મેનેજમેન્ટ ગુરુ :-  સરદાર

ગાંધીજીની હત્યાના ચાર દિવસ બાદ નેહરુએ સરદારને ૩ ફેબ્રુઆરી, ૧૯૪૮ના રોજ એક હૂંફાળો પત્ર લખ્યો અને સરદારે તરત તેના જવાબમાં પાંચમી ફેબ્રુઆરી નેહરુને હૂંફાળો પ્રતિસાદ આપતો પત્ર લખ્યો અને અંતમાં નોંધ્યું કે…

આપણે એકવાર લંબાણથી વાત કરી આપણાં મનમાં જે કાંઈ શંકા કે મુશ્કેલીઓ હોય તે કાઢી નાખવા માટે પણ વહેલી તકે સમય કાઢવો જોઈએ… જેટલા વહેલા આપણે આ વાતને નિર્મૂળ કરી નાખીએ અને ધૂંધળા વાતાવરણને સ્વચ્છ કરી નાખીએ એટલું વધારે સારું.

આને કહેવાય મહાનતા. આ બન્ને મહારથીઓએ દેશના હિતને સૌથી મહત્ત્વનું ગણીને પોતાના આંતરિક કલહને પાછળ ધકેલી દેવા બાબતે સંયુક્તપણે જે તૈયારી અને ઉત્સાહ દાખવ્યાં તે તેમની મહાનતા સાબિત કરનારાં હતાં.

ગાંધીહત્યા બાદ બન્ને નેતાઓએ એકમેકને સહકાર આપવાનો જે અભિગમ નિષ્ઠાપૂર્વક અપનાવ્યો તેની એક સાબિતી નેહરુનો આ પત્ર હતો, જેમાં એમણે પોતાને પડતી તકલીફના મામલે સરદાર સમક્ષ હૈયું ઠાલવ્યું.

સરદાર પર જવાહરલાલ નેહરુનો પત્ર

(થોડોક ભાગ)

૨૦ ફેબ્રુઆરી, ૧૯૫૦

છેલ્લા થોડા દિવસથી, આપણે કારોબારીમાં અને બીજે મળ્યા છીએ પણ, તમારી સાથે નિરાંતે વાત કરવાનો પ્રસંગ મને મળ્યો નથી. મારું મન ઘણું ક્ષુબ્ધ થયેલું છે અને વિચાર તથા ક્રિયાના અનેક માર્ગો શોધી રહ્યું છે. આ નિઃશંક રીતે ઘણા બનાવોની પરાકાષ્ઠા છે… એ બનાવો પોતે બહુ મહત્ત્વના નહીં હોય, અને છતાં એનું મહત્ત્વ એટલા માટે છે કે હું જેને ખૂબ નુકસાનકારક ગણું છું એવી દિશાના વલણના એ દ્યોતક હતા. એ બનાવો હું જેને વિવિધ પ્રશ્નો પ્રત્યેના અભિગમમાં મારા અને પક્ષ વચ્ચેના પાયાના મતભેદો કહું તેના પણ દ્યોતક હતા. હું ધારું છું કે આપણી થોડીક તકલીફો ચોક્કસપણે અભિગમના તફાવતને લીધે ઊભી થાય છે. એટલે ઘણી બધી વાર આપણે જે કરીએ છીએ તેનાથી પક્ષ અસંતુષ્ટ રહે છે. પણ એ સાથે પક્ષ આ મડાગાંઠમાંથી બહાર નીકળવાનો સ્વાભાવિક માર્ગ શોધતો નથી. એ સમગ્ર જૂથરૂપે આપણી તરફેણમાં મતદાન કરે છે અને છતાં આપણી કડવી ટીકા પણ કરે છે. ટીકાનો બહુ વાંધો ન હોય. પણ કેટલાક ભાષણો તો એવાં થયેલાં જે સરકારની પ્રતિષ્ઠાને હાને પહોંચાડે એટલું જ નહીં પણ જનતા પર ખરાબ અસર પાડે…

