લોકસભા ૧૯૫૨ : લોકસભા ૨૦૧૯
રેડ રોઝ :- દેવેન્દ્ર પટેલ
લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું આજે મતદાન છે. છેલ્લા બે મહિના દરમિયાન દેશની જનતાએ લોકસભાની ચૂંટણી, પ્રચાર અને ઘટનાઓને એક એકશન ફિલ્મના થ્રીલરની જેમ નિહાળી. આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો તથા ચૂંટણી સભાઓ દરમિયાન વિવિધ પક્ષોના નેતાઓ તરફથી જે ભાષા વાપરવામાં આવી તે આજ સુધીની તમામ ચૂંટણીઓમાં સહુથી વધુ નિમ્ન કક્ષાની રહી. દેશની આમ જનતાના ગરીબી, બેરોજગારી, આર્િથક મંદી, ખેડૂતોની આત્મહત્યા અને આતંકવાદ જેવા તમામ મુદ્દાઓ ભૂલાઈ ગયા. આખીયે ચૂંટણી રાષ્ટ્રીય પ્રશ્નોના બદલે ચોર અને તે પ્રકારના બીજા વ્યક્તિલક્ષી આક્ષેપોથી ભરપૂર રહી.
આઝાદીના ૭૦ વર્ષ બાદ દેશનું લોકતંત્ર મજબૂત થયું છે પરંતુ આ વખતના ચૂંટણી પ્રચારે લોકશાહીને છાજે તેવી તમામ મર્યાદાઓનો ભંગ કર્યો અને લોકતંત્રના ગૌરવને ના શોભે તેવા શબ્દ પ્રયોગો થયા જે દુઃખદ છે. પિૃમ બંગાળમાં જે હિંસાત્મક ઘટનાઓ ઘટી અને દેશના વડાપ્રધાન માટે જે શબ્દો વપરાયા એ દેશની લોકશાહી માટે જરાય શોભાસ્પદ નથી.
લોકસભાની પહેલી ચૂંટણી ૧૯૫૨માં થઈ ત્યારે ચૂંટણી પંચને ચૂંટણી પ્રક્રિયા પાર પાડવાનું ખર્ચ રૂ.૧૦ કરોડ થયું હતું. ૨૦૧૯ની ચૂંટણી પ્રક્રિયાનું ખર્ચ રૂ.૫૦૦૦ કરોડ થવા સંભવ છે.
આમ છતાં દેશના ચૂંટણી પંચે અને વહીવટીતંત્રે નિષ્પક્ષ અને તટસ્થ રીતે આખીયે ચૂંટણી પ્રક્રિયા પાર પાડી રહી છે તે પ્રશંસનીય છે. એક જમાનામાં સામાન્ય ચૂંટણીઓ દરમિયાન બુથ કેપ્ચરિંગ થતું હતું અને મતપેટીઓ ઉઠાવી જવાતી હતી- તેવી તમામ ગેરકાનૂની ઘટનાઓ હવે અદૃશ્ય થઈ છે તે સરાહનીય છે.
ખેર!
આજે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન છે ત્યારે એક નજર ફલેશ બેક પર.
ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે.
અંગ્રેજોની વિદાય બાદ દેશ આઝાદ થયો. દેશના પ્રજાજનોને પોતાની સરકાર રચવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે એ સમયની કેટલીક રસપ્રદ વાતો અહીં પ્રસ્તુત છે.
તા.૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતના નવા બંધારણને સ્વિકૃતિ મળી. એ નવા બંધારણ મુજબ હવે દેશમાં પહેલી સામાન્ય ચૂંટણીઓ યોજવાની હતી. એ પહેલાં દેશમાં વચગાળાની કેન્દ્ર સરકાર કાર્યરત હતી. એ સરકાર જવાહરલાલ નેહરુના વડાપ્રધાનપદ હેઠળ બની હતી. તેમાં ૧૫ મંત્રીઓ હતા. તે બધા અલગ અલગ સમુદાયોમાંથી આવતા હતા. અલગ અલગ પક્ષોમાંથી પણ હતા. બંધારણની વ્યવસ્થા અનુસાર પહેલી લોકસભા માટે દેશમાં ૪૮૯ મતક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા.
