ગત શનિવારે રાતે ૧૨.૩૦  વાગે ઓઢવ અંબિકા સ્ટ્રોર્મ વોટર પમ્પીંગ સ્ટેશનના ટાંકામાં ગૂંગળાઇને ચાર મજૂરના મોત નિપજ્યાં હતા પણ હજુ સુધી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ એક્શન મોડમાં દેખાતા નથી. આટલી ગંભીર ઘટના બની છતાં મ્યુનિ.ના અધિકારીઓ ઘૂંટણીએ બેઠા છે.

શનિવારે રાતે મ્યુનિ.ન સ્ટોર્મ વોટર સ્ટેશનના ટાંકામાં ગૂંગળાઇને ચાર મજૂર મોતને ભેટયા બાદ હવે મ્યુનિ.ના એસટીપી ખાતાએ આળસ મરડી છે અને કોન્ટ્રાક્ટર મહિમા ઇન્ડસ્ટ્રીઝને નોટિસ આપી પુછયું છે કે, ઘટના શું બની હતી ?

અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ સમગ્ર ઘટનાની વિજિલન્સ તપાસ કરાવી તેના આધારે રિપોર્ટ તૈયાર કરવાની તો વાત દૂર રહી પણ હવે તો કોન્ટ્રાક્ટરને કેવી રીતે બચાવવો તેનો તખ્તો ઘડાઇ ચૂક્યો છે.

અમદાવાદ મ્યુનિ.ના સુત્રો કહે છે કે, એકપણ ઉચ્ચ અધિકારીએ આ સમગ્ર ઘટનામાં ગંભીરતા દાખવી નથી. સામાન્ય રીતે મ્યુનિ.ના કોઇપણ કામમાં જો કોઇ વ્યક્તિનું અપમૃત્યુ થાય તેવા સંજોગોમાં ઇન્કવાયરી થાય છે અને તે વિજિલન્સ ઇન્કવાયરીના આધારે રિપોર્ટ તૈયાર કરી પગલાં લેવાની પરંપરા રહી છે

જોકે, છેલ્લા કેટલાંક સમયથી મ્યુનિ. તંત્રમાં કોન્ટ્રાક્ટરોને દબદબો વધ્યો છે. મ્યુનિ.ના અધિકારીઓ તેમની સામે તપાસ કરવાની હિંમત ચલાવી શકતા નથી. જે સ્થિતિ ઓઢવ દુર્ઘટનામાં પણ જોવા મળી રહી છે.

આ સમગ્ર ઘટનામાં ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યાં છે પણ મ્યુનિ.ના અધિકારીઓને આંખે જોઇ શકાય તેવું સત્ય દેખાતુ નથી. અમદાવાદ મ્યુનિ.ના સુત્રો કહે છે કે, ૧. મ્યુનિ.ને જાણ કર્યા વિના સ્ટોર્મ વોટર પમ્પીંગ સ્ટેશનના મેઇન્ટેનન્સની કામગીરી કેમ શરૂ કરાઇ ? ૨. જો મ્યુનિ. તંત્રને જાણ કરી હતી તો જવાબદાર અધિકારી સુપરવિઝન માટે કેમ હાજર ન હતા ? ૩. અડધી રાતે એવી શું ઉતાવળ હતી કે, મેઇન્ટેનન્સની કામગીરી કરાઇ રહી હતી ?

૪. જો મજુરોને ગેસની ગળતરની અસર થઇ તેઓ ઉપરથી ૨૦ ફુટ ઊંડા ટાંકામાં પડયા તો તેમની બોડી ઉપર કોઇ ઇજા કેમ નથી ? ૫. સમગ્ર ઘટના ૧૨થી ૧૨.૩૦ની વચ્ચે બની હતી છતાં પોલીસને છેક ૧૨.૫૬ને કેમ જાણ કરાઇ ? ૬. જો મજુરો ઉપરથી નીચે પટકાયાના કોઇ સંકેતો મળી રહ્યાં નથી તો પછી મજુરોને ગેરકાયદે ટાંકામાં કેમ ઉતારવામાં આવ્યા ? આવા કેટલાય પ્રશ્નો છે કે, જેનો જવાબ તટસ્થ વિજિલન્સ ઇન્કવાયરીથી મળી શકે તેમ છે પણ મ્યુનિ.ના અધિકારીઓને કોન્ટ્રાક્ટર મહિના ઇન્ડસ્ટ્રીઝ સામે તપાસ કરવામાં જરાય રસ નથી.

ચાર મજૂરોના મોત મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરાઇ

અમદાવાદ મ્યુનિ. વિપક્ષના નેતાએ ઓઢવ સ્ટોર્મ વોટર પમ્પીંગ સ્ટેશનના ટાંકામાં ઝેરી ગેસથી ચાર મજૂરોના ગૂંગળાઇને મોત થવા મુદ્દે કમિશનરને પત્ર લખી વિજિલન્સ ઇન્કવાયરીની માગ કરી છે પણ તંત્ર વિજિલન્સ ઇન્કવાયરી કરવાના મૂડમાં નથી. બીજી તરફ મ્યુનિ. વિપક્ષના નેતાએ ચાર મજૂરોના મોતના મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી છે.

તેમણે જણાવ્યું છે કે, ગેરકાયદે મજુરોને કેમિકલવાળા ગેસના પાણીના ટાંકામાં ઉતારવામાં આવ્યા હતા જે સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનો ભંગ છે જેથી આ અંગે માનવ અધિકાર આયોગે પણ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઇએ તેવી માગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post AMCના બાબુઓ કોન્ટ્રાક્ટરને બચાવવા ઘૂંટણીએ બેઠા, નોટિસ આપી પુછ્યું, ઘટના શું હતી? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/amcs-babu-sat-in-the-knees-to-save-the-contractor-asked-the-notice-what-was-the-event/
via Best Gujarati News

0 Comments