બેલ્જિયમ-ભારત સબંધોના કેન્દ્રમાં હીરા
માંડ ૧.૧૩ કરોડની વસતીવાળા બેલ્જિયમની રાજકીય વ્યવસ્થા ઘણી જ જટિલ છે. કેટલીય ભાષાકીય વિસ્તારોમાં વહેંચાયેલો આ દેશ સંઘીય લોકતંત્રનું સતત પરીક્ષણ કરી રહ્યો છે.
ભારત સાથેનું જોડાણ વિશેષ
નવી દિલ્હીમાં તમે જ્યારે પણ રેલવે મ્યુઝિયમને પસાર કરી શાંતિ પથ તરફ જાઓ તો તમને એક અજીબોગરીબ સંરચના જોવા મળશે. એ પ્રસિદ્ધ કલાકાર સતીષ ગુજરાલે બનાવેલું બેલ્જિયમ દૂતાવાસ છે, જે ભારત બેલ્જિયમ સબંધોના સાંસ્કૃતિક પાસાનું જબરજસ્ત ઉદાહરણ છે. બેલ્જિયમે ભારતને ૧૯૪૭માં આઝાદી બાદ જ સ્વતંત્ર દેશની માન્યતા આપી હતી, જ્યારે ભારતે તેને ૧૯૪૮માં માન્યતા આપી.
૧૩ અબજ યુરોનો પારસ્પરિક વેપાર
યુરોપિયન સંઘનું મુખ્યાલય હોવાને કારણે બેલ્જિયમની સાથે ભારતના સબંધ ખાસ રહ્યા છે. બેલ્જિયમ ઉપરાંત યુરોપિયન સ્તરે થતી મુલાકાતો અને બેઠકો માટે પણ ભારતીય નેતાઓની અવરજવર થતી રહે છે. હાલમાં જ ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઓક્ટોબર ૨૦૧૮માં એશિયા યુરોપ બેઠક માટે બ્રસેલ્સ આવ્યા હતા. આ પહેલાં ભારત યુરોપ શિખર સંમેલનો માટે વડા પ્રધાન પણ આવતા રહ્યા છે. હાલમાં બેલ્જિયમ ભારત સબંધોના કેન્દ્રમાં હીરા છે. હીરા વ્યાપારી મોટી સંખ્યામાં એન્ટવર્પમાં રહે છે. બંને દેશોના સબંધોના કેન્દ્રમાં હંમેશાં વ્યાપાર અને રોકાણ રહ્યું છે. ૨૦૧૭માં બંને દેશોની વચ્ચે પારસ્પરિક વ્યાપાર લગભગ ૧૩ અબજ યૂરોનો છે.
રાજકીય વ્યવસ્થા
૩૦,૬૮૮ વર્ગ કિલોમીટર વિસ્તારમાં વસેલું ૧.૧૩ કરોડની વસતીવાળા બેલ્જિયમ બંધારણીય રાજતંત્ર છે. તે ૧૮૩૦માં આઝાદ થયો અને ૧૮૩૧માં ત્યાં બંધારણ અમલમાં આવ્યું. સંઘીય બેલ્જિયમમાં ડચ, ફ્રેંચ અને જર્મન ભાષી વિસ્તારો છે. ૧૯મી સદીથી ચાલતી આ ફ્લેમિશ વાલોનિયમ વિવાદ આજે પણ બેલ્જિયમની રાજનીતિને પ્રભાવિત કરે છે. ૧૯૭૦ના દાયકાથી આ સમસ્યાનું સમાધાન સત્તાના વિકેન્દ્રીકરણની સાથે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશ ત્રણ ક્ષેત્રિય વિસ્તારો અને ત્રણ ભાષાકીય સમુદાયોમાં વહેંચાયેલો છે. અહીંની રાજનીતિ વ્યવસ્થા અત્યંત જટિલ છે કેમકે ક્ષેત્રિય વિસ્તારો અને ભાષાકીય સમુદાયો એક જેવા નથી. સંઘીય બેલ્જિયમમાં સંસદના બે ગૃહ છે. શાસન માટે મહત્ત્વપૂર્ણ નીચલા ગૃહમાં ૧૫૦ સભ્ય હોય છે, જ્યારે ઉપલા ગૃહ સેનેટમાં ૬૦ સભ્યો. અહીંની ખાસિયત છે કે રાજા પણ કાર્યપાલિકાના સભ્ય હોય છે. ૧૫ સભ્યોની સરકારનું નેતૃત્વ વડા પ્રધાન કરે છે. સંઘીય સરકાર કાયદો વ્યવસ્થા, આર્થિક નીતિ, આંતરિક સુરક્ષા, વિદેશ નીતિ, પ્રતિરક્ષા અને સામાજિક સુરક્ષા માટે જવાબદાર છે.
