નિષ્ફ્ળતા જ સફ્ળતાની પૂર્વ શરત હોઈ શકે
વિશ્વવ્યાપી :- નમન મુનશી
મહાભારતમાં જણાવાયું છે કે કૌરવો-પાંડવોને તાલીમ આપતા એક દિવસ ગુરૂ દ્રોણે પૂછયું કે તમને સામે શું દેખાય છે? તો કોઈકે કહ્યું ઝાડ દેખાય છે તો વળી કોઈક ને પાંદડા દેખાય, કોઈકને ડાળી, ફ્ક્ત અર્જુનને પક્ષી, પક્ષીની ડોક અને વધુ ધ્યાનથી જોતા તેની આંખ દેખાઈ. ગુરુ દ્રોણે અર્જુનને બાણ છોડવા કહ્યું અને પક્ષીની આંખ વીંધાઈ ગઈ.
માર્ચ એપ્રિલ પરીક્ષાની મૌસમ અને મે જૂન પરિણામોની. આખા વરસની મહેનતનું ફ્ળ પ્રાપ્ત થવાની ઘડી મે મહિનાના બીજા-ત્રીજા વીકમાં આવે છે. પાસ થાવ તો ખુશી અને નાપાસ થાવ તો ગમ થાય. પાસ થનાર પેંડા ખાય તો નાપાસ થનારાએ પકોડા ખાવા જોઈએ.
ભલે નાપાસ થયા, બધા તો પાસ થાય જ નહિ, બધા જ પાસ થાય તો પાસ થનારની વેલ્યુ જ શું રહે. નિષ્ફ્ળતા એ કાયમી સ્થિતિ છે જ નહિ, રહેવી પણ ન જોઈએ. નાપાસ થનારાએ ફ્ક્ત આ જ વાત ધ્યાનમાં રાખવી બાકી બધી જ બાબત ગૌણ જ રહેવાની. તમારું એક વાર ફેઈલ થવું જીવનની બહુ મોટી ઘટના કે દુર્ઘટના નથી.
ઉપર દર્શાવેલ મહાભારતનો પ્રસંગ શું દર્શાવે છે? અર્જુન પાસ અને બીજા નાપાસ? ના, જરાય નહિ, અર્જુને વધુ અભ્યાસ કર્યો હતો, વધુ એકાગ્રતાથી પ્રેક્ટિસ કરી હતી જેનું પરિણામ બીજાઓ કરતાં વધુ સારું પ્રાપ્ત કર્યું હતું તેનો મતલબ એવો નથી કે બીજા બધા જ ફેઈલ થયા. નિષ્ફ્ળતા અને નાપાસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, એક પરીક્ષામાં નિશાન ચૂકાઈ જાય એને કારણે જો નાસીપાસ થાવ તો તમે નાપાસ છો પરંતુ બોધ લઇ ફ્રી બેઠા થાઓ છો તો તમે માત્ર એક પ્રયત્નમાં નિષ્ફ્ળ છો.
આજે આપણે એલઇડી લાઈટ-ટયુબલાઈટના જમાનામાં છીએ પરંતુ એક સમયે સાદો બલ્બ જ દરેકના ઘરમાં અજવાળું પાથરતો. આ બલ્બના શોધક થોમસ આલ્વા એડિસન હતા. થોમસ એ ૭ બાળકોમાં સૌથી નાના હતા. તેમનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૮૪૭ના રોજ અમેરિકાના મીશીગન નામના શહેરમાં એક કેનેડિયન પિતા અને ન્યુયોર્કર માતાના ઘરે થયો હતો. તેઓ સ્કુલમાં હતા ત્યારે તેમની વિચારશક્તિને તેમના શિક્ષકે ‘સડેલી’ કહી. તમામ શિક્ષકો અને સ્કૂલનું મેનેજમેન્ટ થોમસને ઠોઠ, અક્કલ વગરનો જ કહેતા. ૧૪ની ઉંમરે તેમનો જમણો કાન ૮૦% અને ડાબો કાન સંપૂર્ણ રીતે બહેરો થઈ ગયો હતો.
આ થોમસ એડિસને દસ હજાર જેટલા પ્રયોગ આ બલ્બ બનાવવા માટે કર્યાં હતા. એક સમયે તેમના સહયોગીઓએ પણ માથું ધુણાવ્યું હતું કે હવે બલ્બ ન શોધાય. ત્યારે થોમસનો જવાબ હતો ‘દોસ્ત, નિરાશ ન થાઓ, આ હજારો પ્રયોગોથી ભલે બલ્બ બનાવવાની રીત સાબિત ન થઈ, પણ એ તો સાબિત થઈ ગયું કે આ નિષ્ફ્ળ પ્રયોગોથી બલ્બ નહીં જ બને.’
