મેરી ઝિન્દગી કી કહાની સે ભી એક ફિલ્મ ઝરૂર બનની ચાહિયે!
ગોડફાધર્સ :- શીલા રાવલ
અબુ સાલેમ વિષે પોર્ટુગલની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાબતે ભારતની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે પોર્ટુગલની બંધારણિય કોર્ટનો ચુકાદો અમને બંધનકર્તા હોઈ શકે નહીં. અબુ સાલેમનું પ્રત્યાર્પણ ભારતીય કાયદાની નજરે તો બિલકુલ માન્ય છે. એમાં કોઈ જ નિયમભંગ થયો નથી. સાથે જ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પરવાનગી આપી કે સીબીઆઈ અબુ સાલેમ ઉપર લગાવવામાં આવેલા ટાડા હેઠળના અને વિસ્ફોટક સામગ્રી રાખવા અને હરફેર કરવાના આરોપો પાછા ખેંચી લે. જેથી પોર્ટુગલની સરકારે પ્રત્યાર્પણ વખતે નક્કી કરેલી શરતોમાંથી કોઈ શરતનો ભંગ ન થાય. નક્કી થયેલી એ શરતોમાં એવી શરત પણ હતી કે અબુ સાલેમ ગુનેગાર ઠરે તો પણ તેને મૃત્યુદંડની સજા નહીં થાય અને ૨૫ વર્ષથી વધુની કારાવાસની સજા પણ નહીં થાય.
ભારતના સિક્યુરીટી તંત્રએ અને સુપ્રીમ કોર્ટે આ પગલાંથી પોર્ટુગલની પ્રત્યાર્પણ શરતોના ભંગના બહાના હેઠળ ભારતમાંથી બહાર નીકળી જવાની જે ગોઠવણ કરી હતી એને નાકામ બનાવી દીધી. પ્રત્યાર્પણની શરતોનો ભંગ કરનાર દરેક પગલાને રદ કરી દીધું. અને જે ગુના સબબ પોર્ટુગલ સરકારે અબુ સાલેમની ભારત સરકારને સોંપણી કરી હતી એ ગુના સબબ જ કામ ચલાવવાની બાંહેધરી આપી દીધી. પરિણામે અબુ સાલેમની ગોઠવણ નકામી થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે હવે એ કાયદેસર બહાના હેઠળ છટકી શકે એમ નથી.
મુંબઈ પોલીસ માને છે કે કાયદાની કોઈ છટકબારી એને ભારતની જેલમાંથી છોડાવી શકે એમ નથી એની ખાતરી થયા પછી અબુ સાલેમે બીજા કોઈપણ બહાના હેઠળ જેલમાંથી છટકવાના પ્રયાસ કરવા માંડયા હતા. પોલીસને ખાતરી છે કે એવા પ્રયાસના ભાગરૂપે જ અબુ સાલેમ ઉપર જેલમાં હુમલો થયો હતો. પહેલો હુમલો ૨૦૧૦માં આર્થર રોડ જેલમાં થયો હતો. હુમલો થતાં જ અબુ સાલેમે અરજી કરી દીધી કે એ આર્થર રોડ જેલમાં બિલકુલ સલામત નથી. એની હત્યા થઈ જવાનો એને સતત ભય લાગે છે.
