાળનો અભ્યાસ પડતો મૂકી દીધો. હવે આ સ્થિતિમાં એ બાળક માટે તો અક્લ્પનીય કહેવાય એવા એક સ્વપ્નએ તેની આંખમાં આકાર લીધો. એ કદરૂપા તથા ઘોઘરા અવાજવાળા બાળકે અભિનેતા બનવાનું નક્કી કર્યું અને તેણે અભિનય શીખવતી ઈન્સ્ટીટયુટમાં પ્રવેશ મેળવ્યો.

એ અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે અભિનયની તકો શોધવા માંડી….પરંતુ જયાં સોહામણા ચહેરા ધરાવતા નવયુવાનોને પણ જવલ્લે જ સફળતા મળતી હોય તેવા આ ગ્લેમરનાં વિશ્વમાં તો કોણ તેને તક આપે? તેણે ઠેકઠેકાણે રઝળવાનાં દિવસો આવ્યા. આ દરમિયાન તેના લગ્ન પણ થઈ ચૂક્યા હતાં અને તેની પત્નીને તેણે જોયેલા સ્વપ્ન સાથે કશી લેવા દેવા નહોંતી. એટલે તેણે તેને લડી ઝઘડીને બીજી નોકરીઓ શોધવા મજબૂર બનાવી દીધો. એ જુવાને ઝૂનાં પાંજરા ધોવાની નોકરી કરી….તેણે ફિલ્મ થિયટરોમાં ઝાડુ પોતુ યે કર્યું. આવી નોકરીઓથી ઘરનું ગુજરાન ચાલી શકે તેમ હતું નહીં. આથી તેણે એક બે વાર તો પત્નીનાં ઘરેણા પણ વેચ્યા. તે ત્રણ દિવસ ન્યુ જર્સીનાં બસ સ્ટોપ ઉપર સૂઈ રહ્યો. તેની પાસે ખાવા પીવાનાં પૈસા પણ નહોતાં. તેની પાસે ઘર ભાડુ તો હતું નહીં અને ઘર ખાલી કરવું પડે તેવી સ્થિતિ આવી. તેની પાસે હવે એક જ સંપત્તિ બચી હતી અને એ તેનો લાડકવાયો પ્રાણથીયે પ્યારો બુલડોલ જાતિનો કૂતરો…આખરે તે બટકૂસ નામનાં એ કૂતરાને લઈને એક શરાબની દુકાન બહાર ઊભો રહ્યો અને ત્યાં પીવા માટે હંમેશા આવતા એક શરાબીને એ કૂતરો તેણે કેવળ ૨૫ ડોલરમાં વેચી દીધો. આ તેનાં જીવનનો સહુથી કરુણ પ્રસંગ હતો.

એ ઘટનાને બે અઠવાડિયા વીતી ચૂક્યા હતાં તેનાં જીવનમાં ચારે તરફ હતાશાનો અંધકાર છવાયેલો હતો. તેને કયાંયે આશા દેખાતી નહોંતી. આવી સ્થિતિમાં તે પોતાનાં મનને ખુશ કરવા માટે બોક્સીંગનો એક જંગ જોવા ઘૂસી ગયો. રીંગમાં તેના માનીતા અને વિશ્વ વિખ્યાત બોક્સર મહંમદઅલી અને ચક વેપનર વચ્ચે જંગ ખેલાઈ રહ્યો હતો. માર્ચ ૨૪,૧૯૭૫નાં રોજ યોજાયેલી એ ફાઈટ તેણે બહુ ધ્યાનથી જોઈ….ફાઈટમાં સ્વાભાવિકપણે જ મહંમદઅલીનું પલ્લું ભારે હતું. મહંમદઅલીએ બે ત્રણવાર હેવી પંચ ફટકારી વેપનરને ભોંયભેગો કરી દીધો. એ જુવાન માટે આૃર્યની વાત એ હતી કે ચક વેપનર ભોંયભેગો થઈ જવા છતાં દરેક વખતે પૂરેપૂરી તાકાત લગાવી ઉભો થઈ જતો અને ફરીથી કચકચાવીને ફાઈટ કરવા લાગતો…તે હાર માનતો નહોતો. વેપનરનાં આવા અવિજિત અભિગમે એ જુવાનનાં મન ઉપર પ્રચંડ અસર કરી. તેણે પણ હાર નહીં માનવાનું અને જીવનનો અઘરો જંગ જીતી લેવાનું નક્કી કર્યું. તેણે ઘેર પરત આવીને ફરીથી ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવવાનું નક્કી કર્યું. તેણે ૩ દિવસ અને ૨૦ કલાક સુધી લાગલગાટ એક જ જગ્યાએ બેસી રહીને લખ્યા કર્યું અને એક ફિલ્મની પટકથા તૈયાર કરી.

