દૂધનું દૂધ, પાણીનું પાણી :- રમેશ ઓઝા

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ; બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમ; સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ; સ્વાર્થ અને પરમાર્થ એ બે વૃત્તિ, વ્યક્તિ અને સમષ્ટિ એ બે એકમો, ભક્તિ, જ્ઞાન અને સાધના એ ત્રણ મોક્ષપ્રાપ્તિના માર્ગ… આ બધાં સ્થૂળ જીવનને અને સકળ જગતને જે તે અવસ્થાઓમાં વિભાજીત કરતાં ખાનાં છે કે પછી માણસે કરવો જોઈતો સારાસાર વિવેક છે? વિચારી જોશો તો ખ્યાલ આવશે કે દાર્શનિકો આમાં આપણને વિવેક કરવાનું શીખવે છે. જો આપણે આપણા જીવનને સાર્થક કરવું હોય તો આમાં વિવેક કરવો જરૂરી છે અને ભગવદ્ ગીતામાં મુખ્યત્વે સારાસાર વિવેક કરવાનું કહેવામાં આવ્યું છે.

આધુનિક યુગમાં વિદ્વાનોએ પોતપોતાની રીતે અને વિશેષ કરીને પોતાના વલણ અનુસાર ગીતાનું અર્થઘટન કર્યું છે. લોકમાન્ય તિલકે તેને કર્મયોગ તરીકે ઓળખાવી છે, વિનોબા ભાવેએ તેને ‘સામ્યયોગ’ તરીકે ઓળખાવી છે અને ગાંધીજીએ તેને ‘અનાસક્તિ યોગ’ તરીકે ઓળખાવી છે. બીજા અનેક લોકોએ ગીતા સાથે ભલે કોઈ ઓળખવાચક વિશેષણ નથી જોડયું, પરંતુ ભાષ્ય કરવામાં તેમનું વલણ પ્રગટ થાય છે. ડોલરરાય માંકડ કહેતા કે ગીતાને બુદ્ધિયોગ તરીકે ઓળખાવવી જોઈએ કારણ કે તેમાં બુદ્ધિપૂર્વક વિવેક કરવાનું કહેવામાં આવ્યું છે.

મને એમ લાગે છે કે ગાંધીજીનું ગીતાનું અનાસક્તિપરક વિવરણ ગીતાના આશયથી સૌથી વધુ નજીક છે. આસક્તિ આવી કે વિવેક ચૂક્યા પછી એ આસક્તિ સત્યની કે અહિંસાની પણ કેમ ન હોય? વાછડો રીબાતો હોય તો તેને ઇન્જેક્શન આપી દેહમુક્ત કરવો એ ધર્મ છે અર્થાત્ અહિંસા પરત્વે અનાસક્તિ છે, પરંતુ કોઈ ચુસ્ત અહિંસાવાદી ધર્મગ્રંથ ટાંકીને તેનો વિરોધ કરે તો તે અહિંસા પરત્વેની આસક્તિ છે જે ધર્માસક્તિ કે ગ્રંથાસક્તિનું પરિણામ છે. આવું જ સત્યનું અને બીજા ગુણોનું. આવું જ જ્ઞાન, ભક્તિ અને ધ્યાન કે ઉપાસનાનું. સારાસાર વિવેક મુખ્ય છે અને વિવેક ત્યારે જ શક્ય બને જ્યારે માણસ આસક્તિથી મુક્ત હોય.

ગાંધીજી તો માનતા હતા કે જેને ધર્મક્ષેત્ર તરીકે ઓળખાવ્યું છે એ કુરુક્ષેત્ર એ બહારની સ્થૂળ રણભૂમિ નથી, પરંતુ અંદરની રણભૂમિ છે. આપણી અંદર; સત્ય-અસત્ય વચ્ચે, શ્રેય અને પ્રેય વચ્ચે, ત્યાગ અને મમતા વચ્ચે ચોવીસે કલાક અનંત યુદ્ધ ચાલ્યા જ કરે છે. એનો અંત ત્યારે જ આવે જ્યારે જ્ઞાન થાય અને ડોળા પરના પડળો દૂર થાય. આ જ્ઞાન પણ પાછું ભક્તિ અને સાધનાને નકારનાર કે ઓછું આંકનાર કહેવાતા જ્ઞાનયોગનું જ્ઞાન નહીં, વિવેકપુરઃસર જ્ઞાન. વિવેક સ્વભાવતઃ અવિરોધી હોવાનો. એટલે ગાંધીજી કહેતા કે મહાભારતમાં જે યુદ્ધની વાત છે એ રૂપક છે, બાકી વાત આપણી અંદર ચાલતા આંતર્યુદ્ધની છે.

