મા-બાપને પોઝિટિવિટી રાખવામાં શું જોર આવતું હશે?
રીલેશનના રિલેસન :- રવિ ઈલા ભટ્ટ
હમણાં એક કિટલી ઉપર કોફી પીતાં પીતાં મેં મારા સાથી મિત્રને સવાલ કર્યો કે યાર તું આટલો હોશિયાર છે, વિવિધ વિષયોનું જ્ઞાન ધરાવે છે, ખાસ કરીને સાયન્સમાં તને વધારે રસ છે તો પછી તેં આર્ટ્સ લઈને શિક્ષકની નોકરી કેમ પસંદ કરી. તેનો જવાબ હતો મારા માતા-પિતા અને પરિવારના અત્યંત પ્રોત્સાહનને પરિણામે મારે આર્ટ્સ લેવું પડયું અને શિક્ષક બનવું પડયું. મેં વાત જરા પોઝિટિવલી લીધી કે આજના માતા-પિતા બાળકોને શિક્ષક બનાવવા માટે પણ પ્રેરણા આપે છે તે સારી બાબત છે. તેમ છતાં મેં જિજ્ઞાસાવશ ફ્રીથી પૂછયું કે, પ્રોત્સાહન વધારે હતું કે તારી ઈચ્છા. ત્યારબાદ તેણે જવાબ આપ્યો તે મોટાભાગના મા-બાપને લાગુ પડે છે.
તેણે કહ્યું કે, હું નાનો હતો ત્યારથી ભણવામાં થોડોક આળસુ હતો. મને પરીક્ષાઓ સિવાય ભણવામાં, લેસન કરવામાં અને સ્વાધ્યાપોથીઓ ભરવામાં કે અન્ય પ્રવૃત્તિઓમાં રસ નહોતો. હા વાંચનનો શોખ હતો એટલે પુસ્તકો અનેક વાંચતો. મારી સૌથી મોટી નબળાઈ એ હતી કે રાત્રે મારે વહેલા સુવું પડે. પછી હું પરોઢીયે જાગી જાઉં. મારા ઘરમાં મારા સિવાય બધા અડધી રાત સુધી જાગે. તેમાંય મારો નાનો ભાઈ સતત વાંચ્યા કરે, લેસન કરે અને લખ્યા કરે. મારું પરિણામ પણ એકંદરે ૭૦થી ૮૦ ટકા વચ્ચે ચાલ્યા કરે. મારા ભાઈનું ૮૫થી ૯૫ વચ્ચે આવ્યા કરે.
મને ઘરના લોકોએ પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું. આ તો આળસુ છે, આ ડોબો છે, આ ડફેળ છે. દસમા ધોરણમાં અનેક વિષમતાઓ વચ્ચે ૭૭ ટકા પરિણામ આવ્યું. મારા માટે આનંદનો વિષય હતો જ્યારે પરિવાર માટે વિસ્મયનો હતો. આ ડફેળને, આળસુને, રખડેલને આટલા માર્ક આવ્યા ક્યાંથી. ઘણા રિચેકિંગ કરાવવાની કોમેન્ટ કરતા તો ઘણા માર્કશિટ સાચી આવી છે કે નહીં તે ચેક કરવાનું કહેતા. ત્યારબાદ નિર્ણય લેવાયો કે આ આળસુ છે, ભણવાનું ખાસ પસંદ નથી તેથી તેને સાયન્સમાં તો ન જ મૂકાય. નાપાસ થશે બારમા ધોરણમાં. આખરે પરિવારજનોના પ્રોત્સાહન અને આગ્રહને કારણે મેં આર્ટ્સ સ્વીકારી લીધું.