આ સ્પિરિટ છે, હારને જીતમાં પરિર્વિતત કરવાનો, તેણે નાસીપાસ થવાના બદલે નિષ્ફ્ળ થવાનું વધુ પસંદ કર્યું. આજે દુનિયા તેમના થકી જ ઝળહળે છે. પરીક્ષામાં સફ્ળતા કે નિષ્ફ્ળતા બંને પ્રોત્સાહક જ હોવી જોઈએ, પ્રેરણાત્મક હોવી જોઈએ.
માન્યું કે તમે ખુબ જ મહેનત કરી હતી, તમને પાસ થવાની ખાતરી હતી; છતાંય ફેઈલ થયા તો? તો શું ફ્રક પડે છે, ફ્રી તૈયાર થાઓ અને વધુ મહેનત કરો. એક વરસ આખી જિંદગી કરતા તો વધારે નથી જ. આઇપીએલ ૨૦૧૯માં વિરાટ કોહલી અને ડિવિલિયર્સ જેવા ધુરંધરો ધરાવતી આરસીબી (રોયલ ચેલેંજર્સ) પહેલી ૬ મેચ સતત હારી ગયું. તો શું તેઓએ બેટ ઊંચે અભરાઈએ મૂકીને આત્મહત્યા કરી? ના, એક જ કામ કર્યું રમતા રહેવાનું. પરિણામ તો તમારી તરફેણમાં કે વિરોધમાં આવતું રહે છે, ફ્કિર નોટ…
તમે ક્યારેય સરકસમાં ખીલે બાંધેલો હાથી જોયો છે? જે ખીલે હાથીને બાંધ્યો હોય છે તે ખીલો હાથી પળવારમાં ઉખાડી ફેંકી શકે છે પણ તે નથી કરતો તેનું કારણ એના મનમાં બંધાઈ ગયેલી ધારણા છે. જ્યારે તે નાનું મદનિયું હતો ત્યારે મજબૂત સાંકળ વડે બાંધવામાં આવે, તે ખુબ પ્રયત્ન કરે પણ તોડી શકે નહિ, ધીમે ધીમે તે સ્વીકારી લે છે કે તે આ બંધન નહિ તોડી શકે અને તે પ્રયત્ન જ કરતો બંધ થઇ જાય. પછી સાવ પાતળી સાંકળ હોય તો પ હાથી તેને તોડવાનો પ્રયાસ જ નથી કરતો. એણે ધારી લીધું છે કે આ સાંકળ તૂટી શકે એમ જ નથી.
નિષ્ફ્ળતા તો સફ્ળતાનું પહેલું પગથિયું છે, આપણે હાથી નથી માણસ છીએ, પરિસ્થિતિનું અવલોકન કરો, પરિણામનું અધ્યયન કરો, ચૂક ક્યાં થઇ તે જાણો, બીજી વાર એ ચૂક નિવારવાની કોશિશ કરો.
માતાપિતાએ પણ બાળકને પાસ-નાપાસ બંને માટે માનસિક રીતે તૈયાર કરવા જરૂરી છે, દરેક છોકરો પહેલા નંબરે પાસ થાય જ નહિ તે સત્ય પેરન્ટ્સે પણ સ્વીકારવું જોઈએ. બાળકની હિમ્મત ત્યારે જ ભાંગે જ્યારે ઘરના જ અનુચિત દબાણ કરે, પરિણામ લઈને છોકરો કે છોકરી સ્માઈલ સાથે જ ઘરમાં આવવા જોઈએ, પછી પરિણામ ગમે તે હોય, એક પરિણામથી દુનિયા ખતમ નથી થઇ જતી.
પાસ-નાપાસ, તો પરીક્ષાનો ખેલ છે દોસ્તો
રાહ જીવનની હોય, તો એક મુકામ છે દોસ્તો
જસ્ટ ચીલ…કિતની એક્ઝામ – કિતની બુક્સ, ગિન લે દુશ્મન ધ્યાન સે…જીતેંગે હર બાજી જબ ખેલેંગે જી જાન સે…
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નિષ્ફ્ળતા જ સફ્ળતાની પૂર્વ શરત હોઈ શકે appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/failure-aim-flooding-flood/
via Best Gujarati News
0 Comments