બાહ્યયુદ્ધ નહીં, પણ આંતર્યુદ્ધ એવું યુદ્ધ વિશેનું ગાંધીજીનું અર્થઘટન તેમની અહિંસા માટેની આસક્તિનું પરિણામ છે એમ તમને લાગતું હોય તો તમે એ અભિપ્રાય થોડી વાર માટે અવશ્ય પકડી રાખજો. આવું કેટલાક રાષ્ટ્રવાદી વિદ્વાનોએ તો કહ્યું પણ છે. તેમને બાહ્ય યુદ્ધનો ખપ છે, જેમાં પ્રજા વીર્યવાન બને, દુશ્મનને ઓળખે, તેની તાકાત પિછાણે અને છેવટે અન્યાયકર્તાને પરાજીત કરે. ભારતની પ્રજા વીર્યવાન બને એ તેમની પહેલી નિસ્બત હતી અને એ જરાય ખોટી નહોતી. ગાંધીજી ભારતમાં આવ્યા અને અહિંસા વિષે આગ્રહ સેવતા ભાષણો આપતા હતા ત્યારે લાલ-બાલ અને પાલની જોશીલી ત્રિપુટીમાંના એક લાલા લજપત રાય તો ‘મોડર્ન રિવ્યૂ’માં લેખ લખીને ગાંધીજી સાથે જાહેરમાં વિવાદમાં ઉતર્યા હતા. તેમણે ગાંધીજીની અહિંસાને વળગણ તરીકે ઓળખાવી હતી અથવા કહો કે અહિંસા માટેની આસક્તિ કહી હતી.

તેમના ધ્યાનમાં એક વાત નહોતી આવી કે ગાંધીજી અહિંસાની સાથે નિર્ભયતાની વાત કરતા હતા અને ધર્મપાલન (કર્તવ્યપાલન)ની પણ વાત કરતા હતા. એટલે જો કોઈ દુષ્ટ માણસ સ્ત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરે તો નિર્ભયી અને ધર્મનિષ્ઠ માણસ પોતાનો ધર્મ બચાવવા નિર્ભયતાથી પ્રતિકાર કરશે અને જરૂર પડયે હિંસા પણ કરી શકશે. જો વાછડો રીબાતો હોય અને તેનો કોઈ ઈલાજ ન હોય તો તેને મારી નાખીને દેહમુક્ત કરવો એ પણ ધર્મ છે.

તો સત્ય અને અહિંસાની વાત કરતી વખતે બીજી ત્રણ ચીજ ગાંધીજી કહેતા હતા જે પ્રજાને વીર્યવાન બનાવવાની ઈચ્છા રાખનારાઓ ભૂલી જાય છે. પહેલી ચીજ, ધર્મ. સકળ વિશ્વના હિતમાં મારે જે કરવાનું હોય એ ધર્મ. સંકલ્પ-વિકલ્પના અંતે એક વાર સંકલ્પ થઈ ગયો એ પછી ફ્રજની બાબતમાં હિમાલય જેટલી અડગતા. બીજી ચીજ, નિર્ભયતા. ફ્રજ-પાલનમાં મૃત્યુને ભેટવું પડે તો એ જીવનની સાર્થકતાનું ઇનામ કહેવાય.

છેક દક્ષિણ આફ્રિકાના દિવસોથી ગાંધીજીએ જેટલો બલિદાની મૃત્યુ (સાધારણ મૃત્યુ નહીં, બલિદાની મૃત્યુ)ને પ્રેમ કર્યો છે એટલો કદાચ ઈતિહાસમાં કોઈએ નહીં કર્યો હોય. હજારો વાર તેમણે બલિદાની મૃત્યુનો મહિમા ગાયો છે. અંતે તેમને મૃત્યુ પણ એવું જ મળ્યું !

અને ત્રીજી ચીજ, નિર્વૈર. જ્યાં વેર હોય ત્યાં કરુણા ન હોય અને જ્યાં કરુણા ન હોય ત્યાં વ્યવહાર-વિવેક ન હોય. મારે તારી સામે લડવું પડશે; એટલા માટે નહીં કે મારી તારી સાથે કોઈ દુશ્મની છે પણ એટલા માટે કે તું સમજાવ્યો સમજતો નથી અને મારે મારો ધર્મ (કર્તવ્ય-પાલન) બચાવવાનો છે,

શુદ્ધ કરુણાભાવથી અને નિર્ભયતાથી. ગાંધીજી આ ત્રણ વાત પણ સત્ય અને અહિંસાની વાત કરતી વખતે સાથે સાથે કહેતા હતા, પરંતુ તેના તરફ લોકોનું ધ્યાન બહુ ઓછું ગયું છે. લાલા લજપત રાયનું ધ્યાન નહોતું ગયું. સેંકડો વરસથી નમાલી બની ગયેલી ભારતની પ્રજાને વીર્યવાન બનાવવાની છે એટલે થોડી દુશ્મની, થોડો ધિક્કાર, થોડુંક ચડિયાતાપણું, થોડાંક સત્ય સાથેના સમાધાન અને અનિવાર્ય હોય એટલી ખપ પૂરતી હિંસા જરૂરી છે. પ્રજાને વીર્યવાન બનાવવી એ રાષ્ટ્રધર્મ છે એવું લાલા લજપત રાયને લાગતું હતું.

