સંસદમાં હાજરી ઓછી અને કામ વધારે કરતા ભારતના સેલિબ્રિટી સાંસદો…!
૧૬મી લોકસભાના સેલિબ્રિટી સાંસદો જેમ કે ફિલ્મ કલાકારો ગાયકો વગેરેની સંસદમાં હાજરી ઓછી રહી, ખૂબ ગણતરીની ચર્ચામાં ભાગ લીધો હશે, સંસદમાં પ્રશ્નો પણ ખૂબ ઓછા પૂછયા પરંતુ તેમના મતવિસ્તારના વિકાસ માટેના ભંડોળખર્ચના મોરચે સરેરાશ સાંસદ કરતાં તેઓ આગળ રહ્યા છે. ૧૬મી લોકસભાના આવા ૧૯ સેલિબ્રિટી સાંસદો વિષે થયેલી સમીક્ષાના તારણો રસપ્રદ છે.
સામાન્ય સાંસદોએ સરેરાશ ૨૯૩ પ્રશ્નો પૂછયા હતો તો આપણા સેલિબ્રિટી સાંસદોની પ્રશ્ન પૂછવાની સરેરાશ ૧૦૧ રહી
સંસદીય ચર્ચાની વાત કરવામાં આવે તો ૧૬મી લોકસભાના સાંસદોએ સરેરાશ ૬૭ ચર્ચામાં ભાગ લીધો તો તેના મુકાબલે આપણા સેલિબ્રિટી સાંસદોએ સરેરાશ ૨૨ ચર્ચામાં ભાગ લીધો હતો. માત્ર એક સાસંદે સૌથી વધુ ૧૦૭ સંસદીય ચર્ચામાં ભાગ લીધો હોવાનું નોંધાયું છે. ૧૬મી લોકસભાના સાંસદોએ સરેરાશ ૨૯૩ પ્રશ્નો પૂછયા હતો તો આપણા સેલિબ્રિટી સાંસદોની પ્રશ્ન પૂછવાની સરેરાશ ૧૦૧ રહી છે. ફિલ્મસ્ટાર અને ભાજપના સાંસદ (જેઓ હાલ કોંગ્રેસમાં છે) શત્રુઘ્ન સિંહાએ કોઈપણ ચર્ચામાં ભાગ નહોતો લીધો કે નહોતો પૂછયો એક પણ પ્રશ્ન. સામાન્યપણે ફિલ્મ સ્ટાર રાજકારણમાં આવતા હોય છે, સોશિયલ મીડિયાનું ધ્યાન તેમના તરફ વધુ જતું હોવાથી ચૂંટણી પ્રચાર વખતે પણ તેમની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હોય છે. ઈન્ડિયા સ્પેન્ડે ૧૬મી લોકસભાના આવા ૧૯ સેલિબ્રિટી સાંસદોએ સંસદીય કાર્યવાહીમાં નિભાવેલી ભૂમિકાની સમીક્ષા કરવા પ્રયાસ કર્યો છે.
કેટલીક સેલિબ્રિટી હાજરીમાં નબળા રહ્યા
બંગાળી ફિલ્મ અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળની ઘટાલ બેઠકના સાસંદ દીપકદેવ અધિકારીની સંસદમાં હાજરી ૧૧ ટકા જ રહી. હેમામાલિનીની હાજરી ૩૯ ટકા રહી,તો બંગાળી અભિનેતા તપસ પૌલ (૪૭ ટકા), બંગાળી અભિનેતા સંજય રોય (૫૩ ટકા) અને પંજાબી કોમેડી કલાકાર ભગવંત માનની ( ૫૬ ટકા) હાજરી સરેરાશ કરતાં ઓછી જ રહી.