એ પટકથા લઈને તે હોલીવૂડનાં ખ્યાતનામ દિગ્દર્શકો અને નિર્માતાઓની પાસે ગયો. તેને ઘણી બધી જગ્યાએથી જાકારો પણ મળ્યો. આખરે એક નિર્માતાએ એ સ્ક્રીપ્ટ ૩ લાખ ૫૦હજાર ડોલરમાં ખરીદી લેવાની તૈયારી બતાવી…પરંતુ આ જુવાનને તો અભિનય પણ કરવો હતો. એટલે એણે એટલી મોટી રકમ ઠૂકરાવી દીધી અને જો પોતાને અભિનય કરવાની તક મળતી હોય તો કેવળ ૩૫ હજાર ડોલરમાં સ્ક્રીપ્ટ સાથે અભિનય કરવાની પણ તૈયારી બતાવી. તેની જીદ સામે એ નિર્માતા ઝૂકી ગયા….અને આખરે એ જુવાને જાતે લખેલી અને જાતે ભજવેલી એ ફિલ્મ રીલીઝ થઈ. એ ફિલ્મે આખા વિશ્વમાં અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરી અને બોકસ ઓફિસ ઉપર ટંકશાળ પાડી દીધી. એક બોક્સરની જિંદગીના ઉતારચઢાવ દર્શાવતી એ ફિલ્મને ઓલ ટાઈટ ગ્રેટ ફિલ્મમાં સ્થાન મળ્યું…કદરૂપો ચહેરો અને તરડાતો અવાજ ધરાવતો એ જુવાન હોલીવુડનો અતિ લોકપ્રિય અભિનેતા બની ગયો….અમેરિકન નેશનલ ફિલ્મ રજીસ્ટ્રીમાં જેને આજે પણ સાચવવામાં આવી રહી છે એવી એ અદ્ભૂત પ્રેરણાદાયી ફિલ્મનું નામ ‘રોકી’ અને તેનાં લેખક તથા અભિનેતાનું નામ ‘સીલ્વેસ્ટર સ્ટેલોન’ ૧૯૭૬માં બનેલી રોકી ફિલ્મને વિશ્વ પ્રસિદ્ધ ઓસ્કાર એવોર્ડની ૧૦ કેટેગરી માટે નામાંકિત કરવામાં આવી અને તેમાંથી તે બેસ્ટ પીક્ચર, બેસ્ટ ડાયરેક્શન તથા બેસ્ટ એડીટીંગ માટેનાં એવોર્ડ જીતી ગઈ અને સ્ટેલોનને પોતાની ફિલ્મમાં લેવા માટે નિર્માતાઓ પડાપડી કરવા લાગ્યા….એ પછી તો રોકીની બીજી સીકવલ્સ પણ બની. રોકીની અભૂતપૂર્વ સફળતા બાદ જુવાનોમાં અતિ લોકપ્રિય નીવડેલી રેમ્બો શ્રેણી આવી. એ ફિલ્મમાં વપરાયેલું ધનુષ્ય આજે પણ એટલું જ લોકપ્રિય છે. થોડા સમય પહેલાં જ રીલીઝ થયેલી ‘ધી એક્સપેન્ડીબલ’ શ્રેણી પણ અતિશય લોકપ્રિય નીવડી છે. આ શ્રેણીમાં સ્ટેલોને હોલીવૂડનાં લગભગ તમામ દિગ્ગજ અભિનેતાઓને સમાવ્યા છે અને એ રીતે એ મલ્ટી કાસ્ટ સીરીઝ બની છે.

રોકી ફિલ્મનાં કરાર પેટે મળેલા ૩૫ હજાર ડોલરનું સ્ટેલોને શું કર્યું એ જાણવું પણ રસપ્રદ છે. તે એ નાણા લઈને પેલી શરાબની દુકાને ગયો. ત્યાં જઈને એ પેલા શરાબીને મળ્યો…અને એ લોભીયાને કેવળ ૨૫ ડોલરમાં વેચેલો પોતાનો કૂતરો તેણે ૨૫ હજાર ડોલર ચૂક્વીને પરત મેળવ્યો. એ બૂલ ડોલ આપણને રોકી ફિલ્મમાં પણ નજર પડે છે.

એક બોક્સરની હિંમતભરી બોક્સીંગમાંથી પ્રેરણા પામી જીવનની પ્રતિકૂળતાઓને નોકઆઉટ મારનાર સ્ટેલોનને શત શત અભિનંદન.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જિંદગીની રીંગમાં કેવી બોક્સીંગ!  appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/life-ring-how-catch/
via Best Gujarati News

0 Comments