બાળલગ્ન અટકાવતો કાયદો કેટલો સફળ?
લો ફોર લેડિઝ :- ડો. અમી યાજ્ઞિાક
૨૧મી સદી એકબાજુ આપણે પ્રગતિ અને વિકાસની વાતો કરીએ છીએ તો બીજી બાજુ બાળલગ્ન જેવા સામાજિક દૂષણ અટકાવી નથી શક્યા. ટેલીવિઝનમાં અને છાપાંઓમાં અનેક વખત આપણે બાળલગ્ન વિશે જોઈએ છીએ અને વાંચીએ છીએ. બાળલગ્ન અટકાવવા માટે ૨૦૦૬માં જ બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ આવ્યો છે અને તે ભારતભરમાં ૧૦.૦૧.૨૦૦૭થી અમલી બનેલ છે. આ કાયદાનો હેતુ બાળલગ્ન અટકાવવા બાબતનો અને તેને આનુષાંગિક અને સંલગ્ન બાબત અંગે જોગવાઈ કરવા માટેનો છે. આ કાયદો ભારતનાં બધા નાગરિકો અને ભારતની બહારના નાગરિકોને લાગુ પડે છે.
થોડી અગત્યની વાત આ કાયદાના સંદર્ભમાં ખૂબ જ જાણવા જેવી છે. આ કાયદા અન્વયે ‘બાળક’ એટલે કે વ્યક્તિ જે પુરુષ હોય તો તેણે ૨૧ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય અને જો સ્ત્રી હોય તો ૧૮ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય તેવી વ્યક્તિ. ‘બાળલગ્ન’ એટલે લગ્ન કે જે માટે બંને પક્ષકારોમાંથી કોઈપણ વ્યક્તિ બાળક હોય. કાયદો ઘડાયાને ચાર વર્ષ થઈ ગયાં પણ આ કાયદાના આવવાથી બાળલગ્ન અટક્યાં નથી. મોટા ભાગનાં લોકોને આ કાયદા અંગે ખબર નથી કે બાળલગ્ન એ શિક્ષાપાત્ર ગુનો છે.
સામાન્ય રીતે બાળલગ્ન અંગે અને આવા લગ્નનાં પક્ષકારો વિશે કુટુંબના સભ્યોને જ માહિતી હોય છે. એટલે બાળલગ્ન થઈ ગયા કે થઈ જાય ત્યાં સુધી આ વિશે કોઈને ખબર જાણ થતી નથી. પણ તાજેતરમાં એક કેસમાં ઘરનાં વડીલને ઘરની નાની વયની દીકરીનાં લગ્ન કરવાં આવી રહ્યા છે તેની જાણ થઈ ત્યારે તેમણે વિરોધ નોંધાવી લગ્ન અટકાવવાનો પ્રયત્ન કરેલ પરંતુ કાયદાથી અજાણ તેઓ શું કરી ના શક્યા, પરંતુ પોલીસનું આ બાબતે તેમણે ધ્યાન દોર્યું હતું અને કેસ કરેલ. નવા કાયદા નીચે બાળલગ્ન રદ બાતલ થવા પાત્ર છે તેને માટે લગ્નના પક્ષકાર દ્વારા નિરર્થકતાના હુકમનામા માટે જિલ્લા અદાલતમાં પીટીશન કરી શકાય. હવે વિચારીએ કે લગ્ન કરનાર પક્ષકાર સગીર હોય તો તે શું કરી શકે? આવી વ્યક્તિની પીટીશન બાળલગ્ન પ્રતિબંધ અધિકારી અથવા વાલી અથવા ઈષ્ટમિત્ર મારફતે દાખલ કરી શકાય. આ કલમમાં એવું પણ જણાવેલ છે કે આવી પીટીશન કોઈપણ સમયે દાખલ કરી શકાશે. જિલ્લા અદાલત જ્યારે આ પીટીશન સાંભળે અને નિરર્થકતાનું હુકમનામું મંજૂર કરે ત્યારે અદાલત લગ્નના બંને પક્ષકારો, તેમના માતાપિતા, તેમના વાલીઓને લગ્ન સમયે મળેલ કિંમતી વસ્તુઓ અને ઘરણાં અને ભેટો પરત આપવા આદેશ કરી શકે છે.
આ કાયદામાં બાળલગ્નમાં કરારમાં જે સ્ત્રી બાળક હોય તેના ભરણપોષણની પણ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે તેના રહેણાંક માટેની પણ જોગવાઈઓ છે. આ કાયદામાં બાળલગ્ન કરાવનાર માટે પણ શિક્ષાની જોગવાઈ છે. એટલે કે જે કોઈપણ બાળલગ્ન કરાવશે, સંચાલન કરશે, આદેશ આપશે, કે મદદગારી કરશે તેને બે વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકશે.
આ કાયદા નીચે સરકારે બાળલગ્ન પ્રતિબંધ અધિકારીઓ નિમવા પડે. આ અધિકારીની ફરજમાં મુખ્યત્વે બાળલગ્ન અટકાવવા, આ કાયદાની જોગવાઈઓનો ભંગ કરતી વ્યક્તિઓ પર અસરકાર ફરિયાદ માટે પુરાવો એકત્રિત કરવાનું, આ કાયદા વિશે જાગૃતતા ઊભી કરવાનો સમાવેશ થાય છે.
સૌથી અગત્યનો મુદે જો બાળલગ્નમાં ઉદ્ભવતો હોય તો તે છે બાળલગ્નનાં બાળકોનો. જયારે બાળલગ્નનાં પક્ષકારો અદાલતમાં જાય ત્યારે અદાલત સમક્ષ આવા લગ્નથી થયેલ બાળકની કાયદેસરતા અને તેના ભરણપોષણ અને કબજાની વાત નક્કી કરવાની આવે છે. આમ આપણે જોઈએ તો દેખીતી રીતે સામાન્ય સહજતાથી અપનાવેલ રીતીરિવાજ કે સમાજનાં દૂષણ છે અને કાયદા પ્રમાણે ગુનો છે તેની મૂંઝવણ ખૂબ જટીલ છે અને તેનું સારો ઉકેલ લાવવો મુશ્કેલ છે. આ કાયદા અંગે જાગૃતતા લાવવી બહુ જરૂરી છે. કારણકે બાળલગ્ન છેલ્લા અનેક દાયકાઓથી બાળલગ્ન વિરોધી ઝૂંબેશ ચાલી રહી છે, છતાં પરિણામ જોઈએ તેવું મળ્યું નથી. આઝાદી પહેલાં રાજા રામમોહનરાયે બાળલગ્ન જેવા દૂષણ સામે એક ઝુંબેશ ચાલુ કરી હતી અને તેને પરિણામે આ મુદે ખૂબ આજે પણ ચર્ચામાં છે પણ બાળલગ્ન આપણે સદંતર અટકાવી શકેલ નથી. એક પ્રગતિશીલ સમાજ તરીકે આપણે આપણા બાળકોને બાળકો સમજી એમને જે શિક્ષા અને કેળવણી આપવી જોઈએ તેને બદલે આવા દૂષણોમાં બાંધી દઈએ છે તે આપણા માટે કેટલું યોગ્ય છે?
naari@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બાળલગ્ન અટકાવતો કાયદો કેટલો સફળ? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/child-marriage-prevention-law-that/
via Best Gujarati News
0 Comments