પક્ષને સંબંધ છે ત્યાં સુધી, તે સરકારની નીતિઓ અને પ્રવૃત્તિઓનો સંપર્ક ગુમાવી રહ્યો છે એટલું જ નહીં પણ આ પ્રશ્નો પ્રત્યેના મારા પોતાના અભિગમથી પક્ષ વધુ ને વધુ દૂર ખેંચાતો જાય છે. હું ધારું છું કે ભારતમાં મોટામાં મોટી સમસ્યા ભારત-પાકિસ્તાન સમસ્યા છે. આ સમસ્યા કાશ્મીરથી પૂર્વ બંગાળ સુધી લંબાય છે. જોકે બંનેના પ્રશ્નો જુદા છે. હું માનું છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના પરિણામો ખતરનાક હશે એટલે યુદ્ધ આપણા પર ઠોકી બેસાડવામાં ન આવે તો આપણે યુદ્ધથી દૂર રહેવું જોઈએ. તે સાથે સંજોગો એ પણ માગે છે કે પાકિસ્તાન પ્રત્યેની આપણી નીતિ સ્પષ્ટ અને દૃઢ હોવી જોઈએ. પક્ષે એનાં ભાષણોથી વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનની બાબતમાં આપણે કરેલું ઘણું એને મંજૂર નથી. હવે આ બહુ જ મહત્વની બાબત છે અને પક્ષે કરેલી ઘણી ટીકાઓથી હું તદ્દન જુદો પડું છું. આ મતભેદ પાયાનો છે. જો એમ હોય તો પક્ષના સભ્યોને મંજૂર ન હોય એવી કોઈ નીતિની દોરવણી ચાલુ રાખવી મારે માટે અયોગ્ય છે. બીજી બાજુ, અત્યંત મહત્ત્વના પ્રશ્નો ઉપર હું મારાં પોતાનાં દૃઢ મંતવ્યોની વિરુદ્ધ કામ કરી શકું એ પણ ન બની શકે. પરિણામ એ આવ્યું છે કે હું આખોયે વખત પક્ષની સાથે કે ક્યારેક તો પુનર્વસવાટ ખાતાની કેટલીક પ્રવૃત્તિઓ સાથે પણ નાની નાની અથડામણમાં આવી પડું છું.

સમસ્યા પ્રત્યેનો આ નકારાત્મક અભિગમ છે. વિધાયક અભિગમ (એ છે કે) બંને બંગાળમાં થોડોક સમય ગાળવાની મારી પ્રબળ અને ઉત્કટ ઈચ્છા છે. લિયાક્તઅલી ખાન સાથે જે સંયુક્ત પ્રવાસ મેં સૂચવ્યો છે તેનાથી આ જુદી જ વાત છે. મને લાગે છે કે હું ત્યાં કંઈક ફેર પાડી શકું, અને એ પણ અત્યંત અગત્યનું છે કે આપણે બંગાળની સમસ્યામાં આપણી જાતને ડૂબી જવા ન દઈએ. આથી હું એવા નિર્ણય પર આવું છું કે મારે સત્તા પરથી ઊતરી જવું અને જે બે બાબતમાં હું મદદરૂપ થઈશ એમ માને લાગે છે તેમાંથી એકમાં લાગી જવું. મુખ્ય બાબતો બંગાળની સમસ્યા અને કાશ્મીર હશે. વડાપ્રધાન તરીકે હું આ ન કરી શકું, ખાસ કરીને તો એટલા માટે કે પક્ષનાં મંતવ્યો મારાં પોતાનાં મંતવ્યો સાથે મળતાં આવતાં નથી. વળતો પ્રહાર કરવાની માગણી અને પાકિસ્તાનીઓ હિંદુઓને શિક્ષા કરે છે માટે તેમને બદલે ભારતના મુસ્લિમોને શિક્ષા કરવાની માગણી સતત ચાલ્યા કરે છે. આ દલીલ મને જરા પણ વાજબી લાગતી નથી. મને ખાતરી છે કે વળતા પ્રહારની અને પાડાના વાંકે પખાલીને ડામ દેવાની આ નીતિ ભારત અને પાકિસ્તાન બંનેને પાયમાલ કરશે. આપણે આઘાત અને પ્રત્યાઘાતોની એક શ્રેણી ચાલુ કરી છે અને એક પક્ષ એ શ્રેણી તોડીને બહાર નહીં નીકળે ત્યાં સુધી આપણે આ આફતોને કદી દૂર કરી શક્વાના નથી.

