કોમોડિટી વોચ : મિનિતા દવે

દેશમાં ચાલુ વર્ષે કપાસ-રૂના ઉત્પાદનના અંદાજોમાં અનેક વખત બદલાવ આવ્યો છે. તાજેતરમાં કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા દ્વારા સુધારેલા પાકનો અંદાજ ૩૧૫ લાખ ગાંસડી મૂકવામાં આવ્યો છે પરંતુ બજારના નિષ્ણાતોના મતે રૂનો પાક ઘટી ૩૦૦-૩૦૫ લાખ ગાંસડી વચ્ચે રહી જશે. રૂના ઉત્પાદનમાં કાપ છે પરંતુ હાલ સ્થાનિક તેમજ નિકાસ માગ ઠંડી હોવાથી ભાવ પ્રતિ ખાંડી દીઠ ૪૩-૪૫,૦૦૦ની સપાટી વચ્ચે ચાલી રહ્યાં છે. નબળા પાક અને અમેરિકા તથા ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરનો લાભ ભારતીય નિકાસકારોને ફ્ળ્યો નહીં. ગત વર્ષે નિકાસ ૬૯-૭૦ લાખ ગાંસડીની રહી હતી જે આ વર્ષે ઘટીને માત્ર ૪૩-૪૫ લાખ ગાંસડી આસપાસ જ રહી જશે. નિકાસમાં વૃદ્ધિ તો દૂરની વાત ઊલટું આયાત બે થી અઢી ગણી વધીને ૩૫-૪૦ લાખ ગાંસડી થશે તેવો અંદાજ છે.

એગ્રિ કોમોડિટી માર્કેટમાં હવે ૨૦૧૯-૨૦માં કપાસ-રૂમાં તેજીના ફ્ંડામેન્ટલનો આધાર ડિમાન્ડ અને સપ્લાય આધારિત બની રહેશે. વૈશ્વિક બજારમાં રૂના નીચા ભાવ અને કરન્સી માર્કેટમાં વોલેટિલિટીના કારણે નિકાસ વેપારો અત્યંત નબળા છે. આ ઉપરાંત ટેક્સ્ટાઇલ સેગ્મેન્ટમાં પણ મંદીનો માહોલ હોવાથી મિલોની માગ ચાલુ વર્ષે ઘટશે જેના પરિણામે નબળા પાકે પણ રૂના ભાવ હવે ખાંડી દીઠ ૫૦,૦૦૦ થવા મુશ્કેલ છે. અત્યારે સારા માલોમાં ૪૪,૦૦૦-૪૫,૦૦૦ના ભાવ બોલાઈ રહ્યાં છે પરંતુ આ ભાવે પણ વેપારો સાવ ઠંડા છે. જીનર્સોને ડિસ્પેરિટીના વેપાર છે જેના કારણે ૯૦ ટકા ફેક્ટરીઓ બંધ થઈ ચૂકી છે. કપાસના ભાવ ક્વોલિટી માલોમાં અત્યારે ૧,૦૫૦થી ૧,૨૦૦ મણદીઠ બોલાઇ રહ્યાં છે. વૈશ્વિક સ્તરે રૂના ઉત્પાદનમાં કાપના કારણે અંતિમ સ્ટોકમાં જંગી ઘટાડો થશે તેવા અહેવાલો મળી રહ્યાં છે. વૈશ્વિક રૂનો સ્ટોક ૧૭.૬ મિલિયન ટન ઘટી શકે છે. જ્યારે દેશમાં શરૂઆતનો સ્ટોક ૨૮ લાખ ગાંસડી હતો જે નવી સિઝનમાં ઘટીને માત્ર ૧૦-૧૩ લાખ ગાંસડી આસપાસ જ રહી જશે.

