ભક્તિમાર્ગે ચાલનાર ભક્તની પ્રગતિ નિશ્ચિત છે
કવર સ્ટોરી: પૂ. મોરારિ બાપુ
ભક્તિ એટલે અંધશ્રદ્ધા નહિ. ભક્તિ એટલે કોઇ પરમ તત્ત્વની સાથે સતત અંતરમનથી જોડાઇ રહેવું, ક્યારેય વિભક્ત ન થવું. ભક્ત એટલે પરમાત્માનો ઉપાસક, જે ભક્તિના માર્ગે ચાલવાનું પસંદ કરે છે. જે લોકોને ભક્તિના માર્ગ પર ચાલવું છે તેમના માટે ગોસ્વામીજી ચાર શરતો મૂકે છે.
આ ગોસ્વામીજી મહારાજનું વૈશ્વિક દર્શન છે. ભક્તિમાર્ગની શરતોનું જે ભક્ત પાલન કરે તેની જરૂર પ્રગતિ થાય એવી મારી શ્રદ્ધા છે. તો આવો ભક્તિમાર્ગની શરતો વિશે જાણીએ…
ભક્તની ભક્તિથી બીજા કોઈ ભક્તને વિક્ષેપ ન થવો જોઈએ
ભક્તિમાર્ગની પ્રથમ શરત એ છે કે કોઈ એક ભક્તની ભક્તિથી બીજા કોઈ ભક્તને વિક્ષેપ ન થવો જોઈએ. સાસુની ભક્તિથી વહુને મુશ્કેલી ન પડે, પત્નીની ભક્તિથી પતિને સમસ્યા નડે નહીં તે જોવાની દરેક ભક્તની પ્રથમ ફરજ છે.
કોઈપણ ધર્મનો માણસ શ્રદ્ધા અને ભક્તિથી કોઈ ધાર્મિક તહેવાર ઊજવે તે આનંદની વાત છે, પણ મોડી રાત સુધી લાઉડ સ્પીકર વાગે અને એ કોઈ વિદ્યાર્થીના વાંચનમાં ખલેલ પહોંચાડે તો ગોસ્વામીજીના મતે ભક્તિની પ્રથમ શરતનું પાલન થતું નથી, કારણ કે આ દેશનો દરેક વિદ્યાર્થી ભક્ત છે. એનું વાંચન એક પ્રકારની ભક્તિ છે અને તેથી તો શાળાને વિદ્યામંદિર કહેવામાં ઔઆવે છે.
ભક્તનું સત્કર્મ ભગવાન કરતાં વધારે ન હોવું જોઇએ
ભક્તિમાર્ગની બીજી શરત એવી છે કે ભક્તનું સત્કર્મ એટલું બધું ન વધી જવું જોઈએ કે એ ભક્તને ભગવાન કરતાં પણ આગળ લઈ જાય. ભક્તિમાર્ગમાં સાધનને એટલું બધું આગળ ન લઈ જવું કે સાધ્ય પાછળ રહી જાય.
ઉદાહરણ તરીકે કોઈ ચોર ચોરી કરીને ભાગતો હોય અને એની પાછળ પોલીસ દોડતો હોય ત્યારે પોલીસ એમ માને કે મેં દોડ સ્પર્ધામાં ભાગ લીધો છે અને એ ચોર કરતાં પણ આગળ દોડવા માંડે તો એક સ્પર્ધક તરીકે સાચો હશે પણ સેવક તરીકે નિષ્ફળ સાબિત થશે. એ રીતે ઈશ્વર ચિત્તચોર છે એ ચિત્તચોરને પકડવા માટેની દોડ એ ભક્તિ છે, પરંતુ ભક્તિમાર્ગમાં એટલી ગતિ વધારવાની નથી કે જેનાથી સાધક ઈશ્વરને પાછળ રાખીને આગળ વધી જાય.
ભગવાનથી ચડિયાતા સાબિત થવાનું ભક્તનું ગજું નથી, એટલે અહીં ભગવાન પાછળ રહી જાય એનો અર્થ એવો નથી કે ભક્તમાં ભગવાન કરતાં પણ વધુ મહાનતા આવી જાય. પણ ઘણાં કિસ્સાઓમાં જોયું છે કે ભક્ત ખુદ ભગવાન બની બેસે છે અને ખરો ભગવાન તો ભક્તની પાછળ ઢંકાઈ જાય છે. ગાડરિયા પ્રવાહ જેવા ભક્તો બીજા એક ભક્તને ભગવાન માનવાની ભૂલ કરી બેસતાં હોય છે ત્યારે એ ભગવાન બની ગયેલા ભક્તનો ધર્મ છે કે લોકોની ભ્રમણાને દૂર કરે. પોતે ભગવાન બની ગયાનો લહાવો લીધા કરે તો ભક્તિમાર્ગથી બીજી શરતનો ભંગ થાય છે.
