એકસાથે કરોડો લોકો એક જ વિચાર કરે તો શું થાય?
પોઈન્ટ બ્લેન્ક :- એમ.એ. ખાન
શઆખું જગત કરોડો સજીવોના તરંગ ક્ષેત્રોનું વિરાટ ગૂંચળું છે. એ રીતે બધા એકબીજા સાથે જોડાયેલા છે. જાણે કરોળિયાએ બનાવેલું વિશ્વવ્યાપી જાળું જોઈ લો. એના એક છેડે કોઈ જંતુ બેસે તો જાળાના બીજા છેડા સુધી એના તરંગ પહોંચી જ જાય! એટલે જ અમેરિકામાં રહેલી કોઈ વ્યક્તિ તમારા વિષે વિચારે છે તો તમને એનો અણસાર આવી જાય છે. જેમ અમેરિકાથી રીલે થતો રેડિયો કે ટીવી પ્રોગ્રામ તમારા ટીવી સેટમાં ઝીલાઈ જાય છે એમ! સવાલ માત્ર એટલો છે કે તમારી ફ્રિક્વન્સી એને ઝીલવાલાયક સેટ થયેલી હોવી જોઈએ. વિજ્ઞાનના પ્રયોગોથી સાબિત થયું છે કે તમારા વિચાર માત્ર તમારા માથામાં પુરાઈને રહેતા નથી. તમે એ બોલીને વ્યક્ત ન કરો તો પણ એ માથાની બહાર નીકળીને વાતાવરણમાં ફેલાય છે. જો એને ઝીલીને સમજી શકે એવી કોઈ વ્યક્તિ ગમે ત્યાં હોય તો એ તમારા વિચારોને બારોબાર ઝીલી શકે.
તમે બધાએ જીવનમાં ઓછામાં ઓછો એક વખત અનુભવ કર્યો હશે કે તમે કોઈ વ્યક્તિ વિષે વિચારો અને થોડી જ ક્ષણોમાં એ વ્યક્તિ આવી પહોંચે, અથવા એનો ફોન આવી પહોંચે અથવા એનો મેસેજ આવી પહોંચે. કોઈ વસ્તુનો વિચાર કરો અને થોડા દિવસો કે મહિનાઓમાં એ વસ્તુ તમને આવી મળે. કહેવત છે કે નશાના બંધાણીને નશેડી મળી જાય! સાવ નવા ગામ કે શહેરમાં પણ નશાનો બંધાણી થોડા જ સમયમાં એ ગામ કે શહેરના બંધાણીઓનો પરિચય થઈ જાય છે. આમ થવાનું કારણ સરળ છે. તમે જે વિચારો છો એના તરંગ આખા જગતમાં ફરી વળે છે. એ તરંગ કોના કોના મગજમાં ઝીલાઈ શકે, જેનું મગજ તમારા જેવું જ ટયૂન થયેલું હોય. એટલે એ તમારા વિચાર ઝીલે છે અને તમારી વચ્ચે સાવ અજાણ્યા હોવ તો પણ એક જોડાણ થઈ જાય છે. એટલે જ અંગ્રેજીમાં કહેવત છે, લાઈક માઈન્ડેડ પીપલ ઓલ્વેઝ ફાઈન્ડ ઈચ-અધર. સરખી મનોવૃત્તિ ધરાવતા લોકો એકબીજાને હંમેશાં શોધી જ લે છે. એટલા માટે વડીલો હંમેશાં કહેતા કે જેવું વિચારશો એવું પામશો. તમે નકારાત્મક વિચાર કરશો તો એ નકારાત્મક લોકો જ ઝીલશે અને એવા જ લોકો તમને વહેલા-મોડા આવી મળશે. તમે અધ્યાત્મના વિચાર કરતા રહેશો તો આધ્યાત્મિક લોકોના મનમાં જ એ ઝીલાશે અને એવા લોકો તમને આવી મળશે.