એ વખતે દેશની વસ્તી ૩૬ કરોડની હતી. આજે લગભગ ૧૩૦ કરોડની વસ્તી છે. એ વખતના ૩૬ કરોડ લોકોમાંથી ૮૫ ટકા લોકો શિક્ષિત નહોતા. એ વખતની વસ્તીમાંથી ૧૭ કરોડ ૩૦ લાખ ભારતીય મતદારો મત આપવાનો અધિકાર ધરાવતા હતા. પરંતુ લોકોમાં જાગરૂકતા નહોતી. ચૂંટણી વખતે માત્ર ૪૫.૭ ટકા લોકો જ મતદાન કરવા આવ્યા હતા.
પહેલી લોકસભાની ચૂંટણીમાં એટલે કે આજથી ૬૭ વર્ષ પૂર્વે ૪૮૯ સ્થાનો માટે ૧૮૪૯ ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણીમાં ૪૮૯ બેઠકો પૈકી કોંગ્રેસે ૩૬૮ બેઠકો જીતી લીધી હતી. કોંગ્રેસ પછી બીજા નંબરે ભારતીય ક્મ્યુનીસ્ટ પાર્ટી (સીપીઆઈ) આવી હતી. ભારતીય કમ્યુનીસ્ટ પાર્ટીના ૧૬ સભ્યો પહેલી લોકસભામાં ચૂંટાયા હતા. ત્રીજા નંબરે સમાજવાદી પાર્ટી હતી. તેને ૧૨ બેઠકો મળી હતી. ચોથા નંબરે કિસાન મજદૂર પ્રજા પાર્ટી હતી. તેને ૯ બેઠકો મળી હતી. ગણતંત્ર પરિષદ નામની પાર્ટીને ૬, ઝારખંડ પાર્ટીને-૩, લોકસેવક સંઘને બે, પીપલ્સ, ડેમોક્રેટીક ફ્રાંટને ૭ અને શિરોમણી અમલી દળને ચાર બેઠકો મળી હતી. જ્યારે ભારતીય જનસંઘને ત્રણ, રામ રાજ્ય પાર્ટીને ત્રણ અને હિન્દુ મહાસભાને ચાર બેઠકો મળી હતી.
એ ચૂંટણીની રોચક વાત એ છે કે એ વખતનાં કેટલાક મતક્ષેત્રો એવાં હતાં જેમાંથી એક નહીં પરંતુ બે પ્રતિનિધિઓને ચૂંટી લાવવાના હતા.
દા.ત. અંબાલા-શિમલા મતક્ષેત્ર. આ વિસ્તાર કરનાલથી શિમલા સુધી ફેલાયેલો હતો. આ મતક્ષેત્રમાંથી બે સાંસદોને ચૂંટી લાવવાના હતા, એક સામાન્ય વર્ગમાંથી અને બીજો અનુસૂચિત જાતિમાંથી.
નોંધપાત્ર વાત એ છે કે એ જમાનામાં કોંગ્રેસની સરકાર સામે મુખ્ય વિરોધપક્ષ તરીકે સીપીઆઈ-ભારતીય કમ્યુનીસ્ટ પાર્ટી ઉભરી આવી હતી. તેના નેતા એ. કે. ગોપાલન હતા અને તેઓ લોકસભામાં વિપક્ષના પ્રથમ નેતા હતા. પરંતુ તેમને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં આવી નહોતી.