કરન્સી માર્કેટમાં રૂપિયા સામે ડોલર નબળો પડી ૭૦ની અંદર બોલાઈ રહ્યો હોવાથી નિકાસકારો મોટા નિકાસ વેપારમાં અટક્યા છે. ઊલટું સ્થાનિકમાં ઊંચા ભાવ હોવાના કારણે પણ નિકાસને સપોર્ટ મળતો નથી. કોમોડિટીમાં ૨૦૧૯નું વર્ષ પણ શુકનવંતુ બની રહેશે તે હવે ભરેલા નાળિયેર જેવું છે. જ્યાં સુધી નિકાસને વેગ નહીં મળે અને મિલોની મોટા પાયે ખરીદી નહીં આવેત્યાં સુધી ઝડપી તેજી થવી મુશ્કેલ છે. દેશમાં એપ્રિલ અંત સુધીમાં ૨૭૯ લાખ ગાંસડીનો માલ બજારમાં આવી ચૂક્યો છે. નવી સિઝનમાં સ્ટોક તળિયા ઝાટક થઈ જશે બીજી તરફ જો ચોમાસુ નબળું અને અનિયમિત રહેવા સાથે વાવેતર કપાશે તો તેજીના સંજોગો છે.

વૈશ્વિક બજાર ભાવ પર રૂની નિકાસને વેગ મળશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરનો લાભ ભારતીય નિકાસકારોને મળશે તેવા અહેવાલો અત્યારે અવળા પડયાં છે પરંતુ ચીન પાસે રૂનો સ્ટોક ન હોવાથી ગમે ત્યારે ખરીદીમાં આવશે. ગુજરાતમાં ૨૭ લાખ હેક્ટરથી વધુમાં કપાસનું વાવેતર થયું હતું પરંતુ અપૂરતા તથા અનિયમિત વરસાદના કારણે ઉત્પાદન ઘટીને ૮૦ લાખ ગાંસડી આસપાસ જ રહી જશે જે અગાઉના વર્ષે ૧૦૫ લાખ ગાંસડીનું રહ્યું હતું. વિયેતનામ, બાંગ્લાદેશ તથા પાકિસ્તાનમાં રૂ-યાર્ન તથા ફેબ્રિક પરની ડયૂટી ભારતની તુલનાએ ઘણી નીચી છે જેના કારણે ચીનની ખરીદી તે તરફ ડાઇવર્ટ થઈ છે. સીઆઇટીઆઇના અહેવાલ મુજબ ૨૦૧૩-૧૪માં ૪.૫ અબજ ડોલરની ભારતીય સુતરાઉ યાર્નની નિકાસ થઈ હતી જે ૨૦૧૭-૧૮માં ઘટીને માત્ર ૩.૪ અબજ ડોલરની જ રહી છે. કોટન યાર્નનું સૌથી મોટું આયાતકાર ચીન છે જે વિયેતનામ અને ઇન્ડોનેશિયા તરફ ડાઈવર્ટ થયું છે. આગામી સમયમાં આ સેગ્મેન્ટને નિકાસ સબસિડી અથવા તો ડયૂટીમાં ઘટાડો નહીં કરવામાં આવે તો નિકાસને વેગ મળે તેમ નથી. ચીન આગળ જતા પણ મોટા પાયે આયાતો અન્ય દેશોમાંથી કરશે.

ચીને ભારતના બદલે ઓસ્ટ્રેલિયા-બ્રાઝિલથી આયાત વધારી

આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના ભાવ ભારતમાં ઊંચા હોવાના કારણે દેશમાંથી થતી નિકાસમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરના કારણે ચીન ભારતથી મોટા પાયે રૂની આયાત કરશે તેવા અહેવાલો હતા પરંતુ ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલથી મોટા પાયે આયાત કરી છે. ચીને ઓસ્ટ્રેલિયાથી ૨૦૧૭-૧૮માં ૨.૮૦ લાખ ટન રૂની આયાત કરી છે જે વધીને ૨૦૧૯માં ૪.૪૦ લાખ ટન આંબી જશે. જ્યારે બ્રાઝિલથી આયાત ૮૨,૦૦૦ ટનથી વધીને ૩.૮૦ લાખ ટન થવાનો અંદાજ છે. દેશમાંથી ચાલુ વર્ષે માત્ર ૪૫ લાખ ગાંસડીની જ નિકાસ થાય તેવા સંકેતો છે તેમાં પણ ચીનમાં ૨૫ લાખ ગાંસડીથી વધુ નિકાસ રહેશે નહીં.

