આજનો જમાનો કે પછી વો ભૂલી દાસ્તાં
તડકભડક :- સૌરભ શાહ
જૂનું જતું રહે એનો અફસોસ થાય છે? થવો જોઈએ. પણ એ અફસોસ કાયમી ન રહેવો જોઈએ. જૂના સાથેની આત્મીયતા હવે પૂરી થઈ એના અફસોસનો સ્વાદ માણી લઈએ પણ એની સાથે એ પણ વિચારીએ કે નવું કેટલું બધું આવી રહ્યું છે. આ બધામાંથી તમારા જીવનમાં પણ કંઈક ને કંઈક નવું પ્રવેશવાનું છે.
આ વિચાર મુંબઈના ઉપનગરમાં દાયકાઓ પહેલાં બંધાયેલા એક ભવ્ય નાટયગૃહના બંધ થવાના સમાચાર મળ્યા ત્યારથી, મહિનાઓથી, મનમાં ઘૂમરાતો હતો. એ ઓડિટોરિયમમાં કેટકેટલાં નાટકો જોયાં. મહાન ગુજરાતી અભિનેતાઓનો યુવાનીકાળ જોયો. કેટલાક આ દુનિયામાંથી પસાર થઈ ગયા, એમની શોકસભામાં થતી સ્મૃતિવર્ષા અનુભવી. હવે આમાંનું કંઈ જ નહીં? આ સવાલ ઉદાસ બનાવી દે. ભવિષ્યમાં એની જગ્યાએ ઊંચી ઈમારત બંધાશે. કદાચ એમાં કોઈક નાનકડું સભાગૃહ બાંધવામાં આવે. પણ તે પહેલાં જેવું તો નહીં જ હોય. જૂનું ગયું તે ગયું જ.
અફસોસમાં ગરક થઈને ઉદાસ થઈ જવું માણસને ગમતું હોય. નોસ્ટાલ્જિયાનો સ્વાદ માણવાનો સૌ કોઈને ગમે છે. સ્કૂલ છૂટી ગયા પછી કોલેજિયનો કેન્ટીનમાં બેઠાં બેઠાં સ્કૂલમાં કરેલી ધીંગામસ્તી યાદ કરે છે. નોકરી-ધંધે લાગી ગયેલા તરુણો રિ-યુનિયનની પાર્ટીમાં કોલેજની કેન્ટીનમાં કરેલી ધીંગામસ્તી યાદ કરતા રહે છે. નિવૃત્ત વડીલો નોકરી-ધંધા વખતના ‘સુવર્ણ દિવસો’ જિંદગીના શ્રેષ્ઠ દિવસો હતા એવું કહીને ‘અમારા જમાના’ને યાદ કરતા રહે છે.
જૂનું હવે નથી એનો અફસોસ કરીએ છીએ ત્યારે નવું જે કંઈ અનાયાસે જિંદગીમાં પ્રવેશ્યું છે એને એપ્રિશ્યેટ કરવાનું ભૂલી જઈએ છીએ. ગુજરાતી તરીકે હિસાબકિતાબમાં બહુ પાકા છીએ પણ અહીં સરવૈયું બનાવવામાં ગોટાળો થઈ જાય છે. જૂનાના અફસોસની સામે નવાનો આનંદ મૂકવાનું ભૂલી જઈએ છીએ.
એ જમાનામાં જીવનમાં કેટલી શાંતિ હતી, કોઈ ઉતાવળ કે ધાંધલ ધમાલ નહોતી એવો અફસોસ કરનારાઓ આજની ફાસ્ટ લાઈફને કોસતી વખતે ભૂલી જાય છે કે તે વખતે બાપાનું ડેથ થતું ત્યારે આઠગણા પૈસા ખર્ચીને કરવામાં આવતો લાઈટનિંગ કોલ આવતો. હવે જરાસરખી છીંક આવે તો બીજી જ સેકન્ડે વોટ્સએપ પર મેસેજ આવી જાય છે અને તમે પિતાની તબિયતના ખબર કાઢવા નેક્સ્ટ ફ્લાઈટ પકડી લો છો. એ જમાનામાં ફલાઈટ તો શું ટ્રેનનાં કનેકશન પણ નહોતાં-વતન જવા માટે અને જે કંઈ અર્જન્ટ ગોઠવણ કરવી પડે એ માટેનાં નાણાંકીય સાધનો પણ ક્યાં હતાં તમારી પાસે?
જૂનું જે વીતી ગયું છે એમાંનું ઘણું બધું મિસ કરીએ છીએ. કરવું જ જોઈએ. નવી લતા મંગેશકર તમને નથી જ મળવાની. નવો મદનમોહન કે નવો આર.ડી. પણ નહીં મળે. પણ એ જમાનામાં થિયેટરમાં દેખાડાતી ન્યૂઝ રીલમાં ત્રણ મિનિટ માટે ફિલ્મના અવોર્ડ ફંકશનમાં જે લતા, મદનમોહન કે આર.ડી. જોવા મળતા એને બદલે આજની તારીખે તમારા ઘરના ટીવી પર એવા અઢળક અવોર્ડ ફંકશનમાં લાઈવ પ્રસારણોમાં તમે તમારા ફેવરિટ ફિલ્મ-સ્ટાર્સ, ગાયકો, સંગીતકારો વગેરેને જોઈ શકો છો લહાવો શું અમૂલ્ય નથી? પણ આપણો સ્વભાવ થઈ ગયો છે, ‘હવે પહેલાંના જેવું રહ્યું નથી’- એવું બોલતાં બોલતાં અરીસા સામે ઊભા રહીને વાળને ડાઈ કરવાનો.