આ સેલિબ્રિટીની હાજરીનો ઊંચો આંક
જૂન ૨૦૧૪થી ફેબ્રુઆરી ૨૦૧૯ વચ્ચે ૧૬મી લોકસભા ૩૩૧ દિવસ ચાલી હતી. આ સમય દરમિયાન સાંસદોની સરેરાશ હાજરી ૮૦ ટકા રહી જ્યારે સેલિબ્રિટી સાંસદોની સરેરાશ હાજરી ૬૬ ટકા રહી. સેલિબ્રિટી સાંસદોની વાત કરીએ તો આસામી અને બંગાળી ફિલ્મ અભિનેતા જ્યોર્જ બેકરની હાજરી મહત્તમ ૯૮ ટકા રહી. ૨૩ જુલાઈ ૨૦૧૫ના રોજ ભાજપે તેમને એંગ્લો ઈન્ડિયન સમુદાયના પ્રતિનિધિના રૂપમાં પશ્ચિમ બંગાળથી નોમિનેટ કર્યા હતા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ પ્રતિનિધિપદ સંભાળ્યા પછી સંસદમાં ૨૨૮ દિવસ પૈકી ૨૨૩ દિવસ હાજર રહ્યા હતા. પૂર્વ મરાઠી અભિનેતા અને વર્તમાનમાં વ્યવસાયે વકીલ રહેલા મહારાષ્ટ્રના સોલાપુર મતવિસ્તારના ભાજપ સાંસદ ૯૩ ટકા હાજરી નોંધાવી ચૂક્યા છે (૩૩૧ દિવસમાંથી ૩૦૭ દિવસ). ભોજપુરી ગાયક અને અભિનેતા છોટેલાલ ૮૮ ટકા, તેલુગુ ફિલ્મ અભિનેતા મુરલી મોહન મગંતી ૮૫ ટકા તો ફિલ્મ અને ટીવી અભિનેત્રી કિરણ ખેર ૮૪ ટકા હાજરી નોંધાવી ચૂક્યા છે.
મૂનમૂન સેન અને શત્રુઘ્નસિંહાએ એક પણ પ્રશ્ન નથી પૂછયો
બંગાળી ફિલ્મોના અભિનેત્રી મૂનમૂન સેન, ઓડિશાના ફિલ્મ અભિનેતા સિદ્ધાંત મોહપાત્ર અને અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ૧૬મી લોકસભામાં એકપણ પ્રશ્ન પૂછયો નહોતો.
વિકાસ માટે પાંચ કરોડનું ભંડોળ
૧૬મી લોકસભાના સાંસદોએ જે સરેરાશથી સ્થાનિક વિકાસ ભંડોળનું ખર્ચ કર્યું તેને મુકાબલે સેલિબ્રિટી સાંસદોએ આ મોરચે સારો દેખાવ કર્યો છે. પાંચ એપ્રિલ ૨૦૧૯ની સ્થિતિ મુજબ સાંસદોએ ખર્ચ કરેલા સરેરાશ ૮૨.૯ ટકાના વિકાસ ભંડોળને મુકાબલે આ સેલિબ્રિટી સાંસદોએ ૮૭.૬ ટકા સ્થાનિક વિકાસ ભંડોળનો ખર્ચ કર્યો છે. સાંસદ સ્થાનિક વિકાસ ભંડોળ હેઠળ સાંસદોને તેમના મત વિસ્તારના વિકાસ માટે ર્વાિષક રૂપિયા પાંચ કરોડનું ભંડોળ આપવામાં આવતું હોય છે. કલેક્ટરને ભલામણ કરીને સાંસદ તે રકમ ખર્ચ કરી શકતા હોય છે.
સ્થાનિક વિકાસ ભંડોળ ખર્ચ મોરચે સારો દેખાવ
૧૬મી લોકસભાના સાંસદોની સ્થાનિક વિકાસ ભંડોળ ખર્ચની સરેરાશ ૮૫ ટકા રહી છે. ૧૫ ટકા ભંડોળ ખર્ચ થયા વિનાનું રહ્યું છે. ઈન્ડિયા સ્પેન્ડના ૬ એપ્રિલ ૨૦૧૯ના અહેવાલ મુજબ સાંસદોને ફાળવવામાં આવેલા કુલ ૧૨,૦૫૧.૩૬ કરોડ પૈકી રૂપિયા ૧,૮૦૬.૦૮ કરોડ ખર્ચ થયા હતા. ૧૯ સેલિબ્રિટી સાંસદોની વાત કરીએ તો સંધ્યા રોયે મહત્તમ ૯૮.૮ ટકા ભંડોળ ખર્ચ કર્યું હતું. તે ખર્ચ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે. તે પછીના ક્રમે દીપક દેવ અધિકારી (૯૬.૭ ટકા), બંગાળી ફિલ્મ અભિનેત્રી શતાબ્દી બેનરજી ( ૯૫.૬ ટકા), કિરણ ખેર ( ૯૧.૨ ટકા) , શત્રુઘ્ન સિંહા ( ૯૧.૧ ટકા) તેમ જ સુપ્રિયો ( ૭૪.૧ ટકા ) રહ્યા છે.
