૨૦૧૮-૧૯માં ૩ લાખ કરોડનું રોકાણ આવ્યું, ટેલિકોમ્યુ., ફાર્મા, પાવર ક્ષેત્રોમાં રોકાણ ઘટયું
નવી દિલ્હી :
દેશમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં વિદેશી રોકાણ (એફડીઆઈ)માં સૌપ્રથમવાર ઘટાડો જોવાયો છે. ટેલિકોમ્યુનિકેશન્સ, ફાર્મા અને અન્ય ક્ષેત્રોમાં વિદેશી રોકાણમાં ઘટાડાથી એફડીઆઈ એક ટકો ઘટીને ૪,૪૩૭ કરોડ ડોલર સુધી મર્યાદિત રહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડના તાજેતરના આંકડાઓમાં આ માહિતી મળી છે. તદનુસાર ૨૦૧૭-૧૮માં FDI દ્વારા ૪,૪૮૫ કરોડ ડોલરનું રોકાણ આવ્યું હતું. જોકે, ૨૦૧૨-૧૩ના વર્ષમાં FDIમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને એ સમયે FDI ૩૬ ટકા ઘટી ૨,૨૪૨ કરોડ ડોલર પૂરતું મર્યાદિત રહ્યું હતું. જોકે, ૨૦૧૧-૧૨ના વર્ષમાં આ રકમ ૩,૫૧૨ કરોડ ડોલર હતી. ૨૦૧૨-૧૩ના નાણાકીય વર્ષ બાદ FDIમાં સતત વૃદ્ધિ જોવા મળી હતી અને ૨૦૧૭-૧૮ના વર્ષમાં આ રોકાણ વિક્રમી સ્તરે પહોંચ્યું હતું. ટેલિકોમ્યુનિકેશન્સ, ફાર્મા અને પાવર ક્ષેત્રોમાં FDIનું રોકાણ ગયા વર્ષની સરખામણીમાં ખાસ્સું ઘટયું છે. ટેલિકોમ્યુનિકેશન્સ ક્ષેત્રે ૨૦૧૮-૧૯ના વર્ષમાં રોકાણ માત્ર ૨૬૭ કરોડ ડોલર હતું જે ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૬૨૧ કરોડ ડોલર હતું. ફાર્મા ક્ષેત્રમાં ૨૦૧૮-૧૯ના વર્ષમાં રોકાણ માત્ર ૨૬.૬ કરોડ ડોલર હતું જે અગાઉના સમાન વાર્ષિક ગાળામાં ૧૦૦ કરોડ ડોલર હતું. પાવર સેક્ટરમાં વિદેશી રોકાણ ૨૦૧૭-૧૮ના વર્ષમાં ૧૬૨ કરોડ ડોલર હતું તે ૨૦૧૮-૧૯ના વર્ષમાં ઘટીને ૧૧૦ કરોડ ડોલર પૂરતું મર્યાદિત રહ્યું હતું. જોકે, જે મહત્ત્વના ક્ષેત્રોમાં વિદેશી રોકાણમાં વૃદ્ધિ જોવા મળી તેમાં ર્સિવસિસ ક્ષેત્ર (૬.૪૧ અબજ ડોલર). ટ્રેડિંગ (૪.૪૬ અબજ ડોલર), કોમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર (૬.૪૧ અબજ ડોલર) અને વાહન ક્ષેત્ર (૨.૬૨ અબજ ડોલર)નો સમાવેશ થાય છે. ૨૦૧૮-૧૯ના વર્ષમાં રોકાણ કરનારા દેશોમાં સિંગાપુરે મોરિશિયસને પાછળ ધકેલી દીધું હતું. FDIમાં સિંગાપુરનો હિસ્સો ૧૬.૨૨ અબજ ડોલર રહ્યો હતો જ્યારે મોરિશિયસનું રોકાણ માત્ર આઠ અબજ ડોલર હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ૨૦૧૮-૧૯માં ૩ લાખ કરોડનું રોકાણ આવ્યું, ટેલિકોમ્યુ., ફાર્મા, પાવર ક્ષેત્રોમાં રોકાણ ઘટયું appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/in-2018-19-3-lakh-crore-2/
via Best Gujarati News
0 Comments