આવી અરજીના પરિણામે અબુ સાલેમને નવી મુંબઈની તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં એની સલામતિ વિષે પણ પુરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. છતાં ૨૦૧૩માં એક દિવસ અબુ સાલેમ જેલની પરસાળમાંથી પસાર થઈ રહ્યો હતો કે અચાનક એક અજાણ્યો કેદી અંધારામાંથી અલાદીનના જિનની જેમ પ્રગટ થઈ ગયો. આ વર્ણન ખુદ અબુ સાલેમે કર્યું હતું. એ અજાણ્યા કેદીએ પળવારમાં દેશી તમંચો(કટ્ટો) કાઢયો અને અબુ સાલેમ કશું સમજી શકે એ પહેલાં તો ફાયર કરી દીધો. હુમલાખોર શીખાઉ હોય કે ગભરાયેલો હોય, ગમે તે કારણસર ગોળી હુમલાખોરના ધાર્યા પ્રમાણે અબુના હૃદયમાં વાગી નહીં. એને બદલે અબુ સાલેમના જમણા હાથને ઘાયલ કરતી નીકળી ગઈ હતી. એને જીવલેણ કહી શકાય એવી કોઈ ગંભીર ઈજાઓ થઈ નહોતી. ફરીથી અબુ સાલેમે અરજી કરી દીધી કે જેલમાં એનો જાન જોખમમાં છે. એની સલામતિ પાકી કરવામાં આવે. પોલીસે ખાતરીથી કહ્યું કે આ હુમલો ખુદ અબુ સાલેમે જ કરાવ્યો હોવાની એમને ખાતરી છે. અબુ સાબિત કરવા માગે છે કે ભારતની જેલમાં એની સલામતિ નથી એટલે એને પોર્ટુગલની જેલમાં ખસેડવામાં આવે.
અબુ સાલેમ પર કોઈ જીવલેણ હુમલો નહીં થાય એની ખાતરી કરાવતો બંદોબસ્ત જેલ અધિકારીઓએ ગોઠવી આપ્યો અને અબુ સાલેમને જેલમાં કોઈ અગવડ ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવી. એ જેલમાં હોવા છતાં ડિઝાઈનર કપડાં અને લેટેસ્ટ ડિઝાઈનના બૂટ પહેરી શકતો હતો. એની પસંદનું ખાવાનું ખાઈ શકતો હતો. એની ઈચ્છા થાય ત્યારે એની પસંદની બિરયાની એને મળી જતી હતી.
હું જેટલા ડોન અને ગેન્ગસ્ટર્સને મળી હતી એ બધા કરતાં અબુ સાલેમ વધારે ચાલાક હતો. સામેવાળાનો અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવામાં નિષ્ણાત, ઠરેલા મગજથી કામ કરનાર ખંધો ગેન્ગસ્ટર હતો. એને પ્રેરણા આપનાર પરિબળ જીવતા રહેવાની લાલસા જ હોવાની મને ખાતરી થઈ ગઈ હતી. જીવતા રહેવાની આવી લાલસા મેં કોઈ ગેન્ગસ્ટરમાં નહોતી જોઈ જેવી અબુ સાલેમમાં હતી.
ભારતમાં લાવ્યા પછી એની સામે કુલ ૫૨ આરોપો મૂકવામાં આવ્યા હતા. ચાર્જશીટ બનાવીને કેસ રજિસ્ટર કરવામાં આવ્યા હતા. પોર્ટુગલ સાથે પ્રત્યાર્પણ કરારનો ભંગ ન થઈ જાય એ માટે સરકાર અને પોલીસ ફક્ત ૮ કેસમાં જ એની સામે કામ ચલાવી શકે એમ હતું. બાકીના કેસ રદ્દ થઈ ગયા. એણે ૧૦ વર્ષ જેલમાં ગુજારી લીધા હતા. પ્રત્યાર્પણની શરત પ્રમાણે એને ગુનેગાર ઠર્યા પછીય ૨૫ વર્ષથી વધારે સજા થઈ શકે એમ નહોતી. એટલે કે એણે વધુમાં વધુ ૧૫ વર્ષ જેલમાં કાઢવાના થાય. અન્ય કોઈ ગુનેગાર હોય તો એમ સ્વીકારી લે કે બીજા ૧૫ વર્ષ જેલમાં નીકળી જાય તો ઘણું. એને બદલે અબુ સાલેમે નક્કી કર્યું હતું કે જેલમાંથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જવું. એ માટે એ તમામ પ્રયાસ કરી રહ્યો હતો. જે જે બહાના હેઠળ તે મુક્ત થઈ શકે એમ હતો એ તમામ બહાના અજમાવી રહ્યો હતો. સ્થિતિને પોતાના નિયંત્રણમાં જ રાખવાનો આગ્રહી અબુ સાલેમ આ વાતે પણ દરેક પ્રક્રિયા પર પોતાનું જ નિયંત્રણ રહે એવું ઈચ્છતો હોય એ પ્રતીત થતું હતું.