દેશની પ્રથમ ચૂંટણીની આ પ્રક્રિયા તા.૨૫ ઓક્ટોમ્બર, ૧૯૫૧ના રોજથી શરૂ થઈ હતી, જે તા.૨૧ ફેબ્રુઆરી ૧૯૫૨ સુધી ચાલી હતી. એ વખતે એક જ મતપેટીમાં જુદા જુદા ઉમેદવારોમાંથી કોઈને પસંદ કરીને મત નાંખવાના બદલે દરેક ઉમેદવારની મતપેટીઓ અલગ અલગ હતી. જે મતદારે જે ઉમેદવારને મત આપવો હોય તેણે તેની પસંદગીના ઉમેદવારની મતપેટીમાં મત નાંખવો પડતો. મતદાન પતી જાય પછી તે મતપેટીઓને રેલ્વે, બળદગાડાં, બસ કે ટ્રકો મારફતે જિલ્લાના કલેકટરની કચેરીએ લઈ જવામાં આવતી હતી. જ્યાં બે બે વખત મતોની ગણતરી કરવામાં આવતી.
પહેલી લોકસભાની ચૂંટણી માટે ૧૬૫૦૦ જેટલા કલાર્ક્સને છ મહિના માટે આ જ કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જેથી મતદારોની યાદી ટાઈપ કરી શકાય. મતદાન પત્ર માટે ૩ લાખ ૮૦ હજાર રિમ કાગળનો ઉપયોગ થયો હતો. મતદાર યાદી પહેલાં ટાઈપ કરવામાં આવી હતી અને છાપવામાં આવી હતી.
પહેલી લોકસભાની ચૂંટણી માટેનાં કુલ મતદાન કેન્દ્રોની સંખ્યા ૧,૯૬,૦૬૨ હતી. તેમાંથી ૨૭૫૨૭ મતદાન કેન્દ્રો મહિલાઓ માટે આરક્ષિત હતાં.
એ વખતે દેશમાં ૨૫ રાજ્યો હતાં. એ વખતની લોકસભાની કુલ ૪૮૯ બેઠકો પૈકી ૩૧૪ બેઠકો પર એક જ પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવી હતી જ્યારે ૮૬ મતદાન ક્ષેત્રો એવાં હતાં જ્યાંથી બે બે પ્રતિનિધિઓની ચૂંટણી કરવામાં આવી. એક મતવિસ્તાર એવો પણ હતો જ્યાંથી ત્રણ પ્રતિનિધિઓને ચૂંટી લાવવામાં આવ્યા હતા. એક મતક્ષેત્રમાંથી બે સાંસદો પસંદ કરવાની પરંપરા ૧૯૬૦માં સમાપ્ત કરી દેવામાં આવી. કાશ્મીરમાં ૧૯૬૭ સુધી લોકસભાની ચૂંટણીઓ થઈ શકી નહીં.
દેશની પહેલી લોકસભાની ચૂંટણી દરમિયાન દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ફુલપુર મતવિસ્તારમાંથી ચૂંટણી લડીને જીતી ગયા હતા. દેશના પહેલા શિક્ષણ મંત્રી અબ્દુલ કલામ આઝાદ ગુડગાંવ મતક્ષેત્રોમાંથી ચૂંટાઈને આવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે દેશની પહેલી લોકસભાની ચૂંટણીઓ દરમિયાન કેટલીક અલગ પ્રકારની રાજકીય પાર્ટીઓ હતી. તેમાં એક પક્ષનું નામ બોલશેવિકા પાર્ટી ઓફ ઈન્ડિયા હતુ. એક પાર્ટીનું નામ છોટા નાગપુર-સંસ્થાન પરગના જનતા પાર્ટી હતું. એક પાર્ટીનું નામ કોમનવિલ પાર્ટી હતું. એક પાર્ટીનું નામ જસ્ટિસ પાર્ટી હતું. એક પાર્ટીનું નામ પ્રજા પાર્ટી હતું.
આજે દેશમાં ૨૦૦૦થી વધુ રાજકીય પાર્ટીઓ છે.
- devendrapatel.in
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોકસભા ૧૯૫૨ : લોકસભા ૨૦૧૯ appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%ab%a7%e0%ab%af%e0%ab%ab%e0%ab%a8-%e0%aa%b2%e0%ab%8b%e0%aa%95%e0%aa%b8%e0%aa%ad%e0%aa%be-%e0%ab%a8%e0%ab%a6%e0%ab%a7%e0%ab%af/
via Best Gujarati News
0 Comments