આ તો એકલદોકલ વ્યક્તિની વાત થઈ. તમારી અને તમારા મિત્રની કે દુશ્મનની વાત થઈ. જગતમાં તો કરોડો લોકો છે. એમાંથી કરોડો લોકો તમારા જેવા જ વિચાર કરનાર હોઈ શકે. તમારો સારો કે ખરાબ વિચાર એ કરોડો લોકોના મગજમાં ઝીલાઈ જ ગયો હોય. તો પછી તમને એવા વિચાર ધરાવતા કરોડો લોકો કેમ આવી મળતા નથી? આવો સવાલ મનમાં જાગે એ સ્વાભાવિક છે. એનો જવાબ સરળ છે. કરોડો લોકો જગતમાં એકબીજાથી હજારો કિલોમીટર દૂર દૂર સ્થિત હોય. એમને તમારો વિચાર તો મળી જ જાય, પરંતુ તમારું સરનામું એમને મળતું નથી. જે તમારી આસપાસ હોય અને તમારા પરિચિત હોય એ તમને આવી મળે છે. બાકીનાઓ તમારી તરફ આકર્ષાય છે. એમાંથી કોઈક તમને મળી શકે અને બાકીનાઓ તરંગ બદલાઈ જતાં જ્યાં હોય ત્યાં રોકાઈ જઈ શકે.
માનો કે હજારો, લાખ્ખો લોકો એકસરખો વિચાર કરી રહ્યા હોય તો શું થાય? આ સવાલનો જવાબ પણ તદ્દન સરળ છે; એ લોકો જે વિચારી રહ્યા હોય એ વિચાર ઘટના સ્વરૂપે આકાર ધારણ કરે. એ વિચાર અમલમાં મૂકાઈ જાય. એક વિચાર લાખ્ખો કરોડો લોકોના મનમાં રમતો કરી લેવાની કળાને માસ હિપ્નોટિઝમ કહે છે. પોલિટિકલ સાયન્સમાં એ ખુબ મહત્ત્વનું હથિયાર હોય છે. રાજકીય પાર્ટીઓ પોતાના વિચારને દેશના અને જગતના લાખ્ખો કરોડો લોકોના મનમાં રોપી દે છે. પછી બધા જ એકસાથે એક વિચાર કરતા થઈ જાય છે.
જગતમાં બે વિશ્વયુદ્ધ થઈ ગયાં છે. કારણ કે ત્યારે જગતના ૭૦ ટકા લોકો એકસરખો વિચાર કરતા હતા. સામ્રાજ્ય મોટું કરવું જ જોઈએ. સામ્રાજ્ય મોટું કરવા માટે જરૂર પડે તો આસપાસના રાજ્યોનો વિસ્તાર કબજે કરી લેવો જોઈએ. હજારો-લાખ્ખો લોકો આવો વિચાર કરે તો એમના મનમાં યુદ્ધનો વિચાર જન્મે છે. એકસામટા આટલા બધા લોકોના વિચારતરંગો યુદ્ધ… યુદ્ધ… વિચારતા હોય તો એ વિચાર ઘનીભૂત થઈ નક્કર સ્વરૂપ ધારણ કરે છે- અને ખરેખર યુદ્ધ થાય છે.
લેટેસ્ટ ઉદાહરણ તપાસવું હોય તો બાબરી મસ્જિદ કહેવાતું બાંધકામ તોડી પાડવામાં આવ્યું એ ઘટના તપાસવી પડે. કારસેવાના નામે ત્યાં એકઠા થયેલા લાખ્ખો લોકોના મનમાં એક જ વિચારના તરંગ વલોવાઈ રહ્યા હતા. આ બાંધકામ દેશના ગૌરવ માટે કલંક છે. એને દૂર કરવું જ જોઈએ. લાખ્ખો માણસો એક જ વિચારમાં પરોવાયા એટલે તરંગો એટલા પાવરફૂલ બન્યા કે માઈક પર કોઈએ માત્ર એક જ વાક્ય ઉચ્ચાર્યું, એક ધક્કા ઔર દો, બાબરી કો તોડ દો. બસ! વિચારના તરંગો ઘનીભૂત થઈ ગયા અને બાબરી મસ્જિદ કહેવાતું બાંધકામ જોતજોતામાં હતું-ન હતું થઈ ગયું.
અનેક ફિલ્મોમાં બતાવવામાં આવ્યું છે કે ખતરનાક વિલન પોતાના માણસને બોલાવીને આદેશ કરે, એ ખીણમાં કૂદકો મારી દે. ખીણમાં કૂદકો મરવાથી મૃત્યુ જ થાય એની ખબર હોવા છતાં એ માણસ ખીણમાં કૂદકો મારી દે છે. એ આવું શા માટે કરે છે એનું કારણ આવતા અઠવાડિયે તપાસીશું.
makhan.cc@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એકસાથે કરોડો લોકો એક જ વિચાર કરે તો શું થાય? appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/together-millions-people-one-the-witch/
via Best Gujarati News
0 Comments