સુરત અગ્નિકાંડ મુદ્દે અગ્રસચિવ મુકેશ પુરીનાં રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
22 વિદ્યાર્થીઓ આગમાં ભડથું થયા બાદ રાજ્ય સરકારની ઉંઘ ઉડી છે રાજ્યની ફાયર સેફ્ટીની સુવિધા વગરની 9335 બિલ્ડિંગોને ફાયર સુવિધાના અભાવના કારણે શો કોઝ નોટિસ અપાઈ છે ત્યારે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સુરતની ઘટનાની સમીક્ષા માટે બેઠક મળી હતી. અને આ અગ્નિકાંડ અંગે શહેરી વિકાસ અગ્રસચીવ રિપોર્ટ સોંપશે તેવી માહિતી આપવામા આવી હતી. સુરત જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે અંગે રણનીતિ પણ ઘડવામાં આવી હતી. સંબંધિત વિભાગોના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતાં.
જોકે થોડા સમય બાદ સુરત અગ્નિકાંડ મુદ્દે અગ્રસચિવ મુકેશ પુરીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પોતાના રિપોર્ટ અંગે કેટલાક મહત્વનાં ખુલાસાઓ પણ કર્યા હતાં.
મુકેશ પુરીએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ સુરત જઈને સમગ્ર ઘટના અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે જરૂરી હતા તેવા તમામ દસ્તાવેજોની તપાસ કરાઈ છે. અને દરેક પાસાઓ તપાસવામાં આવ્યા છે. આ દમરિયાન સમગ્ર ઘટના વિશે મીડિયામાં જે માહિતી સામે આવી હતી તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. સુરત અગ્નિકાંડ વિશે મહત્વનો ખુલાસો કરતા મુકેશ પુરીએ કહ્યું કે, ‘બિલ્ડીંગના પાછળના ભાગમાં ACના આઉટપુટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી’ અને ફ્લેક્સ બેનરના કારણે આગ ચોથા માળ સુધી પહોંચી ગઇ હતી ને જોતજોતામા આગે વિકરાળ સ્વરૂપણ ધારણ કરી લીધું હતું જેના કારણે 22 માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો. હાલમાં 15 લોકો સારવાર હેઠળ છે.
ત્યાં જ આગ વધવાનું કારણ એ હતું કે ક્લાસિસમાં બેસવાની વ્યવસ્થા માટે ટાયર્સ રાખવામાં આવ્યા હતા. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બિલ્ડિંગનાં ચોથા માળ પર ડોમ બનાવવામાં આવ્યો હતો જે ગેરકાયદેસર હતો. તક્ષશીલામાં આગની ઘટના ઘટી ત્યારે બાળકો ઉપરાંત બે શિક્ષકો પણ હાજર હતા. ક્લાસિસમાં ત્રીજા અને ચોથા માળે પહોંચવા લાકડાની એક જ સીડી હતી. મહત્વની વાત એ છે કે, ડોમ બનાવ્યુ હતું ત્યાં કોઈ વેન્ટિલેશન જ નહોતું, ધૂમાડાને બહાર નીકળવાની કોઈ જગ્યા જ નહોતી. ઇમારત સ્ટ્રક્ચરમાં માત્ર ત્રણ ફ્લોર જ દર્શાવ્યા હતા બીજુ બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હતું.
મહત્વની વાત એ છે કે, ઈમારતને મંજૂરી આપતા સમયે એસએમસીના એન્જીનિયરે તપાસ નહોતી કરી અને પોતાનું કામ નિષ્ઠાથી કર્યુ નહતું. સુરતમાં 900થી વધુ મિલકતોનો સરવે કરવામાં આવ્યો હતો પરતું સરવે દરમિયાન આ એક જ બિલ્ડીંગ રહી ગઈ. તે પણ ગંભીર બાબત છે.
આ સાથે જ મુકેશ પુરીએ જણાવ્યું કે હવે રાજ્યમાં ફ્લેક્સ બેનર અંગે પણ નિયમો નક્કી કરવામાં આવશે. આ સાથે જ મુકેશ પુરીએ સ્વિકાર્યું હતું કે સુરતમાં અગ્નિકાંડ થયો ત્યારે ચોથા માળ સુધી પહોંચે એવી ફાયરની સિસ્ટમ મોજુદ નહોતી. રાજ્યની અનેક મનપામાં ફાયરનો પુરતો સ્ટાફ જ નથી! આમ રાજ્યમાં સરકારી સ્થિતી આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતિ છે.
અગ્નિકાંડ માટે જવાબદાર લોકો
આ હત્યાકાંડ માટે જવાબદાર માત્ર ગેરકાયદે બાંધકામ કરનાર બિલ્ડર જિગ્નેશ પાઘડાળ, હરસુખ વેકરીયા કે ભાર્ગવ બૂટાણી જ નથી, પરંતુ એ તમામ માથાઓ છે જેના પર સુરતે વિશ્વાસ રાખ્યો હતો. કે જે નપુંસકોને પોતાના ખિસ્સાઓ જ ભરવામાં રસ હતો.
આવા લાલચના ગુલામ નપુંસક લોકોમાં મ.ન.પા અને વીજ કંપનીના અધિકારીઓ પણ સામેલ છે. આ ગુનાનું મુખ્ય મૂળ શરૂ થાય છે વીજ કંપનીથી જેણે હજુ તો મ.ન.પા આ બિલ્ડિંગની મંજૂરી આપે કે ન આપે તે પહેલા તો વીજ જોડાણ આપી દિધા. અને આ જ વીજ જોડાણના જોર પર બિલ્ડિંગની આગળની કાર્યવાહી થઇ ગઇ. નિર્મલનગર સોસાયટીના કોમન પ્લોટમાં કોઇપણ જાતની પરવાનગી વિના તક્ષશિલા આર્કેડ ઉભુ કરી દેવાયું. જેને 2013માં સરકારી ચોપડા પર 83 હજારની ઇમ્પેક્ટ ફી અને પાછળના દરવાજેથી કરોડોના વહિવટ થઇ ગયા બાદ કાયદેસર કરી દેવામાં આવી. સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ ઉભુ થઇ જાય, તેને વીજ જોડાણ મળી જાય, તેમા વીજ વપરાશ દિવસે-દિવસે વધતો જાય, બિલ્ડિંગના માળ પર માળ ચણાતા જાય અને વર્ષો સુધી ન તો મનપાને, ના તો વીજ કંપનીને, ના તો સ્થાનિક રહીશોને, કે ના તો સોસાયટીના સત્તાધિશોને… કોઇને પણ પોતાની નૈતિક ફરજ ન સમજાઇ. એનું જ પરીણામ મળ્યું કે, 22 નિર્દોષ જિંદગીઓ એમના ભ્રષ્ટાચારના ભોરિંગમાં આગમાં લપેટાઇને ખતમ થઇ ગઇ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરત અગ્નિકાંડ મુદ્દે અગ્રસચિવ મુકેશ પુરીનાં રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/chief-secretary-mukesh-puri-report-on-surat-fire-tragedy/
via Best Gujarati News
0 Comments