આમ ગાંધીજીની અહિંસા એ અહિંસા માટેની આસક્તિ નહોતી અને ગીતામાં કૃષ્ણ અર્જુનને લડવા માટે પ્રેરે છે એ કૃષ્ણની હિંસા માટેની આસક્તિ નહોતી. હકીકતમાં બન્ને અવિરોધી છે. ગીતાને આંતર્યુદ્ધના રૂપક તરીકે ન લો અને જમીન માટેના કે અન્યાય સામેના પ્રત્યક્ષ યુદ્ધ તરીકે લો તો પણ તે અવિરોધી છે. ભગવાન અર્જુનને વિવેક કરવાની સલાહ આપે છે. પછી યુદ્ધ તો વિવેકનું પરિણામ છે; એ ચાહે આંતરિક હોય કે બાહ્ય.

જતાં જતાં એક કોયડો અહીં ઉપસ્થિત કરવાની રજા લઉ છું. કદાચ વિદ્વાનો આના પર પ્રકાશ પાડી શકે. ભગવદ્ ગીતાનો સમાવેશ પ્રસ્થાનત્રયીમાં થાય છે અને છતાં ગીતા લખાયા પછી સેંકડો વરસ સુધી કેમ તેના વિષે વાત નથી થઈ? મારી જાણ મુજબ ઈ. સ.ની આઠમી સદીમાં શંકરાચાર્યે લખેલું ભાષ્ય એ ગીતા પરની પહેલી ઉપલબ્ધ ટીકા છે. એની પહેલાં બ્રાહ્મણ કે શ્રમણ કોઈ પરંપરામાં ગીતા વિષે બહુ વાત થઈ હોય એવું જોવા મળતું નથી. આ વચ્ચેના સમયમાં કેમ ગીતા વિષે ખાસ વાત થઈ નથી? મધ્યકાલીન સંતોએ પણ ગીતા વિષે ખૂબ લખ્યું છે એવું નથી, તેમની ભક્તિરચનાઓમાં ગીતા જુદા જુદા સ્વરૂપે આવ્યા કરે છે એટલું જ. મરાઠી ભાષામાં લખાયેલી જ્ઞાનેશ્વરી અને એવા બીજા ગણ્યાગાંઠયા ગ્રંથો આમાં અપવાદ છે. વળી જ્ઞાનેશ્વરી એ ગીતાનો મરાઠી અનુવાદ છે, ભાષ્ય નથી. તો શું ગીતાનો ખપ આધુનિક યુગમાં વધારે વર્તાવા લાગ્યો એવું છે? કદાચ એવું જ છે. આપ-ઓળખનો બોધ થવા લાગ્યો એ પછી વીર્યશોધનની જરૂરિયાત પડવા લાગી અને એમાં ગીતાનો ખપ ધ્યાનમાં આવ્યો હશે. જો કે વચ્ચેના સમયમાં ગીતા વિષે બહુ ઓછી વાત કેમ થઈ એ સવાલ તો ઊભો જ છે. ગીતાને જીવનશોધનના ભાગરૂપે પણ તપાસવી જોઈતી હતી, પણ એવું ઓછું બન્યું છે.

છેલ્લે એક રમુજી કિસ્સો ટાંકું છું. આપણા કવિ બળવંતરાય ઠાકોર ગાંધીજીના સહપાઠી હતા અને ગાંધીજીની બૌદ્ધિકક્ષમતા વિષે બહુ નબળો અભિપ્રાય ધરાવતા હતા. ઠાકોરસાહેબનો દોહિત્ર લંડનમાં ભણતો હતો. તેણે એક વાર લંડનથી ઠાકોરસાહેબને પત્ર લખ્યો કે તે આજકાલ ગાંધીજીનું ગીતા પરનું ભાષ્ય ‘અનાસક્તિ યોગ’ વાંચે છે. બળવંતરાય ઠાકોરે તેને તેની નબળી રૂચી વિષે ઠપકો આપતાં લખ્યું કે તને અરવિંદ-તિલક કોઈ જડયા નહીં તે મોહનભાઈનું પુસ્તક વાંચે છે? એ હાથવણાટની ખાદીના પગલૂછણિયાં જેવું હશે. તું તારો સમય બગાડી રહ્યો છે એ જોઈને મને તારા પર ગુસ્સો આવે છે.

આને કહેવાય બૌદ્ધિક તર્ક માટેની આસક્તિ! કાનજી સ્વામીની શૈલીમાં કહી શકાય કે, ‘વિવેકનો મારગ અઘરો ભાઈ!’

ozaramesh@gmail.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ‘વિવેકનો મારગ અઘરો ભાઈ!’ appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/vivekon-raag-tough-brother/
via Best Gujarati News

0 Comments