યુરોપિયન સંઘમાં બેલ્જિયમ
બેલ્જિયમ યુરોપિયન સંઘનું સંસ્થાપક સભ્ય છે. યુરોપિયન સંઘના મહત્ત્વપૂર્ણ સંસ્થાનોના મુખ્યાલય પણ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં છે. પશ્ચિમી સૈનિક ગઠબંધન નાટોનું મુખ્યાલય પણ અહીં જ છે. બેલ્જિયમમાં ચૂંટણીમાં ભાગ લેવો અનિવાર્ય છે. બેલ્જિયમમાં યુરોપિયન સંઘની ચૂંટણી ૨૬ મેના દિવસે થઈ રહી છે. બંધારણીય સુધારા મુજબ એ દિવસે દેશની સંસદીય ચૂંટણી પણ યોજાશે. યુરોપિયન સંસદમાં હાલમાં બેલ્જિયમના ૨૧ સભ્યો છે. આ વખતે આટલા જ સભ્યોની ચૂંટણી થશે. ચૂંટણી ત્રણ મતક્ષેત્રોમાં થાય છે. ડચ ભાષી ચૂંટણી વિસ્તાર ૧૨ સાંસદોને ચૂંટે છે. ફ્રેન્ચભાષી ચૂંટણી વિસ્તારમાંથી ૮ સભ્યો ચૂંટાય છે, જ્યારે એક સભ્ય જર્મન ભાષી વિસ્તારમાંથી આવે છે. ચૂંટણીમાં મતદાન આનુપાતિક પદ્ધતિથી થાય છે. ચૂંટાવા માટે મતોની કોઈ મર્યાદા હોતી નથી.
મુખ્ય રાજકીય પક્ષો
દેશના મુખ્ય રાજકીય પક્ષોમાં ફ્લેમિશ આઝાદી ઇચ્છતો પક્ષ એનવીએ છે,જે વર્તમાન સંસદમાં સૌથી મોટો પક્ષ છે. તેના ફ્લેમિશ ક્રિશ્ચિયન ડેમોક્રેટસ, ફ્લેમિશ લિબરલ, ફ્લેમિશ સોશિયલ ડેમોક્રેટ્સ અને ગ્રીન પાર્ટી છે. ફ્રૈન્કોફોન પાર્ટીઓમાં સોશિયાલિસ્ટ, લિબરલ, ક્રિશ્ચિયન ડેમોક્રેટસ, લિબરલ અને ગ્રીન મુખ્ય છે.
વિશેષતા : ૩૦,૬૮૮
વર્ગ કિલોમીટર વિસ્તારમાં વસેલું બેલ્જિયમ
૧૮૩૦ માં આઝાદ થયો અને ૧૮૩૧માં ત્યાં બંધારણ અમલમાં આવ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બેલ્જિયમ-ભારત સબંધોના કેન્દ્રમાં હીરા appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/belgian-india-relations-k/
via Best Gujarati News
0 Comments