ચાંદનીમાં જુહીએ રોલ તો સ્વીકાર્યો, પણ તેનો રોલ તેના નામ જેટલો જ નાનો હતો
ગોલ્ડન એરા : મૈત્રી દવે
અનિલ કપૂરને જ્યારે ફિલ્મ ચાંદનીમાં રોહીતનો રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે તેને લીડ હીરો આખી ફિલ્મમાં વ્હીલચેર પર બેસી રહે તે વાત ખૂંચતી હતી. તેણે યશ ચોપરાને જણાવ્યું કે શું તમે આમાં થોડો ફેરફાર કરી શકો છો? યશ આ વાતે માને તેમ નહોતો, તેણે સ્પષ્ટ શબ્દોમાં ના કહી. પછી યશને મનમાં અવઢવ ચાલવા લાગી. હવે આ રોલ કોને આપવો? કેમ કે યશ જાણતો હતો કે હીરોને વ્હીલચેર પર બેઠેલો બતાવવાનો છે, અને અનિલની માફક જ બીજા હીરો પણ આ રોલમાં આ વાંધો અચુક ઉઠાવશે જ. તો કરવું શું? બસ તે જ સમયે યશને યાદ આવ્યું કે ફિલ્મની વાર્તા લખાઇ ત્યારે તેણે રીશી કપૂરને આ વાર્તા વિશે જણાવ્યુ હતું. રીશીએ તે સમયે જ હોલીવૂડ ફિલ્મ Whose Life Is It Anyway જોઇ હતી. આ ફિલ્મ ઉપરથી પ્રેરણા લઇને રીશીએ યશ ચોપરાને જણાવ્યું હતું કે આ હીરોને તમે જે રોગ બતાવવાના છો તેના કરતાં પેરેલાઇઝ્ડ બતાવો. આ ફેક્ટર ફિલ્મના હીરોને જોઇતી હમદર્દી અપાવી શકશે. યશને આ સુચન ગમ્યુ હતું.
બસ યશને આ વિચાર આવતાં તેણે તરત રીશીને મળવા જવાનું નક્કી કર્યુ. તે સીધો જ રીશી કપૂરના બંગલે પહોંચી ગયો અને તેને કહ્યું કે હીરોને પેરેલાઇઝ્ડ બતાવવો છે, તો બોલ તું બનીશ ચાંદનીનો રોહીત? રીશી કપૂરે તરત હા પાડી અને રોહીતનું કેરેક્ટર નક્કી થઇ ગયું. ફિલ્મમાં જુહી ચાવલાએ નાનો એવો કેમીઓ કર્યો છે. આ રોલ માટે સૌ પહેલાં યશ ચોપરાએ માધુરીનો અપ્રોચ કર્યો હતો. માધુરી તે સમયે ટોચ પર હતી. અને તેણે ઘણી સારી ફિલ્મો કરી લીધી હતી. આટલી સારી ફિલ્મ કર્યા બાદ આવો નાનો રોલ કરવા તે રાજી નહોતી તેથી તેણે દેવીકાનો રોલ કરવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. માધુરી સિવાય તે રોલ મિનાક્ષી શેશાદ્રી, શાહીન અને માધવીને પણ ઓફર કરવામાં આવ્યો હતો. આ ચારેયને એક જ વાંધો હતો કે ફિલ્મ શ્રીદેવીની હતી અને તેની ફિલ્મમાં આટલો નાનો રોલ કરવાથી તે પોતે ઢંકાઇ જશે, કે દબાઇ જશે આ ડરના કારણે કોઇએ જુહીવાળો રોલ સ્વીકાર નહોતો કર્યો. આટલા રીજેક્શન બાદ ફિલ્મ સીધી જુહી પાસે આવી. જુહી તે સમયે સ્ટ્રગલર એક્ટ્રેસ હતી. તેણે તરત આ રોલ કરવા માટે હા કહી દીધી હતી. પણ પછીથી હા પાડવા બદલ જુહીને ખૂબ પસ્તાવો થયો હતો. કેમ કે ફિલ્મ ચાંદનીમાં જુહીનો રોલ સાવ તેના નામ જેટલો નાનો હતો. જુહીએ તે સમયે ખૂબ ફરિયાદો કરી હતી. કેમ કે ફિલ્મ એડીટીંગ માટે ગઇ ત્યારે જુહીના અનેક સારા સીન્સ કટ કરી નાખવામાં આવ્યા હતા, જે વાતનું તેને ખૂબ માઠં લાગ્યું હતું. જો કે આ વાતે યશને પણ દુખ હતું અને તે કારણે જ તેણે પછીથી ફિલ્મ ડરમાં જુહીને લીડ એક્ટ્રેસ તરીકે સાઇન કરી લીધી હતી.
