ઓસ્ટ્રેલિયામાં થયેલી ચૂંટણીમાં અબજોપતિ ક્લાઇવ પામરે તેની યુનાઇટેડ ઓસ્ટ્રેલિયા પાર્ટીના પ્રચાર  માટે ૨૮૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને હાઉસ  ઓફ રિપ્રેઝન્ટેટિવની તમામ ૧૫૧ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા પણ તેનો એકેય ઉમેદવાર જીતી શક્યો નથી. ૨૦૧૩ બાદ ફરીથી ક્લાઇવ પામરને નિરાશા હાથ લાગી છે.

એક રાજકીય વિશ્લેષકે કહ્યું હતું કે આ ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ  બહાર આવી છે કે તમે નાણાના પાવરથી સત્તા ખરીદી શકો નહીં.  ક્લાઇવ પામરે જૂઠનો સહારો લીધો હતો અને એનો જ પ્રચાર  કર્યો હતો. લોકોએ તેમને ડોનટ આપીને તેમની જગ્યા બતાવી દીધી છે.

ટ્રમ્પ સાથે સમાનતા

તેઓ ચૂંટણી પ્રચાર માટે નાણાં પોતાના ખિસ્સામાંથી જ ખર્ચે છે અને તેમની ચૂંટણી પ્રચારની સ્ટાઇલ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી જ છે. ડોનાલ્ડ ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ની જેમ તેમણે ‘મેક ઓસ્ટ્રેલિયા ગ્રેટ’નો નારો આપ્યો છે. પામર અને ટ્રમ્પ વચ્ચે ચૂંટણી પ્રચારમાં ખર્ચની બાબતે સમાનતા જોવા મળે છે. આ બન્ને જણે પોતાના જ રૂપિયા પ્રચારમાં લગાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની કમાણીમાંથી ૬ કરોડ ડોલર (આશરે ૪૨૨ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો હતો. ક્લાઇવ પામરે પણ ટીવીમાં જાહેરાતો, પોસ્ટરો, મોબાઈલમાં પબ્લિસીટી અને ર્હોિંડગ્સ પાછળ ૬.૬ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૨૮૯ કરોડ રૂપિયા)નો ખર્ચ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની બે મોટી પાર્ટીઓ કરતાં પણ આ ખર્ચ વધારે છે.

ટાઇટેનિકની રેપ્લિકા બનાવે છે

ક્લાઇવ પામરની કુલ સંપત્તિ ૨.૬ અબજ ડોલર (આશરે ૧૨૫૩ કરોડ રૂપિયા) હોવાની જાણકારી ફોર્બ્સ દ્વારા આપવામાં આવી છે. તેઓ લોકપ્રિય જહાજ ટાઇટેનિકની રેપ્લિકા બનાવી રહ્યા છે. જે રૂટ પર ટાઇટેનિકનો અકસ્માત થયો હતો અને તે ડૂબી હતી એ રૂટ પર તેઓ આ જહાજને ફરી ઉતારવા માગે છે.

ચીનના વિરોધી

ક્લાઇવ ચીનના વિરોધી છે. તેઓ માને છે કે ચીન સાથેના વેપારમાં ઓસ્ટ્રેલિયાને નુકસાન થઈ રહ્યું છે. તેઓ સરકાર સાથે સંકળાયેલી ચીની કંપનીઓ સામે પણ કાનૂની લડત ચલાવી રહ્યા છે.

પડયા પણ ટંગડી ઊંચી

ઘોર પરાજય મળ્યા બાદ પણ ક્વાઇવ પામરે એવો દાવો કર્યો હતો કે ક્વીન્સલેન્ડમાં અમારી પાર્ટીને ચાર ટકા મત મળ્યા હતા અને એના કારણે લેબર પાર્ટીનો પરાજય થયો છે અને રૂઢિચૂસ્ત પાર્ટીના સ્કોટ મોરીસન ફરીથી વિજયી બન્યા છે. લેબર પાર્ટીએ એક ટ્રીલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના ટેક્સ લાધ્યા હતા અને તેથી એ સત્તામાં આવે નહીં એવો અમારી પાર્ટીનો ગોલ હતો જે સફળ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઓસ્ટ્રેલિયાના ટ્રમ્પે ખર્ચી નાખ્યા 289 કરોડ રૂપિયા, છતાં એકેય બેઠક ન મળી!!! appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/australia-tram-spent-rs-289-crores-but-no-meeting-was-found/
via Best Gujarati News

0 Comments