શાંતિ મફ્તમાં નથી જ મળતી
ખુલ્લી વાત :- અમિતા મહેતા
તમારી આજુબાજુ ફ્રિયાદ કરતા લોકો વધારે છે કે ભગવાને જે આપ્યું છે એનાથી સંતોષ માનતા વધારે ? આપણી આજુબાજુના સંબંધોમાં ફ્રિયાદ વધારે સંભળાશે કે પ્રશંસા ? તેઓ એકબીજાની ખુશી જોઇને આનંદિત થાય છે કે ઇર્ષ્યાથી બળી મરે છે ? આ પ્રશ્નના ઉત્તરો મેળવશો તો તમને ખબર પડશે કે આજે મોટાભાગના પરિવારોમાં શાંતિ કેમ નથી ? ખુદની અને પારિવારિક શાંતિ માટેના સોનેરી નિયમો :
- પરિવાર એ સમૂહ છે અને સમૂહમાં માત્ર એક જ વ્યક્તિની મનમાની ન ચાલે. દરેકનાં મનને સાચવવા પડે. આ માટે પ્રેમ અને સહકાર બંને જરૂરી છે. પ્રેમ હશે અને એ સપોર્ટ તથા સંવેદના દ્વારા વ્યક્ત થશે તો સ્વજનોનો અસંતોષ દૂર કરી શકાશે. હંમેશાં મને જ મળવું જોઇએ એને બદલે વસ્તુ, વિશ્વાસ, સન્માન અને લાગણી અન્ય સભ્યોને પણ પ્રાપ્ત થાય એ માટેનાં પ્રયત્ન કરો.
- ઉદાસી અને પ્રસન્નતા બંને એ ચેપી વાયરસ છે. તેથી એને ફેલાતાં વાર નથી લાગતી. ઘરમાં એક વ્યક્તિ મસ્તીથી કામ કરતી હોય ત્યારે બીજી વ્યક્તિ આવીને ઉદાસીભરી મહાકથા ચાલુ કરશે તો પેલી વ્યક્તિની મસ્તી ગાયબ થશે. જીવન છે તો સુખની સાથે દુઃખ પણ આવવાનું જ. છતાં એને ગળે લટકાવીને ફ્રશો તો એ ઘરની પ્રસન્નતાનું ગળૂ ઘૂંટશે.
- આ દુનિયા જરા ય સીધી નથી. છળ કપટ અને આંટી-ઘૂંટી સર્વત્ર છે. પણ પરિવારમાં એનું સામ્રાજ્ય ન રચો. ચોર પણ એક ઘર છોડીને ચોરી કરે છે. તો એટલીસ્ટ કાવા-દાવાથી ભરેલા શાતિર મગજનો ઉપયોગ ઘરમાં- પરિવારમાં તો ન જ કરીએ. ભાઈ સાથે ખટપટ છે, ઝઘડી લો પણ એમાં જીતવા માટે મેલી રમતનો ઉપયોગ ન જ થાય. પત્ની સામે હજાર વાંધા છે. ઇટ્સ ઓકે, બટ એને જાણીને નીચી પાડવા જૂઠનો સહારો ન લો. મતલબ કે પરિવારના વ્યવહારમાં સરળ બનો, નિષ્કપટ બનો, વિશ્વાસુ બનો. સરળતા અને સચ્ચાઇને એટલીસ્ટ ઘરમાં તો જીવીએ.
- કોઇ મારું શું બગાડી શકે ? એને મારા વગર છૂટકો જ નથી એવો વિચાર વ્યક્તિને અભિમાની તથા તુંડમિજાજી બનાવે છે. પરિવાર પરસ્પરના સહકાર અને સ્નેહથી બને છે.