ફિલ્મ ચાંદનીમાં મોટેભાગે શ્રીદેવી સફેદ રંગની સાડીમાં જ જોવા મળી છે. આ બાબતે યશ ચોપરા તેની ફિલ્મ સીલસીલાથી થોડો અંદ્ધશ્રદ્ધાળુ બની ગયો હતો. સીલસીલા ફિલ્મમાં પણ રેખાને સફેદ સાડીમાં બતાવવામાં આવી હતી. આ અંગે એકવાર ખુલાસો કરતાં યશે કહ્યું હતું કે કદાચ મને પણ એ જ બાબા મળી ગયા હતા કે જે બાબાએ રાજ કપૂરને સફેદ કપડાં પોતાની દરેક હિરોઇનને પહેરાવવાનું ભૂત વળગાડયું હતું. તેમણે મને એકવાર સપનામાં આવીને કહ્યું હતું કે બચ્ચા તારી જે ફિલ્મમાં હિરોઇન સફેદ વસ્ત્રો પહેરશે તે ફિલ્મ કદી નિષ્ફળ નહી જાય. બસ ત્યારથી મેં મોટેભાગે દરેક ફિલ્મની હિરોઇનને શ્વેત વસ્ત્રો પહેરાવ્યાં જ છે. યશે ચાંદનીમાં આ શ્વેત વસ્ત્રોનો ઉપયોગ થોડો વધારે કર્યો હતો. જો કે યશ ચોપરાના એ બાબાની વાત સાવ સાચી નિકળી, ફિલ્મ તો હિટ થઇ જ ગઇ સાથે સાથે શ્રીએ પહેરેલા સફેદ ચુડીદાર ડ્રેસ અને લહેરીયાના દુપટ્ટાની તે સમયે રીતસરની ફેશન ચાલેલી. આખું માર્કેટ ચાંદની ડ્રેસના નામે ધમધમતું હતું. કદાચ યશની એ ફિલ્મોએ જ બધાને શીખવ્યું કે સફેદ ડ્રેસ માત્ર બેસણાંમાં જ ન પહેરાય. દિલ્હીના ચાંદનીચોકમાં તો જાણે ચોતરફ ચાંદની ફિલ્મનો માહોલ તે સમયે જોવા મળતો હતો. જોકે અનું શ્રેય યશ ચોપરા અને કોશ્ચ્યુમ ડીઝાઇનર લીના ધરુ બંનેને સરખે ભાગે આપવ પડે. ફિલ્મ ચાંદનીમાં સૌપ્રથમ યશ ચોપરાએ ભાનુ અથૈયાને કોશ્ચ્યુમ ડીઝાઇનર તરીકે સાઇન કરી હતી. પણ યશને જેવા જોઇતા હતાં તેવા કપડાં ભાનુ બનાવી દેવા તૈયાર નહોતી. ભાનુનું માનવું હતું કે ડીઝાઇનરની પોતાની સુઝ હોય, તે પ્રમાણે તેને કાર્ય કરવા દેવું જોઇએ. યશને આ વાત સાચી તો લાગતી હતી પણ ફિલ્મ જેમ જેમ તેમના મનમાં આકાર લેતી હતી તેમ તેમ તેઓ એક વાતે સ્પષ્ટ થતા જતા હતા કે હિરોઇનને કેવાં કપડાં પહેરાવવા. પરીણામે ભાનુ અને યશને કપડાં ડીઝાઇન કરવા બાબતે સતત ચડસાચડસી થયા કરતી. આ કારણે ઇગો પ્રોબ્લેમ થવા લાગ્યો અને ભાનુએ ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ યશે લીના ધરુનો અપ્રોચ કર્યો. લીનાને પોતાનો કન્સેપ્ટ સમજાવ્યો. લીનાએ હુબહૂ એવા જ કપડાં ડીઝાઇન કર્યાં જે યશને ગમતાં હતાં. ફિલ્મ ચાંદની રીલીઝ થઇ એ પછી લગભગ દરેક સ્ત્રીને તે વસ્ત્રો ગમવા લાગ્યાં હતાં.
ફિલ્મના સેકન્ડ લીડ હીરોની વાત કરીએ તે રોલ વિનોદ ખન્નાએ કર્યો હતો, પણ આ માટે યશ ચોપરાની પહેલી પસંદગી અમિતાભ બચ્ચન હતો. તેણે અમિતાભને ફિલ્મ ઓફર કરી. આમાં પણ યોગાનુયોગ બન્યું એવું કે તે સમયે અમિતાભ બીજી ફિલ્મ કરી રહ્યો હતો તેથી તેને તારીખોની સમસ્યા નડતી હતી. જો કે રેખાની જેમ જ તેણે પણ આ ફિલ્મ માટે વિનોદ ખન્નાનું નામ સુચવ્યું, સાથે જ યશને ટકોર કરી કે આ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમાણે મારા કરતાં વિનોદ આમાં વધારે સારો લાગશે. તમારે તેનો અપ્રોચ કરવો જોઇએ. યશને આ વાત ગમી. પણ પછી યશ ચોપરાને વિનોદ સાથે ચાંદની ફિલ્મના આખા શૂટીંગ વખતે ખૂબ ટસલ ચાલતી રહેતી. તે કેમ, તેનું કારણ આપણે આગામી અંકમાં વાંચીશુ.
cine@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચાંદનીમાં જુહીએ રોલ તો સ્વીકાર્યો, પણ તેનો રોલ તેના નામ જેટલો જ નાનો હતો appeared first on Sandesh.
from Cine Sandesh – Sandesh http://sandesh.com/chandni-juhi-roll-to-s/
via Best Gujarati News
0 Comments