ભવનનો પૂર્વનો ભાગ ઊંચો ન હોવો જોઈએ
વાસ્તુશાસ્ત્ર
જો ભૂખંડનો પૂર્વ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભાગ નીચો હોય તથા દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ ભાગ ઊંચો હોય તો આવો ભૂખંડ સુખસંપત્તિદાયક,આયુપ્રદ અને વંશ વધારનારો મનાય છે. જે ભૂખંડના દક્ષિણ ભાગમાં જળસ્ત્રોત હોય તેને સુખ સમૃદ્ધિદાયક માનવામાં આવતો નથી. એનાથી વિપરીત ઉત્તર ભાગમાં જો જળસ્ત્રોત હોય તો શુભ મનાય છે.
ધંધાદારી સાઈન બોર્ડમાં ત્રણ કે પાંચ રંગોનો પ્રયોગ શુભ મનાય છે. ત્રિકોણકાર સાઈન બોર્ડ ઉપયોગમાં ના લેવું. સાઈન બોર્ડને બારી અથવા દરવાજા પર ન લગાવવું. વ્યાપારિક ચિહનોમાં તીરનો ઉપયોગ ઉપરની તરફ શુભ રહે છે.
જો ભવનની જમણી તરફ મુખ્ય બારી દોષરહિત હોય, જોવામાં આકર્ષક હોય તો એવા ભવનમાં રહેનારી ગૃહિણી ઘરની કુશળ વહીવટકાર મનાય છે. જો આવી બારીઓની લાઈનમાં અથવા એની સામે પથ્થરનો પિલર હોય તો શક્ય છે પતિ-પત્નીના સંબંધો મધુર ન હોય. ભવનની ડાબી તરફના બારીની લાઈનમાં પૂજા ઘર હોય તો આવા ભવનની ગૃહિણી અને એની પુત્રીઓ બુદ્ધિશાળી અને આધ્યાત્મિક વલણ રાખનારી હોય છે.
ભવનનો પૂર્વનો ભાગ ઊંચો ન હોવો જોઈએ. આવું થવાથી શક્ય છે આર્થિક પરેશાની આવે અથવા સંતાનમાં કોઈ દોષ ઉત્પન્ન થાય. પશ્ચિમ ભાગ નીચો હોવાથી અપયશના ભાગીદાર પણ બનવું પડે.
ભવનમાં ગુડહલનું (લાલરંગના ફૂલો)નું ઝાડ વાવવાથી ર્ધાિમક કાર્યોમાં સિદ્ધિ તથા માન સન્માનનો લાભ મળે છે. એવી જ રીતે સ્ત્રીઓના ઉત્કર્ષ માટે શુભપ્રદ રહે છે. મુખ્યદ્વાર પાસે તુલસી અને અશોકનો છોડ અવશ્ય લગાવવો જોઈએ.
ભવનની દક્ષિણ-પશ્ચિમ દિવાલ પર શૃંગાર ટેબલ, દર્પણ સ્થાપિત કરવાથી ગૃહિણીનું મન અશાંત રહે છે.
ભવનમાં કાંટાવાળું વૃક્ષ હોય તો ત્યાંના નિવાસીઓને લોહીના દબાણની હૃદય બીમારી જેવી બાબતો હેરાન કરે છે. ભવનમાં એવા વૃક્ષો, જેની ડાળીથી દૂધ નીકળતું હોય, એને રોપવાથી રહેવાસીઓને ફેફસાં, કિડની અથવા પેશાબ જેવી બીમારીઓ ઘેરી લે છે. તેથી ભવનની અંદર આ પ્રકારના છોડોને સ્થાન ન આપવું જોઈએ.
ભવનમાં દરવાજા અને બારીઓની સમ અર્થાત્ (બેકી) ૨,૪,૬,૮ હોવી જોઈએ. વિષમ અર્થાત્ (એકી) ૧,૩,૫, ૭માં ન હોવી જોઈએ. સાથે સાથે એ સંખ્યાનો સરવાળો શૂન્ય અર્થાત્ ૧૦,૨૦માં ન આવવો જોઈએ. પશ્ચિમી, પૂર્વી અને ઉત્તર તરફની દીવાલો પર અધિક બારીઓ શુભ માનવામાં આવે છે.