- સહુને બીજાને શીખામણ આપવી ગમે છે, ટોકવું ગમે છે. પરંતુ અન્યની વાત ધ્યાનપૂર્વક સાંભળવી ગમતી નથી. સાંભળવું એ અન્યને સુખ આપવાની નોખી કલા છે. એની દરેક પરિવારને તાતી આવશ્યકતા છે. સાંભળવું એટલે વ્યક્તિને સ્વીકારવી. જ્યારે તમે અન્યને સ્વીકારો છો ત્યારે એના મનમાં સલામતી અને શ્રધ્ધા જન્મે છે.
- જૂની પણ મહત્વની વાત એ કે પરિવારમાં શાંતિ જોઇતી હોય તો ચાલશે, ફવશે અને ગમશેની નીતિ અપનાવો.
- પરિવારમાં કેટલુક શિસ્ત જરૂરી છે જેમકે એક વ્યક્તિ આઠ વાગ્યે ઉઠે અને બીજી દસ વાગ્યે તો ઘરમાં સ્ત્રી સભ્યને સમય સાચવવામાં તકલીફ પડે. એ જ રીતે પોતાના કામ જાતે કરવા, બીજા પર ઓર્ડર કરવો, ગમે ત્યારે આવવું, ગમે ત્યારે જવું, અપશબ્દો બોલવા, નબળા વ્યક્તિની મજાક ઉડાવવી કે અપમાન કરવું જેવી બાબતો ઘરની શાંતિનો ભંગ કરે છે. દૃષ્ટિને સુંદર બનાવો. દૃષ્ટિમાં સુંદરતા હશે તો કોઇ પણ સંબંધ સુંદર દેખાશે.
- ફેમિલીમાં અશાંતિનું એક કારણ વિટામીન એમ યાને પૈસા છે. પૈસા અંગે બે બાબતે સાવધાની જરૂરી છે. એક તો વ્યવહારમાં ચોખ્ખા રહો. હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની નીતિ અપનાવશો તો ગેરસમજ નહીં થાય. સંકટ સમયે એકબીજાની પડખે રહેવું એ જ મોટી અને મહત્ત્વની વાત છે. તેથી ગિફ્ટ ન લાવ્યા, ઓછી વસ્તુ આપી, કે કંજૂસ છે એવા વિચારો પરિવારની વ્યક્તિ માટે કરતા રહેશો તો દુઃખી થશો. ક્યારેય મન મળશે નહીં. દરેક વખતે લાગણીને પૈસાથી માપવી એ મૂર્ખામી છે. અને દરેકની લાગણી વ્યક્ત કરવાની રીત અલગ હોય છે. જેમકે કોઇ શરીરથી ઘસાય, કોઇ બુદ્ધિ- ઓળખાણ વગેરે દ્વારા હેલ્પ કરે તો કોઇ સલામતી કવચ બનીને ઊભું રહે. તેથી કંજૂસ વ્યક્તિ લાગણીવાળી ન હોય એવા વહેમમાં ન રહેવું.
- બીજું, પરિવારની આવક પ્રમાણે ઘરના સભ્યો ખર્ચ કરે, ખોટી અપેક્ષાઓ દ્વારા પ્રેશર ન લાવે, રોજેરોજ પૈસાને ઇશ્યુ બનાવીને ઝઘડો ન કરે અને ચાદર પ્રમાણે પગ લંબાવે તો અશાંતિ ઘરમાં પ્રવેશવાની હિંમત નહીં કરે.
- અને છેલ્લે ભૂલી જવાનો સ્વભાવ શાંતિને ટકાવવા કામ આવે છે. આ જીવનમાં યાદ રાખવા કરતાં ભૂલવા જેવી ઘટનાઓ વધારે બને છે. સો… મનને દુઃખી કરતી, સંબંધોમાં તિરાડ ઊભી કરતી કે ઝઘડા કરવા પ્રેરતી બાબતોને મગજમાંથી ડીલીટ કરો. મન તો શાંત થશે જ પણ સાથે પ્રસન્નતા પણ આવશે.
ardh@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શાંતિ મફ્તમાં નથી જ મળતી appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/peace-free-not-in-the-kind/
via Best Gujarati News
0 Comments