રિયા શા માટે ટયુશનના ક્લાસમાં જવાનું ટાળતી હતી?
પેરન્ટિંગ :- ડો. સ્વાતિ નાયક
“રિયા, આ તે કેવી જીદ? રોજ રોજ કેમ તારે ટયુશન નથી જવું? ને આ વખતે તો સ્કૂલમાં પણ રજા પડી છે. અઠવાડિયામાં ત્રણ દિવસ તો તારે ટયુશન જવું જ ન હોય. દસમું ધોરણ છે. મહેનત તો કરવી પડશે.”
માયાએ સવારમાં નાસ્તો આપતાં રિયાને કહ્યું. રિયા આમ તો ખૂબ જ હોંશિયાર. જેટલી દેખાવડી એટલી જ ડાહી. બિલકુલ વિનમ્ર. કોઈને તકલીફ આપવી એને ન ગમે. સ્કૂલમાં ય બધાની લાડકી. પ્રાર્થના ગાવાથી લઈને સ્પર્ધાઓ જીતવા સુધીનાં બધાં જ કામ બિલકુલ આસાનીથી કરી લે. ભણવામાં ય અગ્રેસર.
પણ છેલ્લા કેટલાક દિવસથી એ સ્કૂલ ટયુશન જવાનું ટાળવાનો પ્રયત્ન કરવા લાગી હતી. છેલ્લા લગભગ બે મહિનાથી ટયુશન જવામાં પણ આળસ કરતી હતી. ક્યારેક મન ન હોય, ક્યારેક તબિયત સારી ન હોય તો ન જાય. પણ એ રજાઓ વધવા લાગી ત્યારે માયાને ચિંતા થઈ અને એણે પૂછયું કે એ કેમ આમ કરે છે?
રિયાએ કહ્યું “નથી જવું આજે , ઘરે જ વાંચી લઈશ.”
“પણ કેટલા દિવસ ઘરે વાંચીશ? આમ તો તારું પરિણામ બગડશે.
“નહીં બગડે મમ્મા, ચિંતા ન કર,”રિયા બોલી
“કાલે સમર સર કહેતા હતા, રિયાને એક્સ્ટ્રા મોકલો. એના પર્સન્ટ સારા આવશે.” માયાએ કહ્યું.
રિયાના મોં પર અણગમો ચિતરાયો. “મમ્મી,મારે ટયુશન જ નથી જવું. હું જાતે કરી લઈશ.”
“સારું, વિચારીશું પપ્પા સાથે. આજે તો જા, સમર સરનો ફેન આવી ગયો.” તે દિવસે તો રિયા ગઈ. પણ એનું વર્તન વધુ ચીડિયું થતું ગયું. એક દિવસ રિયાને આવતા મોડું થયું તો માયાએ એની ફ્રેન્ડ મીનુને ત્યાં ફેન કર્યો. ફેન મીનુંએ જ લીધો. માયાએ પૂછયું: “તું આજે ટયુશન ન ગઈ?” એણે કહ્યું, “ગઈ હતી. આવી ગઈ ક્યારની. રિયાને તો સમર સર રોકી લેતા હોય છે પ્રોબ્લેમ સોલ્વ કરવા.” માયાને એના જવાબ અને રિયાના બદલાયેલા વર્તનમાં કોઈ કનેકશન લાગ્યું. એણે નીરજને કહ્યું, મને કઇંક ખોટું લગે છે. ચાલો આજે આપણે જ રિયાને લેવા જઈએ. સરને મળી પણ લઈશું.”
કલાસનું બારણું પણ બંધ હતું. માયાએ હળવેથી બારણું ખોલ્યું. સમરસર રિયાનો હાથ પકડી નજીક ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. “જો આજે તો માની જ જવું પડશે, નહિ તો પરિણામ સારું નહિ આવે. સ્કૂલમાં પણ ફેલ કરીશ, ટયુશનનો સમય વધારી દઈશ સમજી?”
માયા પળવારમાં સ્થિતિ પામી ગઈ. ઝપાટાભેર બન્ને અંદર ગયાં. નીરજે સમરનો કોલર પકડી એક બે લગાવી દીધી. અને માયા રિયાને લઈને ઘરે જતી રહી .
નીરજે કહ્યું, કાલે જ પોલિસ ફ્રિયાદ કરું છું. વકીલ ને મળી લઈએ. પ્રિન્સીપાલ ને પણ મળવું પડશે.
માયા બોલી,”દીકરી ગુમસુમ થઈ ગઈ છે. બદનામ થઈ જઈશું તો વાત વધુ બગડશે.
“પણ ફ્રિયાદ નહિ કરીએ તો પેલો વધુ હિંમત કરશે. રિયા તો બચી ગઈ. બીજી કોઈ ન ય બચે.”
માયાએ કહ્યું, “હમ્મ… જુઓને હું જ રિયાને ટયુશન પરાણે મોકલતી રહી. એ બિચારી શરમમાં બોલી નહિ…”
“એટલે જ કહું છું. ફ્રિયાદ કરીએ.”
“પણ રીયાને કેવું લાગશે? આપણે શું કરવું જોઇએ, સમજાતું નથી… “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રિયા શા માટે ટયુશનના ક્લાસમાં જવાનું ટાળતી હતી? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/rhea-kai-tuition-klan/
via Best Gujarati News
0 Comments