ભવનની કેન્દ્ર રેખા પર રસોઈઘર કે સ્નાનગૃહ કદી ન હોવું જોઈએ. જો કેન્દ્ર રેખા પર જ સ્નાનગૃહ કે રસોઈઘર હશે તો ત્યાંના રહેવાસીઓના શરીરની કેન્દ્ર રેખા પર સ્થિત કોઈપણ ભાગ પર રોગ થઈ શકે છે. જો કેન્દ્ર રેખા પર સ્નાનગૃહ કે શૌચાલય હોય તો આવા ભવનના નિવાસી માટે નાણાંકીય અભાવ કાયમ રહે છે. આવા વ્યક્તિને ભાગ્ય પણ સાથ નથી આપતું.
ભવનના મુક્ય દ્વારની બરાબર સામે કોઈપણ પ્રકારની અડચણ ન હોવી જોઈએ. એટલેકે મુખ્ય દ્વારની બરાબર સામે કોઈ થાંભલો, કૂવો, વૃક્ષ, પિલર અથવા દીવાલનો ખૂણો, કીચડ વગેરે ન હોવાં જોઈએ. ભવન નિર્માણ કરાવવાના સમયે ઉત્તર અને પૂર્વમાં દક્ષિણ તથા પશ્ચિમની તુલનાએ વધુ ખાલી સ્થળ છોડવું જોઈએ. ભવન નિર્માણનું કાર્ય ચૈત્ર, જેઠ, અષાઢ, ભાદરવો, આસો અથવા માદ્યમાં પ્રતિકૂળકારક સમયમાં કરાવવાથી માનસિક તણાવ જેવી પરેશાની આવી શકે છે.
જો પૂજાઘરમાં જૂનો-બેકાર સામાન રાખવામાં આવે તો એવા ભવનના સ્વામીને આર્થિક અથવા શારીરિક નુકસાન થઈ શકે છે. આવા સમયે શત્રુઓ કારણ વિના હેરાન કરે છે. ભવનમાં રાખેલી પૂજાની ર્મૂિત અથવા ફોટો જો ક્ષતિગ્રસ્ત હોય તો ભવનના સ્વામી પર પરેશાનીઓ આવી પડે છે. ઈંટ બનાવવા માટે શુભ નક્ષત્ર અશ્વિની, રોહિણી, પુષ્ય, ઉત્તરા, ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠ, ઉત્તરાષાઢા, શ્રવણ, રેવતી-શુભ લગ્ન-વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ તથા શુભવાર-રવિવાર, ગુરુવાર અને શનિવાર માનવામાં આવ્યો છે.
ઉપરોક્ત નક્ષત્ર, લગ્ન અને વારમાં જ ઈંટો બનાવાનો પ્રારંભ કરવો જોઈએ અથવા મકાનમાં પ્લાસ્ટર કરાવવાનું હોય તો પણ ઉપરોક્ત મુહૂર્તે જોઈને કાર્યારંભ કરવો.
આચાર્ય વરાહમિહિર તથા પરાશર ઋષિ જેવા વિદ્વાનોએ વાસ્તુ તથા જ્યોતિષ સંબંધિત ગ્રંથોની રચના એ સમયની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરી હશે. આવનારા સમયમાં વાસ્તુ અને જ્યોતિષના નિયમોનું યોગ્ય વિવેચન થાય, માટે એમણે દેશ, કાળ, પાત્ર જેવા મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને પણ સાથે સાથે જોડી દીધા. દેશ,કાળ (સમય) પાત્રના સિદ્ધાંતની અંતર્ગત જ વિદ્વાને ઉપર કહેલા પરિણામોની વ્યાખ્યા આજના સંદર્ભમાં કરવી જોઈએ.