કિરણ ખેરે પૂછયા મહત્તમ ૩૩૫ પ્રશ્ન
સેલિબ્રિટી સાંસદોની વાત કરીએ તો ચંડીગઢ બેઠક પરના ભાજપના સાંસદ કિરણ ખેર ૧૬મી લોકસભાની કાર્યવાહી દરમિયાન મહત્તમ ૩૩૫ પ્રશ્નો પૂછી ચૂક્યા છે. સાંસદની પ્રશ્ન પૂછવાની ૨૯૩ની સરેરાશ કરતાં પણ કિરણ ખેરનો ગ્રાફ ઊંચો છે. આંધ્ર પ્રદેશના તેલુગુ અભિનેતા મુરલી મોહન મગાંતી ૨૬૭ પ્રશ્નો સાથે બીજા ક્રમે રહ્યા છે. તે પછીના ક્રમે ભોજપુરી ગાયક મનોજ તિવારી (૨૫૮ પ્રશ્નો), જ્યોર્જ બેકર (૨૫૫) અને મલયાલમ સિનેમા જગતના અભિનેતા ઇનોસન્ટ (૨૧૭ પ્રશ્ન) રહ્યા છે.
ડિબેટમાં ભગવંત માન મોખરે
ભગવંત માને મહત્તમ ૧૦૭ ડિબેટમાં ભાગ લીધો હતો. ૧૬મી લોકસભાના સાંસદોની આ મોરચે રહેલી ૬૭ની સરેરાશ કરતાં પણ માન ઊંચો આંક નોંધાવી ચૂક્યા છે. ડિબેટમાં ભાગ લેવાને મુદ્દે વાત કરીએ તો મુરલી મોહન મગાંતી (૫૫) બીજા ક્રમે, અને તે પછીના ક્રમે કિરણ ખેર (૪૪), ઇનોસન્ટ (૪૦), જ્યોર્જ બેકર (૩૩) રહ્યા છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછી વાર તેમણે ડિબેટમાં ભાગ લીધો હોવાનું નોંધાયું છે. મૂનમૂનસેને એક જ ડિબેટમાં ભાગ લીધો હતો તો શત્રુઘ્ન સિંહાએ એકપણ ડિબેટમાં પણ ભાગ લીધો નહોતો.
હેમામાલિનીની લોકસભામાં ૩૯ ટકા હજારી
ઈન્ડિયાસ્પેન્ડ દ્વારા ૧૬મી લોકસભાના ડેટાના થયેલા વિશ્લેષણ આધારે એ હકીકત સામે આવી છે કે સાંસદોની સરેરાશ હાજરી ૮૦ ટકા રહી પરંતુ ૧૯ સેલિબ્રિટી સાંસદોની હાજરી ૬૬ ટકા રહી. ૧૯ સેલિબ્રિટી સાંસદો પૈકી માત્ર છ સાંસદની હાજરી જ ૮૦ ટકા કે તેથી વધુ રહી. ચૂંટણી ફોટોશૂટ વખતે ખેતરમાં હળ ચલાવતા જોવા મળેલા ભાજપના સાંસદ અને ફિલ્મ સ્ટાર હેમામાલિનીની લોકસભામાં હાજરી ૩૯ ટકા જ રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સંસદમાં હાજરી ઓછી અને કામ વધારે કરતા ભારતના સેલિબ્રિટી સાંસદો…! appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/parliament-attend-less-and-work/
via Best Gujarati News
0 Comments