ઇંગ્લેન્ડ ખાતે રમાનારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલાં અન્ય ટીમોને ચેતવણી આપીને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટની મેગા ઇવેન્ટ માટે અમારી પાસે ઘાતક બ્રહ્માસ્ત્ર છે અને પરિસ્થિતિના આધારે ટીમનું કોમ્બિનેશન નક્કી કરવામાં આવશે. રવિ શાસ્ત્રીના આ સંકેતથી તામિલનાડુના ઓલરાઉન્ડર વિજય શંકરને ચોથા ક્રમે જ બેટિંગમાં ઉતારવામાં આવશે તે નક્કી નથી.

શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારી પાસે ટીમમાં ઘણા વિકલ્પ છે. ટીમની જરૂરિયાત મુજબ રણનીતિ તૈયાર કરવામાં આવશે. ચોથા ક્રમે બેટિંગ કરી શકે તેવા અમારી પાસે ઘણા ખેલાડીઓ છે અને આ ક્રમ માટે મેનેજમેન્ટને કોઇ ચિંતા નથી. અમારી પાસે ૧૫ ખેલાડીઓ છે અને તેઓ કોઇ પણ ક્રમે બેટિંગ કરવા માટે સક્ષમ છે. જો કોઇ ઝડપી બોલર ઇજાગ્રસ્ત થાય તો પણ અમારી પાસે તેના વિકલ્પ તૈયાર જ છે.

ઓલરાઉન્ડર કેદાર જાધવની ઇજા અને સ્પિનર કુલદીપ યાદવના કંગાળ ફોર્મ અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે કોઇ ચિંતા કરતા નથી. અમે જ્યારે ૨૨મીએ ફ્લાઇટ પકડીશું ત્યારે તેમાં કયા ૧૫ ખેલાડીઓ છે તે જોઇશું. કેદારને ફ્રેક્ચર થયું નથી અને તે ફિટ થઇ જશે. અમારી પાસે હજુ ઘણો સમય છે. વર્લ્ડ કપ માટે કોઇ પહેલાંથી રણનીતિ તૈયાર કરવામાં આવતી નથી અને તૈયારી માટે ચાર વર્ષનો સમય રહેતો હોય છે. આવી મોટી ટૂર્નામેન્ટમાં જરૂરિયાત મુજબ ગેમપ્લાન તૈયાર થતો હોય છે.

કોહલીના સંદર્ભમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આઇપીએલમાં કરેલા પ્રદર્શનની સુકાની પર કોઇ અસર પડશે નહીં. સ્થાનિક લીગ તથા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આસમાન જમીનનો ફરક રહેતો હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોહલીએ રમતની પ્રત્યેક ફોર્મેટમાં ઘણો સુધારો કર્યો છે. ૫૦-૫૦ ઓવર્સવાળી મેચોમાં રમત બદલાઇ જતી હોય છે. તે સમયની સાથે અનુભવી તથા વધારે પરિપક્વ બનતો જાય છે.

ધોની-કોહલી એકબીજાનો આદર કરે છે

છેલ્લા વર્લ્ડ કપના સુકાની ધોની તથા કોહલીની હાજરી અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે બંનેની હાજરીના કારણે ડ્રેસિંગરૂમમાં સકારાત્મક અભિગમ રહે છે. બંને ઘણા મોટા ખેલાડીઓ છે અને બંનેની અંદર એકબીજા પ્રત્યે આદર  છે તેમાં કોઇ શંકા નથી. ધોની અને કોહલી બંને ટીમ માટે હંમેશા સારું કરવા માટે તત્પર રહેતા હોય છે. બંનેની રમત પ્રત્યેની નિષ્ઠા તેમને મોટા ખેલાડીઓ બનાવે છે. બંનેના મિજાજ અલગ અલગ છે. કોહલી એગ્રેસિવ છે તો ધોની તેટલો જ ઠંડા મિજાજનો છે. ટીમને બંને ખેલાડીઓની જરૂર છે. બંનેની હાજરીથી ટીમના અન્ય ખેલાડીઓને ઘણું શિખવા મળે છે. બંને ટીમને વર્લ્ડ કપ જીતાડવાના તમામ પ્રયાસ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રવિ શાસ્ત્રીની વિરોધી ટીમોને ચેતવણી, કહ્યું- ‘સંભાળી લેજો અમારી પાસે છે આ ઘાતક બ્રહ્માસ્ત્ર’ appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/world-cup-2019-world-cup-says-ravi-shastri-the-head-coach-of-team/
via Best Gujarati News

0 Comments