પ્રાચીન સમયમાં અકાળ-મૃત્યુની શક્યતા આજના પ્રમાણમાં ખૂબ જ હતી. રોગોથી, મહાભયાનક બિમારી (મહામારી) દુષ્કાળથી અને યુદ્ધ થતાં ગામેગામ નાશ પામતાં હતાં. રાજ દરબારો તથા જમીનદારોના અત્યાચારો પણ આકસ્મિક મોતના કારણ બનતાં હતાં. ચિકિત્સાના સાધનો સીમિત અને અવિકસિત હતા. સામાન્ય માણસને તો ચિકિત્સા ના મળવા બરાબર જ હતી. કારણ કે વૈદ્ય જ્યોતિષી જેવા નિદાન કરનારાઓની સેવા માત્ર ધનવાન પરિવારોને જ મળતી હતી. દરેક સમયે અકાળ મૃત્યુની સંભાવના રહેતી હતી. શક્ય છે કે એ સમયનો આ સૌથી મોટો ભય હતો. બાળકના જન્મ વખતે જ્યોતિષીને પહેલો પ્રશ્ર પૂછાતો કે આ નવજાતનું આયુષ્ય કેટલું છે. એમાં કોઈ નવાઈની વાત નથી કે જ્યોતિષ વગેરે ગ્રંથોમાં આયુષ્ય નિર્ણયને ખૂબ મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
પરિવારના પુરુષ વર્ગનું ભાગ્ય અને જીવનનું નિર્ધારણ ઈશાન ખૂણો કરે છે. ઈશાન કોણની ખામીઓ કે વિકાર પુરુષ વર્ગને શારીરિક માનસિક તથા આર્થિક કષ્ટ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીનો પાંચમો ભાગ સંતાનનોકારક મનાય છે. આ પાંચમા ભાગના અધિપતિ દેવગુરુ બૃહસ્પતિને માનવામાં આવે છે, જે પુત્રકારક પણ મનાય છે. વાસ્તુશાસ્ત્રમાં આ જ બૃહસ્પતિને ઈશાન કોણનો અધિપતિ માનવામાં આવે છે અર્થાત્ ઈશાન કોણ પરિવારના પુત્રનોકારક છે.
ઈશાન કોણનું ઊંચું હોવું, એ પછી ઘરની અંદર હોય કે જમીનની અંદર-ભૂખંડની ઈશાનમાં ઝાડ હોવું, ભવનની અંદર ઈશાનમાં ભારે સામાનનું હોવું, ત્યાં શૌચાલય કે રસોડું હોવું અથવા ભૂખંડમાં ઈશાન કોણનું કપાઈ જવું, આ તમામ વિકારો પુત્રના જીવનને દુર્ભાગ્યપૂર્ણ કે કષ્ટમય બનાવી દે છે. અનુભવે જોયું છે કે ઈશાનના વિકારોથી ગ્રસ્ત પરિવાર અત્યંત દયનીય સ્થિતિમાં હોય છે. વાસ્તુદોષોને જો સમયસર સુધારવામાં ન આવે તો તે વિકારો પરિવારના જીવન પર છવાઈ જાય છે. તેથી વાસ્તુદોષ કયા છે એની જાણકારી મેળવીને એનું સત્વરે નિરાકરણ કરવું જોઈએ.ખાસ કરીને ઈશાનના દોષો તરફ તો સાવચેત રહેવું જોઈએ. એને સુધાર્યા વિના છોડી દેવામાં આવે તો પુત્ર નાશ કે ધનનાશ પણ થઈ શકે છે.
હકીક્તમાં વાસ્તુ સહમત ઉપાયોનો ઉપયોગ કરી ભારતીય વાસ્તુશાસ્ત્રની કસોટીમાં દોષ પૂર્ણ ભવનોને પણ જનકલ્યાણકારી વાસ્તુસૂત્રો દ્વારા તેને અનુકૂળ અને લાભપ્રદ બનાવી શકાય છે.
nakshatra@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભવનનો પૂર્વનો ભાગ ઊંચો ન હોવો જોઈએ appeared first on Sandesh.
from Nakshatra – Sandesh http://sandesh.com/the-building-east-part-high-no-no/
via Best Gujarati News
0 Comments