વિધાનસભા ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઊભો નહિ રાખવાની કોંગ્રેસની મહેરબાનીથી જિજ્ઞોશ મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે. આંદોલનમાંથી નેતા બનેલા આ જ જિજ્ઞોશ મેવાણી હવે બિહારમાં કોંગ્રેસના જ સાથીપક્ષ આરજેડીના ઉમેદવાર તનવીર હસનને હરાવવા માટે કામે લાગ્યો છે.

બિહારમાં બેગુસરાય બેઠક પર સીપીઆઈના ઉમેદવાર એવા જેએનયુના કનૈયાકુમારને જીતાડવા માટે પ્રચાર શરૂ કર્યો છે. આ સ્થિતિ કોંગ્રેસ માટે ગુજરાત સહિત રાષ્ટ્રીય સ્તરે નાલેશીભરી બની છે.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞોશ મેવાણીએ બિહારના બેગુસરાયમાં ધામા નાંખ્યા છે. બેગુસરાયમાં સીપીઆઈના કન્હૈયા કુમાર જીતે તે માટે કામે લાગી ગયો છે. બિહારના રાજકારણમાં અત્યારે કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે ગઠબંધન છે. બિહારમાં લોકસભાની કુલ ૪૦ સીટોમાંથી ૨૦ બેઠક પર આરજેડી અને ૯ બેઠક પર કોંગ્રેસ લડવાની છે.

આ ગઠબંધને બાકી બેઠકો અન્ય નાના પક્ષો માટે છોડી છે. જોકે સ્થિતિ એ છે કે, કોંગ્રેસના આશીર્વાદથી ધારાસભ્ય બનેલો જિજ્ઞોશ મેવાણી કોંગ્રેસના જ સાથી પક્ષ આરજેડીના ઉમેદવાર તનવીર હસનને હરાવવા માટે મેદાને પડયો છે. ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ બિહાર કોંગ્રેસના ઈન્ચાર્જ છે ને ગુજરાત કોંગ્રેસના સર્મિથત ધારાસભ્ય જ સામે પડયા છે ત્યારે કેમ કોઈ ડેમેજ કંટ્રોલ કરી શકતું નથી તેવો સવાલ પણ બિહારના રાજકારણમાં ચર્ચાઈ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વડગામમાં પણ એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે, વડગામના મુસ્લિમોએ જિજ્ઞોશને જિતાડવા માટે ઉમળકાભેર મતો આપ્યા હતા, અન્ય સમાજોએ પણ સાથ આપ્યો હતો અને હવે બિહારમાં જઈને મુસ્લિમ ઉમેદવારને હરાવવા માટે શું કામ જિજ્ઞોશ પ્રચાર કરી રહ્યો છે.

છેલ્લે લોકસભાની ચૂંટણીમાં બેગુસરાય બેઠક પરથી ભાજપના ડો. ભોલા સિંઘે ૪.૨૮ લાખ મતો મેળવી જીત મેળવી હતી. કોંગ્રેસના સાથી પક્ષ તનવીર હસન ૩.૬૯ લાખ મતો સાથે બીજા નંબરે રહ્યા હતા જ્યારે સીપીઆઈના ઉમેદવાર રાજેન્દ્ર પ્રસાદ સિંઘ ૧.૯૨ લાખ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા.

આ વખતે ભાજપે બેગુસરાય સીટ પર તેના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંઘને ઉતાર્યા છે તો આરજેડીએ તનવીર હસનને ફરી રીપિટ કર્યા છે. સીપીઆઈએ કનૈયા કુમારને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં જ્યારે કોઈ પ્રશ્ન ઉઠાવતી વખતે આ અપક્ષ ધારાસભ્ય ભીંસમાં મુકાય ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો તેને સપોર્ટ કરતાં હોય છે પણ આ નવા વળાંક બાદ આગામી દિવસોમાં કોંગ્રેસ શું વલણ અપનાવશે એ સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કોંગ્રેસની દયાથી MLA બનેલો જિજ્ઞેશ મેવાણી બિહારમાં કોંગ્રેસના જ સાથીને હરાવશે, જાણો શું છે કારણ? appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/congress-mla-jignesh-mewati-defeats-congress-ally-in-bihar/
via Best Gujarati News

0 Comments