કરચલાનો પગ કપાઈ જાય તો એક વર્ષમાં ફરી ઊગી જાય છે
જંગલબુક :- નીરવ દેસાઈ
કરચલા પાણીમાં રહેનારા આકર્ષક પણ ખતરનાક જળચર જીવ છે. સામાન્ય રીતે તે નદી, તળાવ અને સમુદ્રમાં રહે છે. કરચલા મીઠા અને ખારા એમ બંને પાણીમાં રહે છે. તેઓ ભારત સહિત આખા વિશ્વમાં જોવા મળતું જળચર પ્રાણી છે. વિશ્વમાં કરચલાની ૪,૫૦૦ કરતાં પણ વધારે પ્રજાતિ અસ્તિત્વમાં છે. છેક ડાયનોસોર યુગથી પૃથ્વી પર કરચલાનું અસ્તિત્વ હોવાનું મનાય છે. તેને દસ પગ હોય છે. તેમાંથી આગળના બે પગનો તે હાથ તરીકે ઉપયોગ કરે છે. તેની આંખોમાં એક કરતાં વધારે કીકી હોય છે, જેના કારણે તે જમીન પર અને પાણીમાં એમ બંન્ને જગ્યાએ સરળતાથી જોઈ શકે છે. તેની પીઠ પર એક કડક અને જાડું આવરણ હોય છે, જે તેને શિકારીઓથી રક્ષણ આપે છે. ઘણા દેશમાં લોકો કરચલાને ભોજન તરીકે ઉપયોગમાં લે છે. પક્ષીઓ અને મોટી માછલીઓ પણ તેને આરામથી ચાઉં કરી જાય છે. કરચલા તેમની પ્રજાતિ પ્રમાણે અલગ અલગ આકારના હોય છે. તેમાં પી ક્રેબ નામના કરચલા સૌથી નાના હોય છે. તે માંડમાંડ અડધો ઈંચની સાઈઝના હોય છે, જ્યારે જાપાનમાં જોવા મળતા કિંગ ક્રેબ કરચલા કદમાં મોટા હોય છે. તેઓ લગભગ બાર ફૂટ જેટલા લાંબા હોય છે.
મોટા ભાગના કરચલા જમીન પર ચાલી શકે છે અને પાણીમાં પણ તરી શકે છે. જમીન પર અને પાણીમાં એમ બંને જગ્યાએ તેઓ સતત લાંબો સમય સુધી રહી શકે છે. સામાન્ય રીતે કરચલા સર્વભક્ષી હોય છે એટલે કે તેઓ શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારનો ખોરાક ખાય છે. તેમના મોંનો ભાગ નરમ હોવાને કારણે તે પોતાનો ખોરાક મોં વડે ચાવતા નથી. ખોરાકને ચાવવાનું અને તોડવાનું કામ તેમનું પેટ કરે છે.
માદા અને નર કરચલા તેમના પેટના આકારના આધારે અલગ પડે છે. નર કરચલાના પેટનો આકાર ત્રિકોણ હોય છે, જ્યારે માદા કરચલાના પેટનો આકાર ગોળ હોય છે. નર કરચલાના પગના પંજા માદા કરચલાના પગના પંજા કરતા મોટા હોય છે.
માદા કરચલા તે એક વખતમાં આશરે ૨૦૦૦ જેટલા ઈંડા મૂકે છે. માદા જ ઇંડાને એકથી બે અઠવાડિયાં સેવે છે. સામાન્ય રીતે કરચલાનું આયુષ્ય ત્રણથી ચાર વર્ષનું હોય છે. જોકે જાપાની કરચલાનું આયુષ્ય તેનાથી વધારે હોય છે. જો કોઈ કારણસર તે પોતાનો પગ ગુમાવી દે તો એક વર્ષની અંદર તેને નવો પગ ઉગી આવે છે. મોટાભાગે કરચલાને માછલીઓની જેમ ચૂઈ હોય છે, જેનાથી તે પાણીમાં સરળતાથી શ્વાસ લઈ શકે છે. કેટલાક કરચલાને ચૂઈ અને ફેફસાં બંને હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કર્ક રાશિનું ચિહન કરચલો છે. કેટલીક પ્રજાતિના કરચલા એકલા રહેવાનું પસંદ કરે છે, જ્યારે કેટલીક પ્રજાતિના કરચલા ઝૂંડમાં રહેવાનું પસંદ કરે છે. કરચલાના આવા ઝૂંડને કાસ્ટ કહે છે.
kids@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કરચલાનો પગ કપાઈ જાય તો એક વર્ષમાં ફરી ઊગી જાય છે appeared first on Sandesh.
from Kids Corner – Sandesh http://sandesh.com/crab-foot-cut-on-the-one-life/
via Best Gujarati News
0 Comments