કન્ટેમ્પરરી અને યુથ. આજનો જમાનો અને યુવાની. આ બેઉ શબ્દો એકબીજાના પર્યાય છે એવું આપણે માની લીધું છે. પણ આમાં સત્ય પચાસ ટકા જેટલું જ છે. જે યુવાનો છે એમણે કન્ટેમ્પટરી રહેવું જ પડે છે કારણકે એમની પાસે આજના જમાનામાં રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. પંદર, પચ્ચીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરના લોકો ક્યાંથી સેવન્ટીઝ કે સિક્સ્ટીઝની વાતોને વાગોળી શક્વાના. યુવાનોએ સમકાલીન જ રહેવું પડે છે. એ એમની મજબૂરી છે અને એમનો પ્રિવિલેજ પણ છે. પાંત્રીસ કે પિસ્તાળીસ પ્લસના લોકો પાસે વિકલ્પ છે. શું એમણે કન્ટેમ્પટરી રહેવું છે કે પછી ‘અમારા જમાના’ની વાતોમાં ડૂબેલા રહેવું છે? જૂનાં વર્ષો જેવો સમય હવે નથી રહ્યો એવું કહીને અત્યારના જગતને કોસતી વખતે એટલું જરૂર યાદ રાખજો કે આજે તમે ધારો ત્યાં, ધારો તે ઘડીએ તમારા ફોન પર ફટાફટ ફોટા પાડી શકો છો એવું એ જમાનામાં શક્ય નહોતું. કેમેરા જ દરેક ઘરમાં નહોતા. અને જેમની પાસે હતા એમણે પણ રોલના ખર્ચા વધી ન જાય એટલે સાચવી સાચવીને એક-એક ફ્રેમ શૂટ કરવી પડતી. પછી રોલને ‘ધોવાના’ ખર્ચા. ડેવલપિંગની સાથે પ્રિન્ટના ખર્ચા. નાની પ્રિન્ટ કઢાવવી કે મોંઘી અને વખત જતાં એ તસ્વીરો ફાટી જાય, ઝાંખી પડી જાય, ખોવાઈ જાય એની પાછી ચિંતા.
ગણવા બેસીશું તો આવી હજારો સવલતોની યાદી બનશે. આધુનિક સમયના પ્લસ પોઈન્ટ્સને ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને નોસ્ટેલ્જિયામાં ડૂબી રહેવા કરતાં કન્ટેમ્પરરી બનીએ. યુથ તો કન્ટેમ્પરરી છે જ. પણ એમાં પચાસ ટકા જ સત્ય છે. બાકીનું ૫૦ ટકા સત્ય એ છે કે કોઈપણ ઉંમરની વ્યક્તિ આજના જમાના સાથે તાલ મિલાવી શકે એમ છે. જમાનો આગળ નથી વધતો, આપણે ત્યાંના ત્યાં ઊભા રહી જઈએ છીએ એટલે પાછળ રહી જઈએ છીએ. સમયનો તો સ્વભાવ જ છે સતત આગળ વધવાનો. સમયની સાથે તાલ મિલાવવાનો શ્રેષ્ઠ રસ્તો એક જ છે. સમયના વહેણમાં જે વહી ગયું છે એને પાછું પકડવાની કોશિશ કરવાને બદલે સમયની સાથે સાથે જે કંઈ નવું નવું આવે છે એનો આદર કરીએ, એને અપનાવીએ અને એમાંથી આનંદ મેળવીએ. પછી ભલેને બેકગ્રાઉન્ડમાં દૂર દૂરથી સંભળાતું રહેઃ ‘વો ભૂલી દાસ્તાં, લો ફિર યાદ આ ગઈ…’
- પાન બનાર્સવાલા
એ સૌથી શ્રેષ્ઠ સમય હતો, એ સૌથી ખરાબ જમાનો હતો. એ જમાનો ડહાપણનો હતો. એ ગાળો બેવકૂફીનો હતો. એ શ્રદ્ધાનો યુગ હતો. એ યુગ શંકા-કુશંકાનો હતો. એ પ્રકાશની ઋતુ હતી, એ અંધકારની ઋતુ હતી. એ વખતે ચારેકોર આશા જ આશાની વસંત હતી. એ વખતે સમગ્ર વાતાવરણ નિરાશાની પાનખરથી ઘેરાયેલું હતું.
- ચાર્લ્સ ડિકન્સ (‘અ ટેલ ઓફ ટુ સિટીઝ’માં)
www.facebook.com/Saurabh.a.shah
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આજનો જમાનો કે પછી વો ભૂલી દાસ્તાં appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/today-days-after-the-wo-forget-de/
via Best Gujarati News
0 Comments