ટિન્ડરબોક્સ  :- અભિમન્યુ મોદી

આમ તો એમને સફ્રજનમાં જ રસ પડવો જોઈતો ન હતો. છતાં આદમ અને ઈવ પહેલાં એ સફ્રજન વિના ન રહી શક્યા ને એ જ કારણે પછી એકબીજા વિના રહી ન શક્યા. એમણે અભિન્નતાની શોધ આદરી જે માનવજાતે હજુ પણ ચાલુ રાખી છે. એ જ સફ્રજન જેવો રસ આદમ અને ઈવના સંતાનોને પોલિટિક્સમાં દેખાય છે.

આજકાલ બધાને રાજકારણમાં આટલો બધો રસ કેમ પડે છે? આ સવાલનો જવાબ ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ કહેવતની ઉત્પત્તિ સુધી પહોંચો તો મળી જાય. હકીકત એ છે કે બધા માણસોને તેની આખી જિંદગી દરમિયાન સૌથી વધુ નાથીયો જ કામમાં આવ્યો હોય છે. છતાં પણ પૈસાદારના ફેન નંબર મોબાઈલ ફેનની ડિરેક્ટરીમાં રાખવાનો ચાર્મ છુટતો નથી અને છૂટવાનો નથી. આવું કેમ? ખબર છે કે નાથાલાલ શેઠ પાસેથી એક રૂપિયો પણ મળવાનો નથી છતાં પણ ત્યાં લાઈનમાં ઊભા રહેવામાં કેમ નાનપ અનુભવાતી નથી? હવે બીજા સવાલ તરફ આગળ વધીએ. મહાભારતના યુદ્ધમાં યુદ્ધના નિયમો સાથે ભગવાન કૃષ્ણે ઘણી છેડખાની કરી છે. છતાં પણ આપણે કૃષ્ણને હીરો તરીકે જ જોઈએ છીએ. કેમ? કારણ કે યુદ્ધના નિયમોમાં લેવાયેલી બાંધછૂટને આપણે રાજકારણ તરીકે જોઈએ છીએ. મનુષ્ય એવો જીવ છે જે એવું બોલ્યા કરે છે કે – એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્રેમ અને યુદ્ધમાં કોઈ પણ પગલું વ્યાજબી છે. પરંતુ માણસ ખરેખર માને છે એવું કે એવરીથીંગ ઇઝ ફેર ઇન પોલીટીક્સ.

શાળાકીય અભ્યાસ પૂરો થઇ જાય પછી સમય જતાં મોટાભાગની વ્યક્તિઓને પાઠયપુસ્તકોની અમુક વાત જ યાદ રહેતી હોય છે. જગતભરના વ્યક્તિઓને તેની સ્કુલના કોઈ પાઠ યાદ હોય કે નહિ, પ્રતિજ્ઞાપત્ર આખું યાદ હોય કે નહિ પરંતુ બધાને એક વાક્ય અચૂકપણે યાદ હોય છે. એકસાથે સાત અબજ લોકોને આજીવન યાદ રહેતું વાક્ય છેઃ ‘માણસ સામાજિક પ્રાણી છે’. ટ્રેજેડી એ છે કે આ વાક્ય ખોટું છે અગર તો અર્ધસત્ય છે. માણસની પ્રકૃતિના રેફ્રન્સમાં સંપૂર્ણ સત્ય વિધાન છેઃ ‘માણસ રાજકીય પ્રાણી છે’ અર્થાત મેન ઈઝ અ પોલીટિકલ એનીમલ (- એરીસ્ટોટલ). માણસ જન્મજાત રાજકીય પ્રાણી છે અને રહેવાનો છે. જન્મ સમયના પહેલા રુદનની સાથે રાજકારણની શરૂઆત થઇ જાય છે જે મૃત્યુ પછીની અંત્યેષ્ઠી સુધી ચાલુ રહે છે. ઘરમાં રાજકારણની સંસદ રસોડામાં ભરાતી હોય છે, ચુકાદાઓ ડ્રોઇંગ રૂમમાં આવતા હોય છે અને પરિણામ બેડરૂમમાં મળતા હોય છે.

