ચંદ્રાબાબુ કેન્દ્રમાં સરકાર રચવાની કવાયત માટે રાહુલ, પવારને મળ્યા
। નવી દિલ્હી ।
લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કેન્દ્રમાં ભાજપને સત્તા પરથી હટાવવા અને વિપક્ષોનું ગઠબંધન મજબૂત બનાવવા આંધ્ર પ્રદેશનાં સીએમ અને ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ શનિવારે કોંગ્રેસ પ્રમુખ રાજીવ ગાંધીને તેમનાં નિવાસે મળ્યા હતા. બંને નેતાઓએ કેન્દ્રમાં સરકાર રચવા વિપક્ષી એકતાને મજબૂત બનાવવા ચર્ચા કરી હતી. તમામ વિરોધપક્ષોને એક મંચ પર લાવીને કેન્દ્રમાં મહાગઠબંધનની સરકાર રચવાની કવાયત ચંદ્રાબાબુ નાયડુએ તેજ કરી છે. રાહુલને મળ્યા પછી નાયડુ એનસીપી નેતા શરદ પવાર અને એલજેડી નેતા શરદ યાદવને પણ મળ્યા હતા. નાયડુ સવારનાં નાસ્તા વખતે સીપીઆઈ નેતા જી. સુધાકર રેડ્ડી અને ડી. રાજાને મળ્યા હતા અને ભાજપ સામે સંગઠિત બનવા અપીલ કરી હતી. તેઓ આ મુદ્દે ચર્ચા કરવા મોડી રાત્રે લખનઉમાં બસપા નેતા માયાવતી અને સપા નેતા અખિલેશ યાદવને પણ મળ્યા હતા અને કેન્દ્રમાં મહાગઠબંધન સરકાર રચવા રણનીતિ ઘડી હતી. ટીઆરએસનાં નેતા અને તેલંગણાનાં સીએમ કેસીઆર પણ વિપક્ષોને એક કરવા માટે નેતાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે. ગઠબંધનમાં કોઈપણ પક્ષને સ્થાન આપવા તેમણે તૈયારી દર્શાવી હતી.
કોંગ્રેસની ૨૩મીએ વિપક્ષી નેતાઓની મિટિંગ
બીજી તરફ કોંગ્રેસ નેતા અને યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધીએ ૨૩મીએ પરિણામો જાહેર થયા પછી તમામ વિપક્ષી નેતાઓની મિટિંગ બોલાવી છે. જેમાં કોંગ્રેસ વધુ સીટો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવે તો પણ અન્ય વિપક્ષી નેતાએ પીએમ બનાવવા તૈયાર હોવાના કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે સંકેતો આપ્યા હતા. જો કે પછી ફેરવી તોળ્યું હતું અને સૌથી જૂના પક્ષને સરકાર રચવાની તક મળવી જોઈએ તેવો મત દર્શાવ્યો હતો.
ગઠબંધન સરકાર રચવાની યોજના
નાયડુએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે જો એનડીએને સરકાર રચવા માટે બહુમતી ન મળે તો કેન્દ્રમાં વિપક્ષોની ગઠબંધન સરકાર રચવા માટેનો પ્લાન તૈયાર કરે જેમાં કર્ણાટકમાં કોંગ્રેસ, જેડીએસની સરકાર ચાલી રહી છે તેને મોડલ તરીકે ધ્યાનમાં લઈને મિશ્ર સરકાર રચવાની યોજના હોવાનું મનાય છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની વધુ બેઠકો હોવા છતાં તેણે મિશ્ર સરકાર બનાવવા જેડીએસનાં કુમારસ્વામીને સીએમ પદ સોંપ્યું હતું. આવું જ કેન્દ્રમાં પીએમ પદ માટે થઈ શકે છે.
માયા અને અખિલેશનું ભેદી મૌન, ૨૩મીએ પત્તાં ખોલશે
માયાવતી અને અખિલેશે કેન્દ્રમાં મિશ્ર સરકાર અંગે ભેદી મૌન સેવ્યું છે તેઓ ૨૩મીએ પરિણામો જાહેર થયા પછી કોની પાટલીમાં બેસવું તે નક્કી કરશે તેવું મનાય છે. ચંદ્રાબાબુ નાયડુ માયાવતી અને અખિલેશને મળીને ૨૩મીએ કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં હાજર રહેવા તેમને મનાવે તેવી અટકળો છે.
કોંગ્રેસને ટેકો આપવા જેડીએસની તૈયારી
જેડીએસ નેતા એચ ડી દેવગૌડાએ કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મતભેદોના અહેવાલોને ફગાવ્યા હતા અને કેન્દ્રમાં કોંગ્રેસને ટેકો આપવાની તૈયારી દર્શાવી હતી. મિશ્ર સરકારનાં પીએમ તરીકે રાહુલ ગાંધીને સમર્થન આપવા તેઓ મન બનાવી ચૂક્યાનુંજાણવા મળે છે.
ચૂંટણી પંચ સરકારનું સમર્થક હોવાનો નાયડુનો આક્ષેપ
ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પંચ સરકારનું સમર્થક હોવાનાં આક્ષેપો કર્યા હતા. ગોડસેને દેશભક્ત ગણાવીને મહાત્મા ગાંધીનું અપમાન કરવાનાં મામલે ભાજપના ભોપાલના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર સામે કાર્યવાહી કરવા નાયડુએ માગણી કરી હતી.
મણિપુરમાં એનપીએફે ભાજપ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચ્યું
ભાજપને પુર્વોત્તરમાં રાજકીય આંચકો મળ્યો છે. મણિપુરમાં ભાજપ સાથે સરકારમાં સામેલ નાગા પીપલ્સ ફ્રન્ટે(એનપીએફ) સમર્થન પાછું ખેંચી લીધું છે. મણિપુરમાં હાલ ભાજપની સરકાર છે અને ભાજપ નેતા એન બિરેનસિંહ રાજ્યના મુખ્યપ્રધાન છે. જોકે એનપીએફ દ્વારા સમર્થન પાછું ખેંચાયા છતાં ભાજપ સરકાર સામે કોઇ ખતરો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચંદ્રાબાબુ કેન્દ્રમાં સરકાર રચવાની કવાયત માટે રાહુલ, પવારને મળ્યા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/chandrababu-center-sir/
via Best Gujarati News
0 Comments