ધીમે ધીમે ભણતો ગયો અને આગળ વધતો ગયો. અંગ્રેજી વિષય સાથે જ્યારે બીએ ઓનર પાસ કર્યું ત્યારે પણ લોકોને નવાઈ લાગી કે આ છોકરાને આવું પરિણામ આવે છે ક્યાંથી. ત્યારબાદ એમએ કર્યું, બીએડ કર્યું અને શિક્ષક તરીકે જોડાઈ ગયો. જીવનના અભ્યાસકાળના વર્ષોમાં સતત એવું જ પ્રોત્સાહન મળતું રહ્યું છે કે, તું ડફેળ છે, તું રખડેલ છે તું આળસુ છે, તને નહીં આવડે, તું નહીં કરી શકે, તારાથી નહીં થાય, તું રહેવા દે. આ પ્રોત્સાહને મારામાં રહેલા તમામ ઉત્સાહ, ઉમળકા અને આશાઓને જીવતેજીવ સમાધી અપાવી દીધી. મારી ઈચ્છાઓનું મનમાં જીવતું જગતીયું કરીને લોકચિંધ્યા માર્ગે આગળ વધ્યો. મને લોકો સામે ફ્રિયાદ નથી. તેમણે જે કર્યું તે સારું જ છે. આજે મારા ક્ષેત્રમાં હું સફ્ળ છું. મને ભુલથી ફયદો એ થયો કે મારા કોલેજકાળના એક પ્રોફેસરે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને ખાસ કરીને મારી પત્નીએ મારામાં વિશ્વાસ રાખ્યો અને જન્માવ્યો. તેમના આ પોઝિટિવ સપોર્ટને કારણે જ કદાચ મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે. મારી જાતે હું માનું છું કે મેં સફ્ળતા મેળવી છે. તેમ છતાં મારા પરિવારને આજે પણ એ જ સવાલ છે કે, આ શું કરતો હશે સ્કૂલમાં. છોકરાઓના ભવિષ્યનું શું, આ શું ભણાવતો હશે.
તેનો જવાબ સાંભળીને મને જરાય આઘાત ન લાગ્યો. તેનું કારણ એવું છે કે, આજે મોટાભાગના ઘરમાં આવી જ સ્થિતિ છે. ઘણી વખત વિચાર આવે કે આપણે સારું બોલી નથી શકતા કે આપણને આવડતું જ નથી. હકારાત્મકતાને આપણે જાણે ગુમાવી દીધી હોય તેવો વ્યવહાર આપણે આપણા સંતાનો સાથે કરતા હોઈએ છીએ. ખાસ કરીને મમ્મીઓ તો પોતાના બાળકોને ડફેળ, ડોબા, બુદ્ધિવગરના, નાલાયક, જેવા શબ્દ બીરૂદો આપતી રહેતી હોય છે. આ જોઈને એક જ સવાલ થાય કે, તમે તમારા સંતાનોને પ્રોત્સાહન કેમ નહીં આપી શકતા હોવ. તેને ૮૦ ટકા આવ્યા તો કહેશે કે તું ડફેળ છે. સામેવાળાના છોકરાના ૯૦ ટકા આવ્યા. ફ્લાણાની છોકરીનો ર્ફ્સ્ટ રેન્ક આવ્યો. જો તમે સામેવાળા, ફ્લાણા-ઢીંકણા જ ગમતા હોય તો તમારા છોકરાઓને અનાથ આશ્રમમાં મૂકી આવો અને ફ્લાણા-ઢીંકણાના છોકરાં ઘરે લઈ આવો.
