રોકાણકારોની લેવાલી વધતાં શેરબજારમાં તેજીની આગેકૂચ
। મુંબઈ ।
ભાજપના ચૂંટણી વિજયને વધાવવાનું ચાલુ રાખી રોકાણકારોની વ્યાપક ખરીદીને પગલે શેરબજારમાં સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. બેન્કિંગ, ઓટો અને એનર્જી કંપનીઓની આગેવાનીએ શેરબજાર વધ્યું હતું. ચીન, જાપાન અને કોરિયાના શેરબજારોમાં મિશ્ર કામકાજ જોવાયું હતું. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૪૮.૫૭ પોઇન્ટ વધી ૩૯,૬૮૩.૨૯ અને નિફ્ટી ૮૦.૬૫ પોઇન્ટ વધી ૧૧,૯૨૪.૭૫ ઉપર બંધ થયા હતા.
સેન્સેક્સમાં એચડીએફસી, એચડીએફસી બેન્ક, લાર્સન, તાતા સ્ટીલ અને એસબીઆઈ વધ્યા હતા જ્યારે રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, એશિયન પેઇન્ટ, ભારતી એરટેલ અને બજાજ ઓટો ઘટયા હતા. ફોર્સે મોટર્સનો ચોખ્ખો નફો ૩૫.૩ ટકા ઘટી રૂ.૩૯.૨ કરોડ થયો હતો. કંપનીની આવક વધીને રૂ.૧,૦૬૦.૩૦ કરોડ થઈ હતી. ભેલનો નફો ૪૯ ટકા વધી રૂ.૬૮૩ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૪૫૭.૩ કરોડ હતો. કંપનીની આવક વધીને રૂ.૧૦,૨૯૭ કરોડ થઈ હતી. લાર્સનનો શેર ઇન્ટ્રા ડેમાં ૨.૫ ટકા વધી રૂ.૧,૫૮૦ની નવી સપાટીએ પહોંચ્યો હતો. ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ પૂર્વે ઇન્ડિગોનો શેર એક ટકો વધીને રૂ.૧,૬૩૫ થયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર એક ટકો વધી રૂ.૪૩૬ની નવી સપાટીને સ્પર્શ્યો હતો. પેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૧૩ ટકા ઘટી રૂ.૧૯,૧૧૧ થવા સાથે બાવન સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. ગ્રાસિમનો શેર ૫.૫ ટકા વધી રૂ.૯૫૯.૮૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો જે ૨૦૧૮ના ઓક્ટોબર બાદ સૌથી વધુ ભાવ દર્શાવે છે.
સેકસોફ્ટનો ચોખ્ખો નફો ૪૨૧.૧ ટકા વધી રૂ.૧૦.૬ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે રૂ.૭.૫ કરોડ હતો. કંપનીની આવક વધીને રૂ.૯૩.૭ કરોડ થઈ હતી. પીએસપી પ્રોજેક્ટનો ચોખ્ખો નફો ૩૧ ટકા વધી રૂ.૩૦.૧ કરોડ થયો હતો. આવક ૨૮.૩ ટકા વધી રૂ.૩૩૮.૩૦ કરોડ થઈ હતી. મધરસન સુમીનો ચોખ્ખો સંગઠિત નફો ૨૦.૯ ટકા ઘટી રૂ.૪૧૦ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૫૧૮.૪૦ કરોડ હતો. રામકૃષ્ણ ફોર્જિંગ્સનો ત્રિમાસિક ગાળાનો નફો ૨૭.૪ ટકા ઘટી રૂ.૨૪.૯ કરોડ થયો હતો. કંપનીની આવક વધીને રૂ.૪૪૩.૩૦ કરોડ થઈ હતી.
લુપિનના ગોવાના પ્લાન્ટ માટે અમેરિકી એફડીએના બે અવલોકનને પરિણામે શેર એક તબક્કે ૫.૭ ટકા ઘટી રૂ.૭૨૦ ઉપર પહોંચ્યો હતો. અશોક લેલેન્ડનો શેર એક તબક્કે ૪.૫ ટકા ઘટી રૂ.૮૯.૫૫ થયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ.૨,૦૨૬.૩૩ કરોડના શેર્સની ખરીદી કરી હતી જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૧૯૫.૩૩ કરોડના શેર્સ વેચ્યા હતા.
મનપસંદ બેવરેજિસના ૩ ડાયરેક્ટરોના રાજીનામા
મનપસંદ બેવરેજિસના મેનેજિંગ ડાયરેક્ટર અભિષેકસિંઘ અને સીએફઓ પરેશ ઠક્કરની જીએસટી છેતરપિંડીના આક્ષેપો અંગે ધરપકડ કરવામાં આવી હતી તેને પગલે કંપનીના ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરો ભરત વ્યાસ અને ધ્રુવ અગ્રવાલે રાજીનામા આપ્યાં તે સાથે રાજીનામા આપનારા ડાયરેક્ટરોની સંખ્યા ત્રણ ઉપર પહોંચી હતી. કંપનીના શેરમાં ૨૦ ટકાની નીચલી ર્સિકટ લાગી હતી.
રિલાયન્સના માર્કેટ કેપમાં રૂ.૪૫,૦૬૯.૬૬ કરોડનો વધારો
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર વિજય બાદ શેરબજારમાં જોવાયેલી ઝંઝાવાતી તેજીને પરિણામે સેન્સેક્સની ટોચની ૧૦ કંપનીઓ પૈકી ૭ કંપનીઓનું માર્કેટ ગયા સપ્તાહે રૂ.૧.૪૨ લાખ કરોેડ વધ્યું હતું. ગયા શુક્રવારે પૂરા થતા સપ્તાહમાં ૭ કંપનીઓનાં માર્કેટ કેપમાં વધારા પૈકી સૌથી વધુ વધારો રિલાયન્સના માર્કેટ કેપમાં જોવાયો હતો. રિલાયન્સનું માર્કેટ કેપ રૂ.૪૫,૦૬૯.૬૬ કરોડ વધીને રૂ.૮,૪૭,૩૮૫.૭૭ કરોડ ઉપર પહોંચ્યું હતું.
ગેઇલ દ્વારા ૧ : ૧ બોનસ
ગેઇલનો માર્ચ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ૩૩.૨ ટકા ઘટી રૂ.૧,૧૨૭.૨૦ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂપિયા ૧,૬૮૧.૨૦ કરોડ હતો. કંપની દ્વારા ૧ : ૧ બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત કંપનીએ શેર દીઠ રૂ.૧.૭૭ના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરી હતી.
પીએસયુ બેન્કના શેર્સ ઝળક્યા
એસબીઆઈ, જે એન્ડ કે બેન્ક, સિન્ડિકેટ બેન્ક અને યુનિયન બેન્ક જેવી પીએસયુ બેન્કના શેર્સ ઝળક્યા હતા. કામકાજની શરૂઆતમાં નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૧.૫ ટકા ઊંચો જોવાયો હતો.
અમેરિકી ડોલર સામે રૂપિયો વધ્યો
ફોરેક્સ માર્કેટમાં શરૂઆતના કામકાજમાં અમેરિકી ડોલર સામે રૂપિયો ૧૯ પૈસા વધ્યો હતો અને દિવસના અંતે ડોલર સામે રૂ.૬૯.૪૯નો ભાવ મુકાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રોકાણકારોની લેવાલી વધતાં શેરબજારમાં તેજીની આગેકૂચ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/investors-buying-increases/
via Best Gujarati News
0 Comments