કેલિડોસ્કોપ :- મોહમ્મદ માંકડ

થોડા સમય પહેલા જ ધોરણ ૧૨નું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. વિદ્યાર્થી એની જિંદગીના કીમતી બાર મહિના ઘૂંટીને, તનતોડ મહેનત કરીને પરીક્ષામાં બેસે છે. એમાંથી કેટલાક પાસ થાય છે કેટલાક નાપાસ થાય છે. કેટલાક ધૂંધવાઈ ઊઠે છે, કેટલાક હતાશ થઈ જાય છે. પરિણામોમાં ચાલતી ગેરરીતિઓની ચર્ચાઓ થાય છે. અરજીઓ થાય છે, કોર્ટમાં કેસ પણ થાય છે. થોડા દિવસ વાતાવરણમાં ધ્રુજારી રહે છે. હળવે હળવે બધો ધમધમાટ શાંત થઈ જાય છે. પરિણામ સારું આવ્યું હોય એ આનંદ કરે છે, નબળાં પરિણામોવાળાં મૂંઝાય છે, નિરાશ થાય છે અને કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની આપઘાત પણ કરે છે.

વરસો વરસનું જાણે કે આ એક સામાન્ય દૃશ્ય થઈ પડયું છે- એક રૂટિન.

જેમ કેટલાક માટે આ જીવન-મરણનો પ્રશ્ન હોય છે એ જ રીતે બીજા કેટલાક માટે આ એક સામાન્ય યંત્રવત્ પ્રક્રિયા પણ હોય છે, અને એટલે જ દર વર્ષે ઉહાપોહ થાય છે. પરીક્ષા પદ્ધતિની ખામીઓને કારણે સારા વિદ્યાર્થીઓને કેટલો અન્યાય થાય છે, પરીક્ષકો પેપર તપાસવામાં કેવી બેદરકારી રાખે છે, સુપરવાઈઝરો લાગતા વળગતાને કેવી રીતે ચોરીઓ કરાવે છે એની ચર્ચાઓ થાય છે. જે વિદ્યાર્થીઓ ક્યારેય વર્ગમાં હાજર પણ ન રહ્યા હોય અને જેમને વિષયનું પ્રાથમિક જ્ઞાન પણ ન હોય એ વિષયમાં એમને ડિસ્ટિંકશન માર્કસ મળે ત્યારે એમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સ્વાભાવિક રીતે જ આઘાત અનુભવે છે અને જ્ઞાન પ્રાપ્તિ માટેની એમની શ્રદ્ધાના પાયા હચમચી જાય છે.

એમાંથી એક આખું વિષચક્ર શરૂ થાય છે. વિદ્યાર્થી કશું શીખ્યા વિના જ જે કાંઈ મળે તે મેળવી લેવા પ્રયત્નો કરવાનું શીખે છે. ટૂંકા રસ્તે પરીક્ષાઓ પાસ કરવાના નુસખાઓ તે શોધ્યા કરે છે. વધારે માર્ક્સ મેળવવાના કે ખોટાં સર્ટિફિકેટ્સ મેળવવાના પ્રયત્નો પણ તે છોડતો નથી. એમાંના જ કેટલાક માટે શિક્ષણ એ માત્ર કારકિર્દી કે અભ્યાસનો નહીં પણ રોટીનો પણ પ્રશ્ન હોય છે. આવા વિદ્યાર્થીઓ બધા જ પ્રકારનું ખોટું કરી છૂટવા માટે તૈયાર હોય છે અને છેવટે આ રીતે અભ્યાસ કરીને સમાજમાં જીવવાનું એ શરૂ કરે છે ત્યારે પણ જે કાંઈ મહેનત વિના મળે તે મેળવી લેવાના રસ્તાઓ તે શોધ્યા કરે છે.

આ રીતે, સમાજમાં જે કાંઈ બને છે એનાં બીજ મુખ્યત્વે શાળામાં જ વવાય છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે બાળકનું ‘સામાજિક જીવન’ પણ શાળા જીવનથી શરૂ થાય છે. ગાડી એક વખત ખોટા પાટા પર ચડી જાય તો પછી સાચી મંઝિલ સુધી પહોંચવાનું શક્ય રહેતું નથી.

એટલે શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિમાં જો પાયાની બે વસ્તુ આપણે કરી શકીએ તો જ બાકીના પ્રયત્નોનું સારું ફળ આપણે મેળવી શકીશું. એમાંની એક બાબત છે કે, પરીક્ષાની એવી પદ્ધતિ શોધવી કે જેમાં વિદ્યાર્થીઓ મુક્ત રીતે પરીક્ષા આપી શકે અને એનું સાચું મૂલ્યાંકન થઈ શકે. બીજું, વિદ્યાર્થીને એના અભ્યાસમાં અને અભ્યાસની પદ્ધતિમાં વિશ્વાસ બેસે. આ બંને બાબતો મુશ્કેલ છે પણ અશક્ય નથી. કારણકે, આપણો અનુભવ છે કે જે વિદ્યાર્થીઓ ટયુશન કલાસીસમાં જાય છે ત્યાં તેઓ તોફાન કરતા નથી. ટયુશન કલાસીસમાં નિયમિત પરીક્ષાઓ પણ લેવાય છે, પરંતુ ત્યાં પોતાને ખોટા માર્ક્સ મળ્યા છે કે બીજા તરફ પક્ષપાત કરવામાં આવ્યો છે એવી ફરિયાદો ભાગ્યે જ થાય છે.

