લોહચુંબકનું આકર્ષણ પાણીની અંદર ચાલે ખરું?
ચાલો જાતે કરીને જોઈએ…! :- માલિની મૌર્ય
લોહચુંબકની વાત આવે તો મોટાભાગના લોકો સ્કૂલ કોલેજમાં પ્રયોગમાં વાપરવામાં આવતા લોહચુંબકને યાદ કરે. ઘણા બાળકો સ્ટેશનરીની દુકાને મળતા લોહચુંબક લઈ આવીને એના વડે કલાકો સુધી જે જાતજાતની રમતો કરી હતી એને યાદ કરે. તમને યાદ જ હશે કે નોટબુકમાંથી ફાડેલા કાગળ ઉપર લોખંડની ખીલી મૂકીને કાગળની નીચે લોહચુંબક આમ-તેમ કરીને ખીલીને ચલાવતા હતા. જેને લોહચુંબકની ખબર ન હોય એ દોસ્તો તો નવાઈ પામતા હતા કે ખીલી આપણા કહ્યા પ્રમાણે ડાબે-જમણે શી રીતે ખસતી હશે.
બે લોહચુંબક હોય તો તમે નોટબુકના કાગળ ઉપર એક લોહચુંબક મૂકીને એને કૂદકા પણ લગાવી શકો. લોહચુંબક નોટબુકના કાગળ ઉપર મૂકો અને પછી કાગળની નીચે બીજો લોહચુંબક ગોઠવો તો સરખા ધ્રુવ ભેગા થતાં જ એમની વચ્ચે અપાકર્ષણ થાય છે. અને નીચેના લોહચુંબકના ધક્કાથી ઉપરનો લોહચુંબક એનાથી દૂર જવા હવામાં કૂદકો મારતો હોય એમ ઉછળે છે. લોહચુંબકના આકર્ષણ અને અપાકર્ષણના આ ગુણના કારણે એ અનેક કામોમાં વપરાય છે. પરંતુ સવાલ એ. છે કે લોહચુંબકના આ બધા ગુણ આ બધી ખાસિયતો પાણીમાં પણ કામ કરે છે ખરાં? ચાલો એનો જવાબ આપણે જાતે કરીને તપાસી લઈએ.
એ માટે શું શું જોઈશે?
થોડીક યુ-પિન, એક લોહચુંબક, કાચનો જગ અને પાણી
પ્રયોગ માટે શું કરવું?
કાચના જગમાં યુ-પિન મૂકો અને પછી લોહચુંબક જગની બહારની કાચની સપાટી પર પિન પાસે લાવો. શું થાય છે એ તપાસો અને નોંધી લો.
લોહચુંબકને કાચના જગની બહારની સપાટી ઉપર ડાબે-જમણે કે ઉપર-નીચે સરકાવો અને જુઓ કે શું થાય છે. એ નોંધી લો.
હવે તમે લોહચુંબક કાચના જગથી દુર લઈ જાઓ. એમ કરવાથી શું થાય છે એ તપાસો અને નોંધી લો.
હવે કાચના જગમાં પાણી ભરો. પછી લોહચુંબક કાચના જગની દિવાલ પાસે જ્યાં યુ-પિન પડી હોય ત્યાં લાવો. એમ કરવાથી શું થયું એ તપાસો અને નોંધી લો.
લોહચુંબક કાચના જગ પર ઉપર કે ડાબે જમણે લઈ જાઓ. એમ કરવાથી શું થાય છે એ તપાસો અને નોંધી પણ લો.
લોહચુંબકને કાચના જગની બહારની સપાટી ઉપર ખસેડતાં ખસેડતાં જગની ઉપરની કિનારીએ લાવી દો. અને કિનારીએથી ઉપર સરકાવી લો. એમ કરવાથી શું થાય છે એ તપાસો અને નોંધી લો.
પ્રયોગની દરેક હિલચાલથી શું થશે?
જ્યારે તમે કાચના ખાલી જગમાં યુ-પિન મૂકીને લોહચુંબક એની નજીક લાવો છો ત્યારે લોહચુંબકના આકર્ષણના કારણે યુ-પિન લોહચુંબક નજીક ખેંચાઈ આવે છે. લોહચુંબકના છેડા સાથે કાચની દિવાલની આરપાર રહેવા છતાં ચોંટી જાય છે.
જ્યારે તમે લોહચુંબકને કાચના જગની બહારની સપાટી ઉપર ડાબે-જમણે કે ઉપર-નીચે સરકાવો છો ત્યારે જગની અંદર રહેલી યુ-પિન લોહચુંબક સાથે ચોંટી ગઈ હોય એમ લોહચુંબકની સાથે સાથે ડાબે-જમણે અને ઉપર-નીચે થતી રહેશે.
જ્યારે તમે લોહચુંબકને કાચના જગની બહારની સપાટીથી દુર લઈ જાઓ છો ત્યારે અંદર એને ચોંટેલી યુ-પિન નીચે પડી જાય છે.
જગમાં પાણી ભર્યા પછી જ્યારે તમે કાચના જગની દિવાલની બહારની સપાટી નજીક લોહચુંબક લાવો છો ત્યારે પાણીમાં હોવા છતાં યુ-પિન લોહચુંબક પાસે ખેંચાઈ આવે છે અને તેના છેડા સાથે કાચની અંદર રહીને ચોંટી જાય છે.
લોહચુંબકને જ્યારે કાચના જગની દિવાલની બહારની સપાટી ઉપર ડાબે-જમણે કે ઉપર-નીચે ફેરવો છો ત્યારે પાણીમાં હોવા છતાં એ પિન લોહચુંબકના કાચ નજીકના છેડા સાથે ચોંટી રહીને આમથી તેમ સરકતી રહે છે.
લોહચુંબકને તમે ઉપર સરકાવતાં સરકાવતાં કાચના જગની દિવાલની ઉપરની કિનારીએ લઈ આવો છો ત્યારે કાચની દિવાલની અંદર રહેલી યુ-પિન રકતી સરકતી ઉપર આવીને કિનારીએથી બહાર આવી લોહચુંબક સાથે ચોંટી જાય છે.
આવું કેમ થાય છે?
આમ થવાનું કારણ સાવ સરળ છે. લોહચુંબકનું આકર્ષણ એટલે કે ચુંબકીય બળ એટલું શક્તિશાળી હોય છે કે એ હવાની આરપાર થઈ આસપાસની વસ્તુઓને ખેંચી લે છે એ જ રીતે પાણીની આરપાર થઈ આસપાસની વસ્તુઓને પણ ખેંચી લે છે. લોહચુંબકની આ ખુબી જાણ્યા પછી નિષ્ણાતો હવે પાણીની અંદર કામ કરતા કામદારો માટે સાધનો પકડી રાખવા અથવા પડી ન જાય એ રીતે નજીક મૂકી રાખવા માટે લોહચુંબકનો ઉપયોગ કરી રહ્યા છે.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોહચુંબકનું આકર્ષણ પાણીની અંદર ચાલે ખરું? appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/ironclap-attraction-water/
via Best Gujarati News
0 Comments