વર્તમાન સમયના ક્રિકેટમાં બેટની જ બોલબાલા જોવા મળે છે અને જ્યારે ટી20 ફોર્મેટ શરૃ થઇ છે ત્યારથી બેટ્સમેનો રનનો ઢગલો કરવામાં વધારે નિષ્ણાત બની ગયા છે. બેટ્સમેનોની ધોલાઇથી બચવા માટે બોલર્સ પણ વિવિધ પ્રકારના હથિયાર શોધતા થઇ ગયા છે.

ઇંગ્લેન્ડ ખાતેના વર્લ્ડ કપમાં 10 એવા વિશેષ બોલ છે જેનાથી બેટ્સમેનોએ સાવધ રહેવું પડશે તે ચોક્કસ છે. આધુનિક ક્રિકેટમાં બોલર્સે નકલ, કેરમ, રાઉન્ડ આર્મ, ઇન્ડેક્સ ફિંગર, સ્લો યોર્કર જેવા ઘાતક બોલ શોધી નાખ્યા છે જેનાથી તેઓ રનરેટને કાબૂમાં રાખવા ઉપરાંત અણીના સમયે વિકેટ ઝડપીને મેચનું પરિણામ બદલી શકે છે. વર્લ્ડ કપ દરમિયાન ઉપયોગમાં લેવાનારા ૧૦ વિશેષ બોલ આ પ્રમાણે છે.

૧) નકલ બોલ (વર્તમાન સમયમાં ભુવનેશ્વર કુમાર નિષ્ણાત,ભારત)
ભારતના ઝહિર ખાને આ બોલને ચર્ચાનો વિષય બનાવ્યો હતો. આ બોલ ફેંકવા માટે બોલિંગ હેન્ડની પ્રથમ બે આંગળીઓને અડધેથી વાળી નાખવામાં આવે છે. આ બોલને ફેંકતી વખતે બોલરના હાથની પૂરી તાકાત મળતી નથી. બેટ્સમેનો બોલરના હાથને ફોલો કરતા હોય છે. બોલર પૂરા જોરથી બોલને ફેંકે છે પરંતુ આંગળીઓ વળેલી હોવાના કારણે બોલની સ્પિડ અપેક્ષા મુજબ ઘણી ઓછી હોય છે જેના કારણે બેટ્સમેનો શોટ્સ રમવામાં ગૂંચવણ અનુભવે છે.

૨) સ્લો બાઉન્સર (પેટ કમિન્સ, ઓસ્ટ્રેલિયા)
ઇનિંગ્સના અંત ભાગમાં ઝડપી બોલર સ્લો બાઉન્સરનો ગણો ઉપયોગ કરે છે. બેટ્સમેન આક્રમક બેટિંગ કરતો હોય છે ત્યારે આ બોલ દ્વારા તેને દ્વિધામાં નાખી શકાય છે. સામાન્ય બાઉન્સર ઝડપથી આવે છે અને બેટ્સમેન તે મુજબનો શોટ્સ રમી લે છે. આ બોલમાં સ્પિડ ઓછી હોય છે અને બેટ્સમેન ઝડપથી બેટ ફેરવીને શોટ્સનો ટાઇમિંગ ચૂકી જઇને પોતાની વિકેટ આપી બેસે છે. ડેથ ઓવર્સમાં આ પ્રકારના બોલ ઘણા ઉપયોગી સાબિત થાય છે.

૩) વાઇડ યોર્કર (લસિત મલિંગા, શ્રીલંકા)
સ્લોગ ઓવર્સ દરમિયાન બેટ્સમેનોને કાબૂમાં રાખવા માટે આ બોલ અત્યંત અસરકારક સાબિત થાય છે. વાઇડ લાઇનની નજીક આ યોર્કર લેન્થ બોલ ફેંકવામાં આવે છે. બેટ્સમેન છેલ્લે સુધી બોલ વાઇડ રહેશે કે લીગલ બોલ તે વિચારતો રહે છે. આ પ્રકારના બોલથી બેટ્સમેનની ઓફ સાઇડને સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવે છે અને ઓફ સાઇડ પર વધારે ફિલ્ડર ગોઠવીને હરીફ ટીમની મુશ્કેલીમાં વધારો કરવામાં આવે છે. એક જ સાઇડ પર રન બનાવવું બેટ્સમેન માટે મુશ્કેલ બને છે.

૪) સ્પિલિટ ફિંગર સ્લો બોલ (ટોમ કરન, ઇંગ્લેન્ડ)
આ પ્રકારના બોલનો ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રા ખૂબ ઉપયોગ કરતો હતો. આ બોલ ફેંકવા માટે પોતાની તર્જની અને મિડલ ફિંગરને વી આકારમાં ખોલીને બોલ પકડવામાં આવે છે. આ બોલ લગભગ ફૂલ લેન્થ ઉપર નાખવામાં આવે છે. બેટ્સમેનોને એવું લાગે છે કે બોલર ફૂલટોસ આવશે પરંતુ બોલની સ્પિડ ઓછી હોેવાના કારણે બેટ્સમેનની થોડેક દૂર પિચ પડે છે અને બેટ્સમેનને ગૂંચવાડામાં મૂકીને સ્ટમ્પને વાગે છે.