કારણકે, વિદ્યાર્થી સમજે છે કે એમ કરવાથી કલાસીસવાળાને કે બીજા કોઈ વિદ્યાર્થીઓને કોઈ લાભ મળી શકે તેમ નથી હોતું. કલાસમાં જે માર્ક્સ મળે છે એનાથી વિદ્યાર્થી પોતે પોતાનું મૂલ્યાંકન કરી શકે છે. બીજા કોઈના ફાયદા કે નુકસાન સાથે એને કોઈ સંબંધ હોતો નથી.

આમ,જે વસ્તુ સામાન્ય ટયુશન કલાસમાં સિદ્ધ થઈ શકે છે એ વસ્તુ આપણે ત્યાં શાળા-મહાશાળામાં સિદ્ધ કરી શકાતી નથી. આપણે એમને ચળવળિયા અને તોફાની બનાવીએ છીએ.

એમ લાગે છે કે, શિક્ષણ બાબતમાં આપણે પાયામાંથી જ કશુંક ભૂલ્યા છીએ અને એનાં પરિણામો આપણે ભોગવી રહ્યાં છીએ અને આપણી ભાવિ પેઢીએ ભોગવવાની છે.

આપણો વિદ્યાર્થી જ્યારે બાલમંદિર કે પ્રાથમિક શાળામાં દાખલ થાય છે ત્યારે તે અભ્યાસ માટે સંપૂર્ણપણે તૈયાર હોય છે. તેનું મન કોરું હોય છે. તેની જિજ્ઞાસા અદમ્ય હોય છે. મહેનત કરવા માટે તે તત્પર હોય છે પરંતુ પછીના વર્ષોમાં તેને જે શીખવું હોય તે નહીં પરંતુ આપણે જે શીખવવું હોય એ શીખવવાનો આપણો પ્રયાસ અભ્યાસ માટેની તેની તત્પરતાને બુઠ્ઠી બનાવવા લાગે છે અને પછીનાં વર્ષોમાં તો તેને રોટલો રળવાનું યંત્ર બનાવવું હોય એમ અનેક આડી અવળી થપાટો આપણે લગાવીએ છીએ.

જ્યારે ચિત્રકાર કોઈ ચિત્ર બનાવે છે કે કારીગર કોઈ નમૂનો બનાવે છે ત્યારે સૌથી પહેલાં તે તેના મનમાં આકાર ધારણ કરે છે. કમનસીબે આપણી આવતી-કાલની પેઢીનો કોઈ આકાર આપણા મનમાં નથી. આપણી ભાવિ પેઢીનું ઘડતર આપણે જાણે આડેધડ કરી રહ્યા છીએ. પરિણામે પોતાના કોઈપણ દોષ વિના આપણા બાળકો નિરર્થક અભ્યાસક્રમ, અધકચરા શિક્ષકો અને અન્યાયી પરીક્ષા પદ્ધતિમાંથી પસાર થઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે કોઈક અજાણ્યો જ ઘાટ તેમણે ધારણ કર્યો હોય છે

અંગ્રેજો આપણા પર રાજ કરતા હતા ત્યારે તેમણે તૈયાર કરેલ અભ્યાસની પદ્ધતિ જ હજુ આપણે ત્યાં ચાલુ છે. તેમાં થોડું વિજ્ઞાન નાખી દેવાથી, થોડું ટેકનિક્લ જ્ઞાન ભરી દેવાથી, થોડા દેશભક્તિના કે સ્વાતંત્ર્યસેનાનીઓના પાઠો ઉમેરી દેવાથી કોઈ પાયાનો ફેરફાર થઈ જતો નથી.

અંગ્રેજોએ અભ્યાસની જે પદ્ધતિ અપનાવી હતી તેની પાછળ તેમનો ચોક્કસ હેતુ હતો. આવડા મોટા દેશ અને પ્રજા પર મુઠ્ઠીભર અંગ્રેજો રાજ કરી શકે તેમ નહોતા. તેમને કુહાડી માટે હાથાની જરૂર હતી. તેમને પોતાના અંકુશમાં રહે અને પોતાના નામે આવડા મોટા દેશને અંકુશમાં રાખે એવા ‘સાહેબો’ જોઈતા હતા. પટાવાળાથી માંડીને ઉચ્ચ કક્ષાના અમલદારો સુધી અંગ્રેજ હકૂમતનું પ્રતિબિંબ પાડે એવા માણસો જોઈતા હતા. એમની રહેણીકરણી અને વટથી અંજાયેલા રહીને શિસ્તબદ્ધ, તાબે થાય એવા માણસો જોઈતા હતા, એટલે એમણે આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ અખત્યાર કરી હતી પરંતુ હવે આપણે એ બધું કરવાની જરૂર છે ખરી? આપણે કોઈ પારકી પ્રજા પર રાજ કરવાનું છે? એ પ્રજાને આપણે કાબૂમાં રાખવાની છે? એને કચડીને નિર્માલ્ય બનાવવાની છે?

