પદનામિત વડા પ્રધાન નરેન્દ્રમોદીએ પ્રચંડ જનાદેશથી બીજીવાર ચૂંટાયા બાદ માદરે વતન ગુજરાતની ધરતી ઉપર અમદાવાદ ખાતે વિશાળ અભિવાદનસભા સંબોધતાં જણાવ્યું હતું કે, વિજય સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. આ પાંચ વર્ષ વિશ્વના સંદર્ભમાં, ભારતના સંદર્ભમાં અભૂતપૂર્વક અને ઐતિહાસિક છે. ૧૯૪૨થી ૧૯૪૭ના પાંચ વર્ષ અંગ્રેજો સામે લડવાનું હતું એટલે, એમાં આઝાદી જંગ લડવાની ઊર્જા પૂરા પાડતાં હતાં. આવતા પાંચ વર્ષની સાધના એકલવ્ય જેવી છે. સામે કોઈ પડકારો ના હોય, ગુરુ ના હોય તેવા સંજોગોમાં ભારતે એકલવ્યની માફક ઊભરવાનું છે. વિશ્વમાં ભારતનું સ્થાન વૈશ્વિક પરિબળો વચ્ચે પ્રભાવિત કરવાનું રહેશે.

૨૦૧૯ની ચૂંટણીમાં બધા જ પંડિતો ખોટા પડયા છે. ભૂતકાળમાં અનેક ચૂંટણીઓ પછી પત્રકારો હંમેશાં મને મોંમા આંગળા નાખીને કેટલી સીટ આવશે તેવું પૂછતા હતા, પણ હું મગનું નામ મરી પાડતો ન હતો. આ વખતે પહેલીવાર છઠ્ઠા ચરણ પછી મે જાહેર કર્યું કે, અમે ૩૦૦ પાર કરીશું, ત્યારે અઠવાડિયું મારી મજાક ઉડાવવામાં આવી, પણ એ બધાં વોટ પ્રો-ઇન્કમ્બન્સી વોટ હતા, સંપૂર્ણપણે પોઝિટિવ વોટ હતા. આઝાદી બાદ પહેલીવાર આટલીજંગી સંખ્યામાં વોટિંગ થયું છે, જેણે બધાજ રેકર્ડ તોડી નાખ્યાં છે. આના માટે વેવ શબ્દ પણ નાનો પડે એમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

ગુજરાતની જનતાના ખૂબ વખાણ કરતાં મોદીએ કહ્યું કે, ૨૦૧૪માં દેશમાં મને નહીં પણ ગુજરાતને લોકો ઓળખતાં હતા. રસ્તા, પાણી, ઉદ્યોગ-ધંધા વગેરે ક્ષેત્રે જે વિકાસકાર્યો થયાં તે ગુજરાતની સિદ્ધિની સુહાસ મારા પહેલાં દેશના ખૂણેખૂણે પહોંચી હતી. ૨૦૧૪ના જનાદેશના મૂળમાં ગુજરાતની ગાથા, ગુજરાતની ગૌરવ ગાથા અને ગુજરાતની વિકાસયાત્રા હતી. એમણે એ રીતે પણ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો કે, આ વખતે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક પૈકી ૧૭૩માં ભાજપને જંગી બહુમતી મળી છે, જેણે ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે તમામ રેકર્ડ તોડયાં છે, તેથી જનતા જનાર્દનનો આભાર માનીએ તેટલો ઓછો છે.

વડાપ્રધાન સાંજે છ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે એરપોર્ટ સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યાર  બાદ ડફનાળા થઈ રિવરફ્રન્ટના રસ્તે ખાનપુર જેપી ચોક ખાતે  પહોંચ્યા હતા.

ગુજરાતની પ્રજાએ દર્શાવેલા અપાર પ્રેમ માટે આભારના શબ્દો નથી

મોદીએ કહ્યું કે, હું એક પ્રકારે ગુજરાતના લોકોના દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવ્યો છું. ગુજરાતની પ્રજાએ દર્શાવેલા અપાર પ્રેમ માટે આભારના શબ્દો નથી, માથં નમાવાની નમન કરું છું, ગુજરાતની ધરાને. સરકાર બનાવવાનું આહ્વાન મળ્યા પછી પહેલીવાર આપના આશીર્વાદ લેવા આવ્યો છું, બાપુની તપોભૂમિ અને સરદાર સાહેબના લોખંડી મિજાજની આ ધરતી છે. જેણે આ મહાન વિભૂતિઓ આપી છે, તેના આશીર્વાદ લેવા મારે મન અદકેરા છે.

ખાનપુરની ઓફિસમાં હસીખુશીની શામ અને અશોકભાઈના દાળવડા યાદ કર્યાં

પદનામિત વડા પ્રધાન મોદીએ ખાનપુરના ભાજપ કાર્યાલય સાથે સંસ્મરણો યાદ કર્યાં હતા. તેમણે કહ્યું કે, કદાચ મારી ભૂલ ન થતી હોય તો ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ખાનપુરમાં વિજયસભા યોજાઈ હતી, એ પછી સાત વર્ષે અહીં હું આવ્યો છું. અહીં ભાજપના કાર્યાલય ખાતે વર્ષો પહેલાં મજમો જામતો, અશોકભાઈ સાથે દાળવડા ખાધા છે. અહીં મીડિયાના પ્રતિનિધિઓ સાથે રોજ સાંજે હસીખુશીની શામ જામતી, એમાંથી જ સંગઠનના સંસ્કાર અને કૌશલ્ય મને આ નાનકડા મકાનમાંથી મળ્યાં છે.

૩૦મીએ શપથ

એનડીએનાં સંસદીય પક્ષ દ્વારા શનિવારે સર્વાનુમતે નેતા ચૂંટાયા પછી નરેન્દ્ર મોદી ૩૦મી મેનાં રોજ ગુરુવારે સાંજે ૭ કલાકે પીએમ પદનાં હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાં જ શપથવિધિ યોજાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદીને તેમજ તેમનાં કેબિનેટનાં સાથીઓને શપથ લેવરાવશે. મોદી સોમવારે વારાણસી જશે અને  મતદારોનો આભાર માનશે.

સાદગીભર્યો કાર્યક્રમ

સુરત ટયૂશન ક્લાસિસમાં સર્જાયેલી દુર્ઘટનાના પગલે રવિવારે ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ સાદગી ભર્યો જોવા મળ્યો હતો. કોઇ ઢોલ-નગારા વગાડવામાં કે ફટાકડો ફોડવામાં આવ્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આવતા પાંચ વર્ષની સાધના એકલવ્ય જેવી : મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/five-year-old-sadhana-one/
via Best Gujarati News

0 Comments