ઓપિનિયન પોલ : દિલ કો ખુશ રખને કે લિએ ખયાલ અચ્છા હૈ
લાઈવ વાયર :- મયુર પાઠક
એક દિવસ પછી આખા દેશને જેનો ઇન્તેજાર છે તે ચૂંટણીના પરિણામો જાહેર થવાનાં છે. ૧૧ એપ્રિલથી દેશમાં શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા ૧૯ મે સુધી ચાલુ રહી. જુદા જુદા સાત તબક્કાઓમાં દેશના જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઇ અને હવે ૨૩મીએ જ્યારે મત ગણતરી કરાઇને પરિણામો બહાર પડવાના છે ત્યારે સ્વભાવિક છે કે કોણ જીત્યું? કોણ હાર્યું? અને દેશમાં કોની સરકાર બને છે તે અંગે જાણકારી મેળવવામાં લોકોને રસ પડે. લોકોની આ જાણકારી મેળવવાની ઇન્તેજારી ઉપર જ ઓપિનિયન પોલ બહાર પડે છે. આ ઓપિનિયન પોલ એક પ્રકારની આગાહી કરતા હોય છે કે કોણ જીતશે ને કોણ હારશે? આપણા દેશમાં જ્યોતિષીઓનું ચલણ સદીએ પુરાણું છે. જ્યોતિષ પણ એક જાતનું ગણિત હોવાનો દાવો તેના જાણકારો કરે છે. જ્યોતિષને આધારે ભવિષ્યકાળની આગાહી કરવામાં આવે છે. આજના ઓપિનિયન પોલ પણ ભવિષ્યની જ આગાહી કરતા હોય છે. જેમ જ્યોતિષમાં આંકડાઓનું મહત્વ છે તેમ ઓપિનિયન પોલ પણ આંકડાઓની રમત છે. તેમાં ડેટા એકઠા કરવામાં આવે છે અને પછી આ ડેટાના આધારે આગાહી કરવામાં આવે છે. જ્યોતિષ અને ઓપિનિયન પોલ બંનેનું કામ આગાહી કરવાનું છે પરંતુ બંને એક બીજાથી તદ્દન વિરુદ્ધ છે. જ્યોતિષને રૂઢિવાદી પરંપરાગત માઇથોલોજી સાથે જોડવામાં આવે છે અને આજનું વિજ્ઞાન તેને માનતંુ નથી. જ્યારે ઓપિનિયન પોલ એ આજની આધુનિક પદ્ધતિઓ, ડેટા, કોમ્પ્યૂટર, એનાલિસિસ, પ્રિડિક્શન પર આધારિત છે. આજનું વિજ્ઞાન તેને અનુમતિ આપે છે. જોકે પાછું બંનેમાં સામ્ય એ છે કે, જ્યોતિષ અને ઓપિનિયન પોલ બંને ખોટા પડી શકે છે.
દરેક ચૂંટણી વખતે ઓપિનિયન પોલ બહાર પાડતી એજન્સીઓ તેમનાં પ્રિડીક્શન્સ બહાર પાડે છે. પરંતુ પરિણામ આવ્યા પછી આ પ્રિડીક્શન્સ કેટલાં સાચાં અને કેટલાં ખોટાં પડયાં તે અંગેની જવાબદારી કોઇ લેતું નથી. ભારત જેવા વિશાળ દેશમાં જેની વસ્તી ૧૨૫ કરોડથી વધારે છે તે દેશમાં ચૂંટણી અંગેનું પ્રિડીક્શન કરવું એ ખૂબ જ અઘરી અને લગભગ અશક્ય બાબત છે. ઓપિનિયન પોલ કરતી એજન્સીઓ દરેક મતદાન ક્ષેત્ર પર માણસો મોકલીને ડેટા એકઠા કરે તો તેમની પાસે ખુબ જ મોટો મેન પાવર અને મની પાવર જોઇએ. જે ખર્ચવાની કોઇની તૈયારી હોતી નથી. પરિણામે લોકો સમક્ષ જે ઓપિનિયન પોલના આંકડા બહાર આવે છે તે મોટા ભાગે એક સેમ્પલ સરવે હોય છે. એક રાજ્યની બે કે ત્રણ બેઠકો પરથી ડેટા એકઠા કરવામાં આવે છે અને એ ડેટાના આધારે અનુમાન લગાવીને આગાહી કરવામાં આવે છે. ડેટા એકઠા કરનાર સ્ટાફને પણ મતદારો સાચી વાત કહે તે જરૂરી નથી. દેશના મતદારો કોણે મત આપ્યો તે અંગે ભારે સિક્રેટિવ હોય છે. ગુપ્ત મતદાનને જાહેર કરવાની વાત પર તેઓ સંવેદનશીલ હોય છે અને પરિણામે પૂછનારને શું ગમશે તેવા જવાબો મતદારો આપતા હોય છે. આ સંજોગોમાં ઓપિનિયન પોલ મોટા ભાગે સાચા પડતા નથી.
