। મુંબઈ ।

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ પહેલાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવા વિકેટકીપર રિષભ પંતના સ્થાને દિનેશ કાર્તિકને શા માટે ટીમમાં સ્થાન અપાયું છે તે અંગે કોહલીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કાર્તિક કટોકટીની પળોમાં પોતાના અનુભવના આધારે ટીમને વિજય અપાવી શકવાની ક્ષમતા ધરાવે છે. આ કારણથી રિષભ પંતને બીજા વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે બીસીસીઆઈના પસંદગીકારોના અનુસાર ઇંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ૩૦મી મેથી રમાનારા વર્લ્ડ કપમાં સિનિયર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની પ્રથમ પસંદગીનો વિકેટકીપર બેટ્સમેન છે. ત્યારબાદ રિઝર્વ વિકેટકીપર તરીકે ૩૩ વર્ષીય કાર્તિકને તક આપવામાં આવી છે.

બીસીસીઆઈની પસંદગી સમિતિએ વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી દીધી છે પરંતુ રિષભ પંતે આઈપીએલમાં પોતાની બેટિંગથી તમામને પ્રભાવિત કર્યા છે પરંતુ તેની વિકેટકીપિંગ સ્કિલ ઇન્ટરનેશનલ સ્તરની નથી અને તેને દબાણમાં વિકેટ ફેંકી દેવાની આદત છે. જોકે આઈસીસીની ગાઇડલાઇન પ્રમાણે કોઈ પણ ટીમ ૨૩મી મે સુધીમાં પોતાના ખેલાડીઓમાં ફેરફાર કરી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના તથા વિદેશના દિગ્ગજ ક્રિકેટરોએ પંતની વકીલાત કરીને નિવેદનો આપ્યા છે કે કાર્તિક કરતાં પંત વધારે સારો વિકેટકીપર છે. જોકે કોહલી આ બાબતથી સહેજ પણ સહમત નથી. કોહલીએ જણાવ્યું હતું કે કાર્તિક પાસે અનુભવ છે. આપણે ઇચ્છીએ નહીં કે ધોનીને ક્રિકેટની મેગા ઇવેન્ટ દરમિયાન કશું થાય. તેમ છતાં જો આવું કશું થાય તો વિકેટકીપર તરીકે કાર્તિક બેસ્ટ છે. એક મેચફિનિશર તરીકે પણ કાર્તિકે પોતાને સ્થાપિત કરી દીધો છે.

૨૦૦૪માં ધોની અને કોહલી કરતાં પણ પહેલાં વન-ડે ડેબ્યૂ કરનાર કાર્તિક અત્યાર સુધીમાં માત્ર ૯૧ વન-ડે મેચ રમ્યો છે. બીજી તરફ ગયા વર્ષે ઓક્ટોબરમાં વન-ડે ડેબ્યૂ કરનાર પંત માત્ર પાંચ જ વન-ડે રમ્યો છે.

ધોનીની હાજરીથી જ ભારતીય ટીમ વધારે શક્તિશાળી બની જાય છે

કોહલીએ જણાવ્યું હતું કે સિનિયર ખેલાડી ધોનીની હાજરીથી ભારતીય ટીમ અનુભવના મામલે અન્ય ટીમો કરતાં વધારે શક્તિશાળી બની જાય છે. ધોની હંમેશાં ટીમના હિતનું વિચારે છે. તેની પાસે જે અનુભવ છે તે વિશ્વની અન્ય ટીમોના ખેલાડીઓ પાસે નથી. તે અત્યંત સ્માર્ટ ખેલાડી છે અને સ્ટમ્પ પાછળ તે અનમોલ છે. તેની હાજરીના કારણે મને ઘણી બાબતોનો અમલ કરવાની સ્વતંત્રતા મળે છે. ધોની જેવો ખેલાડી જો ટીમમાં હોય તો તેના અનુભવના આધારે ટીમને ચાર ચાંદ લાગી જાય છે. ધોની અને રોહિત શર્મા બંને શાનદાર ક્રિકેટર છે અને તેઓ પોતાની જવાબાદારી ખૂબીથી નિભાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રિષભ પંત કરતાં કાર્તિક વધારે સારો મેચ ફિનિશર છે : કોહલીનો ખુલાસો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rishabh-patant-than-kartik-wax/
via Best Gujarati News

0 Comments