રૂની આયાત વધી ૩૫-૪૦ લાખ ગાંસડી થવા અનુમાન

રૂની નિકાસમાં કરન્સી મહત્ત્વનો રોલ રહ્યો છે. ટ્રેડવોર પછી ચીનની માગ મોટા પાયે ખૂલશે તેવા અહેવાલો વિખેરાઈ ગયા છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં સ્થાનિક બજાર કરતા ભાવ નીચા છે અને કરન્સી માર્કેટમાં રૂપિયા સામે ડોલર નબળો પડી ૭૦ અંદર બોલાવા લાગ્યો છે જેના કારણે દેશમાંથી નિકાસ વધવા એકબાજુ આયાતમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે દેશમાં ૧૫ લાખ ગાંસડીની આયાત થઈ હતી જે ચાલુ વર્ષે અઢી ગણી વધી ૩૫-૪૦ લાખ ગાંસડી આંબી જશે તેવો અંદાજ છે. જ્યારે નિકાસ ગતવર્ષના ૬૯-૭૦ લાખ ગાંસડીથી ઘટીને ૪૩-૪૫ લાખ ગાંસડી આસપાસ રહી જશે.

ચોમાસું નબળું રહે તો રૂના ભાવ રૂ.૫૦,૦૦૦ પહોંચી શકે

નબળા ઉત્પાદને પણ રૂમાં હવે ભાવ ઝડપી ખાંડી દીઠ રૂ.૫૦,૦૦૦ની સપાટીએ પહોંચે તેવી શક્યતા નહિવત છે. આયાત વધી રહી છે અને નિકાસ ઘટતા ભાવ ૪૪,૦૦૦-૪૬,૦૦૦ની રેન્જમાં અથડાઈ ગયા છે. સિવાય કે ચોમાસું નબળું અને અનિયમિત રહે તેમજ નવી સિઝનમાં વાવેતર વિસ્તાર ઘટવા સાથે સિઝન લેઇટ થાય તો જ રૂમાં રૂ.૫૦,૦૦૦ની ટોચ જોવા મળી શકે તેમ છે. જ્યારે કપાસમાં પણ આવી જ સ્થિતિ રહેલી છે.

ઉત્પાદન-વપરાશની બે વર્ષની સ્થિતિ

વિગત           ૨૦૧૮-૧૯     ૨૦૧૭-૧૮  

શરૂ સ્ટોક       ૨૮.૦૦           ૩૬.૦૦

ઉત્પાદન        ૩૧૫.૦૦        ૩૬૫.૦૦

આયાત         ૩૧.૦૦          ૧૫.૦૦

કુલ પુરવઠો    ૩૭૪.૦૦       ૪૧૬.૦૦

કુલવપરાશ     ૩૧૫.૦૦       ૩૧૯.૦૦

નિકાસ             ૪૬.૦૦          ૬૯.૦૦

આવક           ———-      ———

(એપ્રિલ અંત)   ૨૭૮.૭૩       ૩૧૧.૦૦

અંતિમ સ્ટોક     ૧૩.૦૦          ૨૮.૦૦

(નોંધ – આંકડા લાખ ગાંસડીમાં, સ્ત્રોત-સીએઆઈ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રૂનો પાક 315 લાખ ગાંસડી રહેશે તથા નબળા ચોમાસાએ તેજીની શક્યતા appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/the-possibility-of-boom-in-the-weak-monsoon/
via Best Gujarati News

0 Comments