દેશમાં જે ઓપિનિયન પોલ થયા તે અંગે એક સ્ટડી હાથ ધરવામાં આવી અને તેના પરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે ઓપિનિયન પોલના પરિણામો રિયાલિટીથી ઘણા દૂર રહ્યાં છે. ૧૯૯૮-૯૯ની ચૂંટણીઓમાં આગાહી કરવામાં આવી તેમાં ૧૦-૨૦ બેઠકોનો ફરક હતો. ૨૦૦૯ ચૂંટણીમાં આ ફરક વધીને ૨૫ થી ૬૦ બેઠકો સુધી પહોંચી ગયો. જયારે ૨૦૧૪ની ચૂંટણીમાં આગાહી અને પરિણામો વચ્ચે ૫૦ થી ૧૦૦ બેઠકોનો ફરક હતો.
એ ચૂંટણીમાં કોઈ ઓપિનિયન પોલવાળાએ ગ્દડ્ઢછ ને ૨૨૫ બેઠક મળશે તેવી આગાહી કરી ન હતી. બધા જ ઓપિનિયન પોલનો સરેરાશ આંકડો ૩૩૪ ઉપર આવીને અટકતો હતો. આગાહી અને પરિણામ વચ્ચે જ્યારે ૧૦૯ બેઠકોનો તફાવત હોય ત્યારે ઓપિનિયન પોલની ખરેખર પોલ ખુલતી હોય તેવું જણાઈ આવે છે. ૨૦૧૭માં થયેલ પાંચ વિધાનસભાની ચૂંટણીમાં પણ ઓપિનિયન પોલની પોલ ખૂલી ગઇ હતી. પંજાબની ૧૧૭ બેઠકોમાં કોંગ્રેસ ૭૭ બેઠકો જીતશે તેવી કોઇએ આગાહી ન હતી. કોંગ્રેસ માટે ૫૪, ૪૧, ૬૨, ૫૫ જેવી બેઠકો મળશે તેવી જુદી જુદી ચાર એજન્સીઓએ આગાહી કરી હતી જે ખોટી પડી હતી. આવી જ રીતે આપ પાર્ટી પંજાબમાં ૪૨થી ૫૧ બેઠકો મેળવશે તેવી મોટી મોટી આગાહીઓ કરાઇ હતી. પરંતુ આપ ને માત્ર ૨૦ બેઠકો મળી હતી. જ્યારે અકાલીદળ અને ભાજપના ગઠબંધનને ૯,૫,૪, ૭ બેઠકો મળશે તેવું જુદા જુદા ઓપિનિયન પોલમાં કહેવાયું હતું. જ્યારે અકાલી-ભાજપ ગઠબંધનને ૧૮ બેઠકો મળી હતી. આવું યુપી વિધાનસભાની ચૂંટણીમાં થયું હતું. કોઇ ઓપિનિયન પોલવાળાઓએ યુપીની ૪૦૩ બેઠકોમાંથી ભાજપને ૩૨૪ બેઠકો મળશે તેવી આગાહી ન હતી કરી. ૬ ઓપિનિયન પોલ તરફથી ભાજપને ૨૮૫, ૧૫૫,૨૫૧, ૧૮૫, ૧૯૦, ૧૬૪ બેઠકો મળશે તેવી આગાહી કરાઇ હતી. પરંતુ પરિણામ કઇક જૂદું જ આવ્યું. આ તમામ ઓપિનિયન પોલવાળાઓએ સપા અને કોંગ્રેસના ગઠબંધન અંગે ૮૮ થી ૧૬૯ બેઠકોની આગાહી કરી હતી. જ્યારે સપા – કોંગ્રેસ ગઠબંધનને માત્ર ૫૪ બેઠકો મળી હતી. એવી જ રીતે બસપા માટે ૨૭ થી ૯૩ બેઠકોની આગાહીઓ થઇ હતી. પરંતુ બસપાને માત્ર ૧૯ બેઠકો મળી હતી.
આ બધા આંકડા બતાવે છે કે કોઇ ઓપિનિયન પોલવાળા જો મૂછે તાવ દઇને ફરતા હોય તો તેમના કાન પકડી શકાય છે.
આમ ઓપિનિયન પોલને સચ્ચાઇ સાથે મોટા ભાગે લાગતું વળગતું નથી. ક્યારેક ઓપિનિયન પોલ સચ્ચાઈની નજીક આવી જાય ત્યારે આ એજન્સીઓ કોલર ઊંચા રાખીને ફરતી હોય છે. પરંતુ તેમનો ભૂતકાળ તપાસીએ તો આ એજન્સીઓને શરમના માર્યા પાણીમાં ડૂબવાનો સમય આવી શકે છે.
શોર્ટસર્કિટ
દેશના મતદારોનું મન ઓપિનિયન પોલવાળા કરતાં સટ્ટાબજાર વાળા વધારે પારખતા હોય તેવું ઘણી વખત બન્યું છે. ઓપિનિયન પોલવાળા ઘણી વખત ખોટા પડે છે, પરંતુ સટ્ટાબજાર વાળા ભાગ્યે જ ખોટા પડે છે. કારણ કે સટ્ટાબજાર વાળાને સામે પૈસા ચૂકવવાના હોય છે, જ્યારે ઓપિનિયન પોલ વાળાઓને ખીંટીએ પોતિયાં હોય છે.
mayur.pathak@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઓપિનિયન પોલ : દિલ કો ખુશ રખને કે લિએ ખયાલ અચ્છા હૈ appeared first on Sandesh.
from Ardha Saptahik – Sandesh http://sandesh.com/opinion-paul-dil-co-happy-rakhan/
via Best Gujarati News

0 Comments