માણસ મૂળભૂત રીતે તો સ્વાર્થી સ્વભાવ ધરાવે. માથાડૂબ પૂરમાં અત્યાર સુધી બાળકને ઊંચે રાખનારી માતા તેના પગ નીચે બાળકને રાખીને પોતાનો જીવ બચાવવા ઊભી રહી જાય તો એ ગુનેગાર નથી કારણ કે એ નખશીખ માણસ છે અને તેના લોહીમાં આ પ્રકૃતિ ભળેલી છે. માણસની સ્વાર્થવૃતિ સાથે પાક્કી ભાઈબંધી કરનાર તત્વને આપણે આળસના નામે ઓળખીએ છીએ. આળસુ અને સ્વાર્થી માણસને તૈયાર ભાણું જોઈએ, ભાણામાં બત્રીસ પકવાન જોઈએ અને એંઠી થાળી ઉપાડનાર હજુરિયાની ફેજ જોઈએ. જેથી ભરપેટ હાલતમાં જમ્યા બાદ પોતે ખાધેલા પકવાન બનાવતી વખતે રસોયાણી દ્વારા વાતાવરણમાં ભળેલા ધુમાડાની વિરુદ્ધ તે ભાષણ આપી શકે. દરેક માણસ આવો છે. રાજકારણ આવી જ કુદરતદત્ત પ્રકૃતિમાંથી જન્મે છે. ન સમજાયું? સરળ રીતે સમજીએ.

સંગીત, જાદુ, નૃત્ય બધી મહાન કલાઓને અતિક્રમીને સિનેમા નામની આર્ટ ફ્ક્ત સોએક વર્ષમાં કેમ અતિપ્રચલીત થઇ ગઈ? કારણ કે એમાં દર્શકને આખું પેકેજ મળે છે. સંગીત પણ મળે છે અને વેશભૂષા પણ. સિનેમાનો પડદો બધી કળાઓ એક સાથે પીરસે છે તો આળસુ અને સ્વાર્થી માણસ સંગીતના કોન્સર્ટમાં જાય અને પછી ડાન્સના હોલમાં પણ જાય એના કરતાં પિક્ચર જ જુએ ને. રાજકારણ એવું જ છે. રાજકારણ દરેકની જિંદગીના દરેક પાસાને સ્પર્શે છે. ઘરના નળમાં આવતા પાણીની ધારના ફેર્સથી લઇને બારમા ધોરણના પરિણામ ઉપરથી મળતા એડમીશન સુધી, લગ્નના દાયકાઓ પછી કરાતી યાત્રાઓથી લઇને છૂટાછેડાની પ્રક્રિયા સુધી, શ્વાસમાં લેવાતી હવાની શુદ્ધતાથી લઈને પહેરેલા કપડાંના રંગ સુધી બધું જ રાજકારણ બદલી શકે છે. ગમે તે માણસ જેના માટે પણ જીવતો હોય, એની જિંદગીની દશા અને દિશા તથા લક્ષ્યપ્રાપ્તિનો આધાર એના નસીબ ઉપર પછી, પણ તેના દેશના રાજકારણ ઉપર પહેલાં રહે છે. એરીસ્ટોટલના ગુરુ પ્લેટોએ કહ્યું હતું, રાજકારણમાં ભાગ ન લેવાનું પરિણામ એ આવે કે તમારી ઉપર નબળા લોકો રાજ કરે.