અને, જો એવું ન હોય તો દેશની નવી પેઢીનું એક જૂની પદ્ધતિથી ઘડતર કરવાથી દેશની સૂરત કઈ રીતે બદલી શકે?

અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને કારણે આપણે ત્યાં નોકરીની માનસિક્તા મોટે પાયે ઊભી થઈ અને આવી માનસિકતાને કારણે જ એન્જિનિયરથી માંડીને વાયરમેન સુધીનો ટેકનિકલ અભ્યાસ કરનાર વ્યક્તિ પણ કોઈક જાતનું સ્વતંત્ર કામ કરવાના બદલે એવા પ્રકારની નોકરી માટે જ તત્પરતા બતાવે છે. પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી કોઈ નાનકડું કારખાનું કે કોઈ સ્વતંત્ર કામ કરવાના બદલે પોતાના સર્ટિફિકેટનો ઉપયોગ કરીને કોઈક ટેક્નિકલ સંસ્થામાં શિક્ષક કે ઈન્સ્ટ્રક્ટર બની જવા ઈચ્છે છે.

આપણે દેશના વિકાસ માટે ફિકર કરીએ છીએ. વિજ્ઞાનમાં આગળ વધવાની યોજનાઓ કરીએ છીએ. ઉદ્યોગોને વિકસાવવાની ચિંતા કરીએ છીએ, કાયદો અને વ્યવસ્થાની પદ્ધતિમાં, વેપાર વિનિમયની પદ્ધતિમાં, ન્યાય પદ્ધતિમાં રહેલી ખામીઓ અંગે ચર્ચાઓ કરીએ છીએ પરંતુ આપણી શિક્ષણ પદ્ધતિમાં કેટલાક પાયાના ફેરફારો કર્યા વિના એ સિદ્ધ થઈ શકશે નહીં.

આવતીકાલનું ભારત આપણે કેવું સર્જવા માગીએ છીએ એની રૂપરેખા આપણી પાસે હશે, તો બાકીનું કામ સમય પૂરું કરી દેશે. આપણી પાસે જો સાચી દિશા હશે તો જ મંઝિલે પહોંચી શકીશું. જૂની જર્જરિત પદ્ધતિમાં નવાં નવાં થીગડાં મારવાથી એ થઈ શકશે નહીં.

ખામી આપણા વિદ્યાર્થીમાં નથી, ખામી આપણી શિક્ષણ પદ્ધતિમાં અને એના પરિણામરૂપ ઉદ્ભવેલી પરીક્ષા પદ્ધતિમાં છે.

આપણી શિક્ષણ પદ્ધતિ એને જીવનના પડકારોનો સામનો કરવા માટે સજ્જ કરવાને બદલે રોટીનો ટૂકડો શોધતો લાચાર માનવી બનાવી દે છે.

જિંદગી જીવવાનું અને જીતવાનું સાહસ તેનામાં પ્રેરવાના બદલે તેને સલામતી માટે સતત પ્રયત્નશીલ, ડરપોક, ભીરુ પ્રાણી બનાવી દે છે. આ સ્થિતિમાં ફેરફાર જરૂરી છે અને તાત્કાલિક જરૂરી છે.

અને, આપણે આશા રાખીએ કે શિક્ષણમાં ભવિષ્યમાં થનાર ફેરફારો બાળકના કોરા મનને મેલું કરનારા નહીં હોય અને એની જિજ્ઞાસાને કે એની મહેનત કરવાની તત્પરતાને વધુ પડતા નિરર્થક બોજાથી કચડી નાખે એવા પણ નહીં હોય.

નવા ફેરફારો એવા હોવા જોઈએ કે, જેમાં વિદ્યાર્થી, વિદ્યાર્થી તરીકેનું પોતાનું પોત જાળવી શકે અને સાચા અર્થમાં એ વિદ્યાર્થી બની શકે જેથી આપણા શિક્ષણક્ષેત્રની જ નહીં. સમાજની ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ આપોઆપ આવી શકે.

sanskar@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ખામી વિદ્યાર્થીમાં નથી, શિક્ષણ અને પરીક્ષાની પદ્ધતિમાં છે appeared first on Sandesh.



from Sanskar – Sandesh http://sandesh.com/in-defect-student-no-sh/
via Best Gujarati News

0 Comments