ઘણાના ઘરમાંથી બુમો આવતી હોય છે, સા… સાવ ડફેળ જેવી છે, એક કામ કરતાં આવડતું નથી, ચાર શબ્દો વાંચતાં નથી આવડતા, ડોબા જેવી સા…. આખો દિવસ બેસી જ રહે છે, લખતી જ નથી, ખબર નહીં મોટી થઈને શું કરશે. સતત આવું નકારાત્મક પિંચિગ આપણે આપણા સંતાનોને કરતા જ રહેતા હોઈએ છીએ. ક્યારેય તેની પાસે બેસીને તેની અણઆવડત, તેને પડતી મુશ્કેલી, તેમને ભણવું નથી અથવા તો ઈચ્છે તો પણ યાદ રહેતું નથી તે સમસ્યા વિષે ચર્ચા કરી છે? દીકરો અથવા દીકરી કયા કારણોસર ઓછા માર્ક લાવે છે તેની જાતતપાસ કરી છે. મોટાભાગના મા-બાપ સંતાનોને ડફ્ણા જ માર્યા કરતા હોય છે. તમે એકેય વખત વિચાર કર્યો છે કે, તમારા આ ડફ્ણા બાળમાનસ ઉપર કેવા ચાબખા બનીને પડતા હતા. તેના સેલ્ફ્કોન્ફ્ડિન્સના ચુરેચુરા થઈ જતા હશે. અભ્યાસ માટે પ્રવૃત્ત થતું, કંઈક નવું શિખવાની ઈચ્છા રાખતું, આગળ જવાની ઈચ્છા રાખતું એ બાળક કેટલું હતાશ થઈ જતું હશે જ્યારે તમે બે-ચાર લાફ મારીને કહી દો કે જતો રહે ડફેળ તને નહીં આવડે. તમે તેની ચોપડી ફેંકી દો અને જાહેરનામું બહાર પાડી દો કે, જતી રહેજે સા… ડોબી, તું તો નપાસ જ થવાની છું.
નવા નવા સપનાં જોતા, નવી નવી કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખતા આ બાળમાનસ પર તમારા જે ચાબખા પડે છે તેના ઉઝરડા અને સોળ આખી જિંદગી તેના સેલ્ફ્કોન્ફ્ડિન્સને ઉપર ઉઠવા નથી દેતા. તેને સતત એમ લાગ્યા કરે છે કે હું ડફેળ છું, હું સામાન્ય છું, આગળ વધવાનો મને અધિકાર નથી અને મને આવડશે પણ નહીં. તમે નાનકડી ભુલ હોય કે બે-ચાર માર્ક ઓછા આવવાની સમસ્યા હોય કે પછી ઓછું યાદ રહેતું હોય અથવા તો વારંવાર વાંચ્યા પછી યાદ રહેતું હોય તેવી તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે જે ધબ્બા મારી મારીને તેને ડફેળનું લેબલ ચોંટાડી આપો છો તે તેના બરડાના બદલે તેના હૃદય ઉપર કોતરાઈ જતું હોય છે. સમયાંતરે આ બાળક હતાશા અને નિરાશામાં સપડાતું જાય છે. જીવનના કોઈ તબક્કે તેને સકારાત્મક અને સાચા પ્રોત્સાહન આપનાર કોઈ રડયોખડયો માણસ મળી જાય તો તેમનું જીવન બદલાઈ જાય.
મિત્રો તમારા સંતાનોનું પરિણામ ફ્લાણા કે ઢીંકણાના છોકરા કે છોકરી કરતાં ઓછું આવશે તો તેનાથી પૃથ્વી રસાતાળ નહીં થઈ જાય. તમારી દીકરી કે દીકરો વાંચતાં મોડું શીખશે અથવા તો વાંચવામાં તેને વાર લાગતી હશે તો તમારી આબરૂ નહીં જતી રહે. સમાજમાં તમારા માન-મોભાને તમારા સંતાનોના પરિણામ અને ક્ષમતાઓની અસર નહીં થાય. તમારા અણુબોમ્બ જેવા નકારાત્મક શબ્દો તેના આત્મવિશ્વાસ અને સપનાઓના નગરને ધ્વસ્ત કરી નાખશે. બાળકની કારકિર્દી કેવી બનશે એ અત્યારથી નક્કી થઈ શકે તેમ નથી પણ તેનું વ્યક્તિત્વ કેવું બનશે તે ચોક્કસ નક્કી કરી શકાય તેમ છે. ખાસ કરીને માતા-પિતા અને પરિવારજનોનું તેના પ્રત્યેનું હકારાત્મક અથવા તો નકારાત્મક વલણ જ તેના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે તેને સાચી પ્રેરણા નહીં આપી શકીએ તો પછી આગળ વિચારવાનો આપણને અધિકારી જ નથી.
raviilabhatt@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મા-બાપને પોઝિટિવિટી રાખવામાં શું જોર આવતું હશે? appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/parents-positive-keeping/
via Best Gujarati News
0 Comments