ઉપર આળસ અને સ્વાર્થની વાત એ હકીકત કહેવા માટે કરી કે જ્યાં આળસ અને સ્વાર્થની પ્રાપ્તિ થાય ત્યાં માણસનો કર્મ્ફ્ટ ઝોન રચાઈ જાય. કર્મ્ફ્ટ ઝોનમાં (નક્કર કે ઠગારી) આશાઓનું વિશાળ પ્રકાશપુંજ હોય. આ આશા એટલે કે વિશ્વાસ એટલે કે શ્રદ્ધાના ભરોસે જ આદિકાળથી માણસ ભગવાનને પુજતો આવ્યો છે. ભગવાન પછી સંખ્યાની દ્રષ્ટિએ માણસોની જિંદગી ઉપર જો કોઈ રાજ કરી જાણતા હોય તો એ જે તે દેશના રાજા/વડાપ્રધાન/રાષ્ટ્રપતિ છે. ભગવાનની ર્મૂિત પાસે પ્રાર્થના થાય, દેશના નેતા પાસે માંગણી મૂકી શકાય અને આપણી માંગણી સત્તાધીશોના કાને પહોંચી એવો વહેમ ઉછેરી શકાય. માટે જ મંદિરે દેવદર્શન કર્યા પછી ન્યુઝ ચેનલમાં ચુંટણીના હિંસક ન્યુઝ જોવા બધાને ગમે છે. માટે જ ફેસબુક ઉપર કે ઇન્ટરનેટ ઉપર જે તે પક્ષના સમર્થક કે વિરોધી બનીને મિત્ર સાથે છેલ્લી પાટલી ઉપર બેસીને ગંદી રીતે લડવામાં મજા પડે છે. માટે જ પોતાની મરજીના પક્ષ કે નેતાને વોટ ન આપનારા દેશદ્રોહી લાગવા મંડે છે. રાજકારણની આવી વાતોમાં રસનો અતિરેક થઇ જાય પછી આડઅસર રૂપે નેશનાલીઝમનું ઝેર ચડે અને આપણા દેશની વસુધૈવ કુટુંબકમની મહાન ભાવનાનું ચીરહરણ થાય.

સિમ્પલ વાત છે, રાજકારણમાં કૃષ્ણ તો જુનિયર કહેવાય, તેની પહેલાં સત્યવતીએ જ રાજકારણ રમવાની શરૂઆત કરી દીધી હતી, નહિતર મહાભારત સર્જાયું ન હોત. ખુરશીનો જાદુ જ એવો છે. લંકા જીતીને રામ પાછા ફ્રે અને ખુરશી ઉપર બેસે એટલે તેની પત્નીએ અગ્નિપરીક્ષા આપવી પડે, ધરતીમાં સમાવું પડે. આદિમાનવમાંથી માણસની ઉત્ક્રાંતિમાં રાજકારણે મોટો ભાગ ભજવ્યો છે, ર્ડાિવને ભલે તેને બહુ મહત્વ ન આપ્યું હોય. દરેક માણસ રાજકારણમાં સાંગોપાંગ ખુંપેલો રહે જ અને લોકશાહીમાં તો તેના હાથમાં સત્તા પણ હોય. બદલાવ લાવવો કે પુનરાવર્તન કરવું, વિનાશ નોંતરવો કે આગળ ધપવું એ ચંદ રાજકારણીઓના હાથમાં હોય છે અને એ ગણ્યાગાંઠયા રાજકારણીઓની ચોટલી પબ્લિકના હાથમાં છે (પ્રજાને એવો વિશ્વાસ કે ભ્રમ અપાવવા રાજકારણીઓ સફ્ળ થયા છે). સૌથી જુનો વ્યવસાય વેશ્યાવૃતિ હોય તો રાજકારણનું ક્ષેત્ર એ વ્યવસાય માટે પિતાતુલ્ય છે. રાજકારણ વિના માણસ શું કરતો હોત?

facebook.com/abhimanyu. modi.7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આદમ અને ઈવના સંતાનોને પોલિટિક્સમાં અધધ રસ પડવાનું રહસ્ય શું છે..?   appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/paul-adam-and-eve-children/
via Best Gujarati News

0 Comments