દેશ-દુનિયામાં ફરીવાર વાગશે ગુજરાતનો ડંકો, મોદીના મંત્રીમંડળમાં આ 6 મંત્રીઓને મળી શકે છે સ્થાન
રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે બીજી ટર્મ માટે શપથ લેશે. આ સાથે જ આકાર લેનારી નવી સરકારમાં ગુજરાતમાંથી લોકસભાના ૨૬, રાજ્યસભાના પાંચ એમ ભાજપના 31 સાંસદો પૈકી કોને મંત્રીપદ મળશે તે બુધવારની મધરાત સુધી સસ્પેન્સ રહ્યુ છે.
જો કે, નવી સરકારમાં રાજકોટથી ચૂંટાયેલા મોહન કુંડારિયા અને નવસારીના સી.કે.પાટિલ એમ બે સાંસદો રાજ્યકક્ષાના મંત્રીપદ માટે પ્રબળ દાવેદાર હોવાનું મનાય છે. આ સિવાય સી.આર.પાટીલ, રૂપાલા, જશવંતસિંહ ભાભોર અને પૂનમ માડમ મંત્રી બની શકે છે. આમ 2014 બાદ 2019માં પણ કેન્દ્રમાં ગુજરાતનો દબદબો રહેશે. તેમાં પણ નંબર વન નરેન્દ્ર મોદી અને નંબર ટૂ પર અમિત શાહ રહેશે. જ્યારે ગુજરાતના અન્ય ચાર સાંસદોને પણ મંત્રીપદ અને મહત્વના ખાતાઓ મળશે.
16મી લોકસભાની ટર્મમાં ગુજરાતમાંથી ચાર સાંસદો કેન્દ્ર સરકારમાં મંત્રીપદે હતા. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને નવી સરકારમાં યથાવત રાખવા કે સંગઠનમાં મહત્વની જવાબદારી સોંપવી તેનો નિર્ણય મોડીરાત સુધી લેવાયો નહોતો. જો કે, સરકારમાં હશે કે સંગઠનમાં માંડવિયાનું મહત્વ અકબંધ રહેશે તેમ ભાજપના દિલ્હી સ્થિત વરિષ્ઠ નેતાએ જણાવ્યુ હતુ.
રાજ્યસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાને આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી પડતા મુકાશે એ લગભગ નિશ્ચિત છે. તેમના વિકલ્પમાં સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજમાંથી આવતા મોહન કુંડારિયાનો સમાવેશ થઈ શકે તેમ છે. તેની પાછળના કારણો સમજાવતા વરિષ્ઠ નેતાએ કહ્યુ કે, રાજ્ય સરકારમાં સૌરાષ્ટ્રમાંથી એક પણ કડવા પાટીદાર મંત્રી નથી.
બીજી તરફ વિરમગામથી જામનગર સુધીના ઉત્તર સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના પ્રભૂત્વ ધરાવતા ક્ષેત્રોમાં કોંગ્રેસના ધારાસભ્યો છે. આથી, ભવિષ્યની રણનીતિને ધ્યાને રાખીને કુંડારિયાને કેન્દ્રમાં સ્થાન મળી શકે તેમ છે. મોદી સરકારની પહેલી ટર્મમાં શરૂઆતના કાળમાં તેઓ રાજ્યમંત્રી રહી ચુક્યા છે. કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીને ભાજપે બનાસકાંઠામાં ટિકિટ આપી નહોતી.
આથી તેમના સ્થાને નવસારીના સી.આર.પાટીલને તક મળે તો નવાઈ નહી. રાજ્ય સરકારમાં દક્ષિણ ગુજરાતનું નહિવત પ્રતિનિધિત્વ છે અને ઓદ્યોગિક કોરિડોર અને દરિયાકાંઠાને કારણે ભારત સરકારમાં સૌથી વધુ પ્રશ્નો દક્ષિણ ગુજરાતના હોય છે. માટે સી.આર.પાટીલને મંત્રીપદ મળી શકે તેમ છે. દરમિયાન એવી પણ ચર્ચા છે કે, ગુજરાતમાં ૬ મહિલા સાંસદો પૈકી વડોદરાના રંજન ભટ્ટને પણ મંત્રીમંડળમાં સમાવાશે.
રાજ્યમાં 6 મહિલા સાંસદો
રાજ્યમાં છ લોકસભા બેઠકો મહેસાણા, જામનગર(પૂનમ માડમ), ભાવનગર(ભારતી શિયાળ), વડોદરા(રંજન ભટ્ટ), છોટા ઉદેપુર(ગીતા રાઠવા) અને સુરત(દર્શના જરદોષ)માં ભાજપના મહિલા સાંસદો ચૂંટાઈ આવ્યા છે, જેમાંથી પણ કોઇ એકને મંત્રી પદ મળી શકવાની શક્યતા નકારી શકાતી નથી.
જો કે, આધારભૂત સુત્રો આ શક્યતાને ફગાવી એમ જણાવી રહ્યા છે કે, દેશમાં ભાજપમાંથી ચૂંટાયેલા એક માત્ર આદિવાસી મહિલા સાંસદ છોટાઉદેપુરના ગીતા રાઠાવાને મંત્રીપદ મળશે અને આમ થશે તો દાહોદના જશવંતસિંહ ભાભોરને નવી સરકારમાં પડતા મુકાશે તે નક્કી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post દેશ-દુનિયામાં ફરીવાર વાગશે ગુજરાતનો ડંકો, મોદીના મંત્રીમંડળમાં આ 6 મંત્રીઓને મળી શકે છે સ્થાન appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gujarat-six-ministers-from-gujarat-again-including-narendra-modi-and-amit-shah/
via Best Gujarati News
0 Comments