૫) કેરમ બોલ (મુજીબ-ઉર-રહેમાન, અફઘાનિસ્તાન)
બોલને પકડવાની ગ્રીપ અલગ હોય છે. તેને ફેંકવા માટે સ્પિન બોલર પોતાના અંગૂઠા અને તર્જની આંગળીની મદદથી બોલ પકડે છે અને મિડલ ફિંગરને અડધેથી વાળી નાખે છે. બોલને છોડતી વખતે અંગૂઠા તથા મિડલ ફિંગર દ્વારા સ્પિન માટે ફેરવવામાં આવે છે. જે રીતે કેરમ બોર્ડ પર બેઠેલો ખેલાડી સ્ટ્રાઇકરને બોર્ડ પર ઘુમાવે છે તેવી રીતે જ આ પ્રક્રિયા છે. કોઇ ઓફ સ્પિનર આ બોલ ફેંકે તો જમોડી બેટ્સમેનથી દૂર લેગ સ્પિન સ્વરૃપે જાય છે.

૬) રાઉન્ડ આર્મ બોલ(કેદાર જાધવ, ભારત)
કેદાર જાધવ આ બોલમાં નિષ્ણાત છે. આ બોલ ખભાની નીચેની ઉંચાઇથી રાઉન્ડ આર્મ ફેંકવામાં આવે છે. સ્ટ્રાઇકર પાસે બોલ શક્ય તેટલો ધીમો ફેંકવામાં આવે છે. આ પ્રકારના બોલમાં રન બનાવવા માટે બેટ્સમેનને વધારે તાકાતનો ઉપયોગ કરવો પડે છે. બોલનો બાઉન્સ પણ નજીવો હોવાથી ઓવરના તમામ છ બોલમાં રન બનાવવા બેટ્સમેનો માટે મુશ્કેલ બની જાય છે. બેટ્સમેનને ફ્રન્ટ ફૂટ ઉપર જ રમવાની સલાહ અપાય છે. જો બેકફૂટ ઉપર રમે તો એલબીડબ્લ્યૂ કે બોલ્ડ થવાની તક વધી જાય છે.

૭) ઇન્ડેક્સ ફિંગર સીમ-અપ (ઇમદ વસીમ, પાકિસ્તાન)
બોલને તર્જની આંગળી તથા અંગૂઠાની મદદથી પકડવામાં આવે છે અને મિડલ ફિંગર બોલને અડતી પણ નથી. બોલને હથેળીનો થોડોક સપોર્ટ રહે છે. આ પ્રકારનો બોલ ઇન સ્વિંગ કે આઉટ સ્વિંગ તરીકે નાખવામાં આવે છે. બોલ સ્વિંગ થાય છે પરંતુ તેમાં ઝડપ હોતી નથી. જ્યારે સ્પિનર નવા બોલ સાથે બોલિંગ કરવાનું શરૃ કરે છે ત્યારે આ પ્રકારના બોલથી બેટ્સમેનોને પરેશાન કરે છે અને પાવર પ્લેમાં ઘણી અસરકારક બોલિંગ કરી શકે છે.

૮) સ્લો યોર્કર (જસપ્રીત બુમરાહ, ભારત)
લસિત મલિંગા તથા ડ્વેન બ્રાવો બે એવા બોલર છે જેમણે આ બોલ ફેંકવામાં નિપૂણતા હાંસલ કરી લીધી છે. બેટ્સમેનોને એવું લાગે છે કે બોલ કમર સુધીની ઉંચાઇ સુધી ફૂલટોસના સ્વરૃપે આવશે પરંતુ સ્પિડ નહીં હોવાના કારણે બોલ અચાનક યોર્કરનો સ્વરૃપ લઇ લે છે. બેટ્સમેનને ચકમો આપીને બોલ સ્ટમ્પને અથડાય છે કે એલબીડબ્લ્યૂ માટે સીધા પેડ પર અથડાય છે.

૯) બેક ઓફ ધ હેન્ડ સ્લો બોલ (ડ્વેન બ્રાવો, વેસ્ટ ઇન્ડિઝ)
સામાન્ય રીતે આ સ્લો બોલ છે અને તેને ફાસ્ટ બોલરના ગુગલી તરીકે ઓળખવામાં આવે છે. બોલર પોતાની પૂરી રિધમ તથા સ્પિડ સાથે બોલ ફેંકવાની પોતાની એક્શન કરે છે પરંતુ ફેંકવા પહેલાં તે પોતાના કાંડાને ઉલટી દિશામાં ઘુમાવી દે છે. હાથની તાકાત હોવા છતાં બોલ સ્પિડ પકડતો નથી. કાંડું ફરતું હોવાના કારણે બોલ થોડોક સ્પિન પણ લે છે જેના કારણે બેટ્સમેનો માટે વધારે જોખમ ઉભું થાય છે.

૧૦) સ્લાઇડર (એડમ ઝમ્પા, ઓસ્ટ્રેલિયા)
કાંડાનો ઉપયોગ કરનાર સ્પિનર્સ આ પ્રકારનો બોલ ફેંકે છે. લેગ સ્પિનની સ્ટાઇલમાં આ બોલ હોય છે પરંતુ બોલર પોતાની આંગળીઓ પાછળની તરફ ફેરવે છે. બેટ્સમેનોને અપેક્ષા હોય છે તેટલો બોલ વધારે ટર્ન થતો નથી. આ પ્રકારના બોલમાં બાઉન્સ પણ નજીવો હોય છે જેના કારણે બેટ્સમેન રમવામાં થાપ ખાય છે અને બોલ તેને ફ્રન્ટ ફૂટને અથડાય છે. આ રીતે એલબીડબ્લ્યૂ આઉટ થવાની તકો વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વર્લ્ડકપ-2019માં આ 10 વિશેષ બોલ મચાવશે ધમાલ, વિરોધી ટીમોના બોલાવી દેશે ભુક્કા appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sultans-of-swing-and-spin-top-10-bowlers-to-look-for-in-icc-world-cup-2019/
via Best Gujarati News

0 Comments