એણે પોતાની મુક્તિ અને સલામતિની ખાતરી કરવા માટે કાયદેસર થઈ શકે તે તમામ પ્રયાસ કર્યા હતા. એના વકીલ સબા કુરેશી અને ધારાશાસ્ત્રીઓની એક આખી ટીમ એ માટે કામ કરી રહી હતી. એ લોકોએ અબુ સાલેમ ઉપર ભારતની જેલમાં અત્યાચાર થઈ રહ્યો છે અને જાતજાતના નવા કેસ ઠોકી બેસાડવામાં આવી રહ્યા છે એવા બહાના હેઠળ પ્રત્યાર્પણ રદ કરાવવાના પ્રયાસો કરી લીધા પછી લિસ્બનની વહીવટી કોર્ટમાં પણ પોતાનો કેસ મુક્યો હતો કે સરકાર પર દબાણ કર્યું હતું કે તે ભારત સરકાર સાથે કરેલો પ્રત્યાર્પણ કરાર ભંગ કરી દે. અબુ સાલેમની ધારાશાસ્ત્રીઓની ટુકડીએ યુરોપની કોર્ટમાં પણ પોતાનો કેસ રજુ કર્યો હતો. જેથી પોર્ટુગલ ઉપર દબાણ લાવી શકાય કે એ ભારત સરકાર પર દબાણ કરે. પ્રત્યાર્પણનો કરાર રદ્દ કરી દે.
અબુ સાલેમે સફળતાપૂર્વક પોતાના માફિયા બોસલોકો સામે બુદ્ધિપૂર્વકના દાવપેચ રમીને પોતાનું અલગ સામ્રાજ્ય ઊભું કરી લીધું હતું એ જ એની ચબરાકીની સાબિતિ ગણાય. ડી કંપની જેવી ખમતીધર અને વગદાર ટોળકીઓ સામે બચી જવું જેવાતેવાના કામ નથી. અબુ સાલેમે આંતરાષ્ટ્રીય ગનાખોરીને વિશ્વ સ્તરે સંગઠિત કરી દીધી હતી. પોતાનું આગવું અને મજબુત નેટવર્ક બનાવી લીધું હતું જે અગાઉ કોઈ ગેન્ગસ્ટર માફિયા બનાવી શક્યો નહોતો. એણે પોતાના કામ માટે જે યુવાનોની ભરતી કરી એ પોતાના વતન આઝમગઢના સરાઈ મીર ખાતેના યુવાનોની જ કરી હતી. જેમાં દગાખોરીની શક્યતા સાવ નહિવત હતી.
માત્ર એક નબળાઈ અબુ સાલેમમાં જોવા મળે છે. એને બાળપણથી હિન્દી સિનેજગતનું જબરજસ્ત આકર્ષણ હતું. એ માનતો હતો કે ફિલ્મની જેમ એ પણ હીરો બની શકે છે. ફિલ્મી હીરોની જેમ મહિલાઓને આકર્ષી શકે છે અને પોતાની પાછળ દીવાની બનાવી શકે છે. એ પોતાને રીયલ હીરો અને અભિનેતા માનતો હતો.
હિન્દી સિનેજગતના એક સર્જકે મને કહ્યું હતું કે અબુ સાલેમે એક વખતે તેને સંદેશો મોકલાવ્યો હતો; મેરી ઝિન્દગી કી કહાની સે ભી એક ફિલ્મ ઝરૂર બનની ચાહિયે! મૈં ખુદ હીરો દિખતા હું ઔર એક્ટિંગ ભી કર લેતા હૂં. ફિલ્મ બનેગી તો ઉસ મેં મૈં ખંદ હી હીરો કા કામ કર લૂંગા.
(ક્રમશઃ)
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મેરી ઝિન્દગી કી કહાની સે ભી એક ફિલ્મ ઝરૂર બનની ચાહિયે! appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/mary-zindagi-ki-kahani-se-b/
via Best Gujarati News
0 Comments