તમારી ભક્તિથી બીજાના જીવને પ્રકાશ મળે
ભક્તિમાર્ગની ત્રીજી શરત એવી છે કે આપણી ભક્તિથી બીજાને અજવાળું મળવું જોઈએ. સતી તોરલની ભક્તિથી જેસલના જીવનમાં પ્રકાશ થયો છે. નારદની ભક્તિથી વાલિયો લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ થયો છે. આમ કોઈના જીવનને અજવાળે તે ભક્તિની ત્રીજી શરત છે. સાધકના હૃદયમાં જ્યોત પ્રગટે પછી જયોતથી જયોતને જલાવવાની વાત છે.
ભક્તિ સ્વકેન્દ્રી ન બની જવી જોઈએ. ભક્ત પોતાનો વિચાર કર્યા કરે અને બીજાની જરાપણ ફિકર ન કરે તે સ્વકેન્દ્રી ભક્તિ ગણાય. સાચો ભક્ત એ છે કે જે સ્વને ભૂલીને સર્વનો વિચાર કરે છે. મને સ્વર્ગ મળી જાય, મને લેવા માટે વૈકુંઠથી વિમાન આવે, મારો જન્મારો સુધરી જાય એવી સ્વાર્થની ચાહના ભક્તિ બની જાય તે ઉત્તમ ભક્તિ નથી. તમારી ભક્તિ જ્યારે સમાજલક્ષી બને, બીજાના જીવનમાં અજવાળા કરે તે ઉત્તમ પ્રકારની ભક્તિ છે. બીજાનાં જીવનમાં જયોત પ્રગટે તે સાચી આરતી છે અને અન્યના જીવનને સુગંધી બનાવી શકાય તે સાચો ધૂપ છે.
સાચો ભક્ત વિરોધનો પણ વિરોધ કરતો નથી
ભક્તિમાર્ગનું ચોથું અને અંતિમ સૂત્ર ખૂબ અગત્યનું છે. ચોથી શરત એવી છે કે પોતાના વિરોધીનો પણ ક્યારેય વિરોધ ન કરે તે સાચો ભક્ત છે. માણસ ભક્તિના માર્ગ પર ગતિ કરશે એટલે પરિવાર, જ્ઞાાતિ અને સંસાર વિરોધ કરવા લાગશે. જ્યારે માનવીના હસ્તાક્ષર ઓટોગ્રાફ બની જાય એ સફળતાની નિશાની છે. તેમ વિરોધીઓ વધવા લાગે તે પણ પ્રગતિની નિશાની છે.
નરસિંહનો ખૂબ વિરોધ થયો હતો. મીરાંનો પણ ખૂબ વિરોધ થયો હતો, પરંતુ નરસિંહ કે મીરાંના મનમાં પોતાના વિરોધીઓ માટે સહેજ પણ વિરોધ નહોતો, એ ભક્તિમાર્ગની અંતિમ કસોટીમાંથી ઉત્તીર્ણ થયાનો પુરાવો છે. ઈસુને વિરોધીઓએ વધસ્તંભ લોખંડના ખીલાઓ મારીને જડી દીધા. સૂકરાતને ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. મહાત્મા ગાંધીજીને ગોળીઓ મારવામાં આવી, પણ આ તમામ મહાપુરુષો એવા હતા કે જેમણે સપનામાં પણ પોતાના વિરોધીઓનું ખરાબ ઈચ્છયું નથી.
ભગવાન ઈસુ તો એમ બોલ્યો કે એ લોકો શું કરી રહ્યા છે એનું એમને ભાન નથી, માટે તું એમને સદ્બુદ્ધિ આપજે, એમનું કલ્યાણ કરજે. આપણા હત્યારાનું પણ કલ્યાણ કરવાનો વિચાર આવે ત્યારે માનવું કે હવે ભજન પાકી ગયું છે અને હરિ વૈકુંઠ છોડીને આપણા હૃદયમાં રહેવા આવી ગયા છે અને ભક્તિમાર્ગની ચારે-ચાર શરતોનું બરાબર પાલન થયું છે. આ ચાર શરતોનું પાલન થાય ત્યાં ભય પણ રહેતો નથી અને પ્રલોભન પણ રહેતું નથી. ત્યાં એક જ તત્ત્વ રહે છે અને તે પ્રભુપ્રેમ છે.
મહાત્મા તુલસીદાસ પાસેથી મળેલી આ ચાર શરતોનું પાલન કરવાથી ભક્તિના પંથે પ્રગતિ થઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભક્તિમાર્ગે ચાલનાર ભક્તની પ્રગતિ નિશ્ચિત છે appeared first on Sandesh.
from Shraddha – Sandesh http://sandesh.com/progress-of-the-devotees-journey-through-devotion-is-certain/
via Best Gujarati News
0 Comments