બ્રાઝિલની ફોરમિગો સાતમા ફિફા વર્લ્ડ કપમાં રમનારી વિશ્વની પ્રથમ મહિલા પ્લેયર બનશે
રિયો ડી જાનેરો :
બ્રાઝિલિયન સિનિયર ખેલાડી ૪૧ વર્ષની મિડફિલ્ડર ફોરમિગો ફિફાના સાત વર્લ્ડ કપ રમનારી પ્રથમ મહિલા ફૂટબોલર (પુરુષ તથા મહિલા) બનવાનો રેકોર્ડ નોંધાવશે. ફિફા વુમન્સ વર્લ્ડ કપ ફૂટબોલ ચાલુ વર્ષે ફ્રાન્સમાં સાતમી જૂનથી સાતમી જુલાઇ સુધી રમાશે. આ ટૂર્નામેન્ટમાં બ્રાઝિલિયન ટીમ પણ ભાગ લઇ રહી છે. બ્રાઝિલિયન ફૂટબોલ કન્ફેડેરેશને બ્રાઝિલની ટીમની જાહેરાત કરી હતી અને તેમાં ફોરમિગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ૧૯૯૧માં પ્રથમ વખત વુમન્સ ફૂટબોલ વર્લ્ડ કપ રમાયો હતો.
ફોરમિગો પેરિસ સેન્ટ જર્મેન તરફથી પણ રમે છે
પેરિસ સેન્ટ જર્મેન ક્લબ તરપતી રમનારી ફોરમિગો અત્યાર સુધી છ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં રમી ચૂકી છે. જોકે આટલા બધા વર્લ્ડ કપ રમ્યા હોવા છતાં તેને વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની ક્યારેય તક મળી નથી. ૨૦૦૭માં તેને ફાઇનલ રમવાની તક મળી હતી પરંતુ જર્મનીએ તે સમયે બ્રાઝિલને ૨-૦થી હરાવીને વર્લ્ડ કપ ટાઇટલ જીતી લીધું હતું. વુમન્સ ફૂટબોલ વર્લ્ડ કપમાં બ્રાઝિલનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. ફોરમિગો સૌથી વધારે ફૂટબોલ વર્લ્ડ કપ રમવાના મામલે અત્યારે જાપાનની હોમારે સોવા સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. સાવાએ ૨૦૧૧માં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
મેન્સમાં ત્રણ જ ફૂટબોલર પાંચ વર્લ્ડ કપ રમી ચૂક્યા છે
મેન્સ ફૂટબોલ વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ત્રણ જ ફૂટબોલર પાંચ વર્લ્ડ કપ રમી ચૂક્યા છે. આ ખેલાડીઓમાં મેક્સિકોના રાફેલ મારક્વેઝ અને એન્ટોનિયો કારબાઝલ તથા જર્મનીના લોથાર મેથ્યુઝનો સમાવેશ થાય છે. લોથારે પોતાની કેપ્ટનશિપ હેઠળ જર્મનીને વર્લ્ડ કપ ચેમ્પિયન પણ બનાવી હતી.
ફોરમિગો સૌથી વધુ વયની ખેલાડી પણ બનશે
બ્રાઝિલિયન ખેલાડી ફોરમિગો જો ફ્રાન્સમાં રમશે તો તે ફિફા વુમન્સ વર્લ્ડ કપમાં રમનારી સૌથી વધુ વયની મહિલા ફૂટબોલર બની જશે. બ્રાઝિલની ટીમમાં ફોરમિગો ઉપરાંત માર્ટા સહિત ચર્ચામાં રહેલા કેટલાક અન્ય ચહેરા પણ સામેલ છે. માર્ટા છ વખત વર્લ્ડ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મેળવી ચૂકી છે. માર્ટાના નામે વુમન્સ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધારે ૧૫ ગોલ નોંધાવવાનો વિક્રમ છે. ફ્રાન્સ ખાતેના વર્લ્ડ કપમાં બ્રાઝિલિયન ટીમને ગ્રૂપ-સીમાં સ્થાન મળ્યું છે. આ ગ્રૂપમાં બ્રાઝિલ ઉપરાંત જમૈકા, ઇટાલી તથા ઓસ્ટ્રેલિયન ટીમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બ્રાઝિલની ફોરમિગો સાતમા ફિફા વર્લ્ડ કપમાં રમનારી વિશ્વની પ્રથમ મહિલા પ્લેયર બનશે appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/brazilian-fourmigo-seventh/
via Best Gujarati News
0 Comments