મારી વિચારણા માટેનાં કેટલાક કારણો તમને બતાવવાનો હું પ્રયત્ન કરું છું. પણ વાસ્તવમાં તો મારો વિચાર, મેં દર્શાવ્યું છે તેમ, અત્યારે કંઈક કાર્ય કરવાની મારામાં રહેલી પ્રબળ વૃત્તિથી જોરશોરથી દોરવાય છે. મેં બધી સાધક-બાધક દલીલો વિચારી જોઈ છે અને મને સમજાઈ ગયું છે કે હું કંઈ પણ કરીશ તો પણ અમુક ગૂંચવાડો તો તેનાથી ઊભો થવાનો જ. પણ સમગ્ર રીતે તુલના કરતાં મને પૂરી પ્રતીતિ થઈ છે કે આજે હું જે જાહેર પદ ધરાવું છું તે પરથી હું દેશનું હિત જેટલું કરી શકું તે કરતાં ખાનગી વ્યક્તિ તરીકે તેની ઘણી વધારે સારી સેવા કરી શકું. જો પૂર્વ અને પિૃમ બંગાળમાં હું કોઈ ખરેખરા ઉપયોગમાં આવું તો તે ખરેખર મોટી સેવા થાય. મારે એનો પ્રયાસ કરવો છે. મારે પક્ષની અંદરના આ સતત કંકાસનો અને અવારનવાર એકબીજાને અણગમતી વાતો કરી ગુસ્સે કરવાની પરિસ્થિતિનો પણ અંત લાવવો છે. ભાવિ વિશેનાં બીજાં દૃષ્ટિબિંદુથી પણ હું જે સૂચવું છું તેનું ઘણું મહત્ત્વ છે.

મને કેવી લાગણી થાય છે તે વિશે મેં તમને ખુલ્લા દિલે વાત કરી છે, અને હું ફરી કહેવા ઈચ્છું છું કે મારું માનસિક બંધારણ જ એવું છેકે ઉપર મેં સૂચવ્યું છે તેવું કોઈક પગલું ન લેવું તે મને વધારે ને વધારે મુશ્કેલ લાગતું જાય છે.

નેહરુની આ મૂંઝવણ જાણતાંની સાથે જ સરદારે તરત જે વળતો પત્ર પાઠવ્યો તેમાં સાચો સાથી કોને કહેવાય અને આદર્શ વહીવટી કોને કહેવાય તેનો અંદાજ મળી શકે છે. સરદારે લખ્યું…

૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૦

…તમે આટલા બધા અકળાયેલા અને ક્ષુબ્ધ થયેલા છો એવી લાગણીથી હું બહું દુઃખી થયો છું. મને તમે જરા પણ સંકેત આપ્યો હોત તો હું તમારા મનને હળવું કરવા તમારી સાથે ચર્ચા માટે ચોક્કસ દોડી આવ્યો હોત. તમારા મન પર જે વેદનાનો ભાર રહે છે તે હું સમજી શકું છું પણ ગૂંચવાડામાં વધુ ગૂંચવાડો ઊભો કરે એવું કંઈ આપણે ન કરવું જોઈએ અને આ બાબતો વિશે શાંતિથી વિચાર કરવો જોઈએ. મને લાગે છે કે આપણે મળીને ચર્ચા કરવી જોઈએ. તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે હું આવી શકીશ.

(ક્રમશઃ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જ્યારે નેહરુએ ખૂલીને સરદાર સમક્ષ વ્યથા ઠાલવી… appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/when-nehru-khullen-sardar/
via Best Gujarati News

0 Comments