। રાજકોટ । જયેશ ઠકરાર

સૌરાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના  ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ ગયું છે ત્યારે વિજેતા ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડાવવાની ફોર્મ્યુલાનું કોંગ્રેસે પૂનરાવર્તન કર્યુ છે. ભાજપે પણ ભૂતકાળમાં આમ જ કર્યુ છે જેમાં હાલના રાજકોટ, જામનગર અને ભાવનગરના ભાજપના સાંસદ ચૂંટણી લડયા ત્યારે ધારાસભ્ય જ હતા જે લોકસભાનો જંગ જીતી જતા સાંસદ બન્યા છે.

કોંગ્રેસ રાજકોટ બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને, પોરબંદર બેઠક માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને અને જૂનાગઢ બેઠક માટે ઊનાના ધારાસભ્ય પૂંજા વંશને ટિકિટ આપી છે. સૌરાષ્ટ્રની  મુખ્યમંત્રીનો મત વિસ્તાર ધરાવતી રાજકોટની બેઠક ઉપર પ્રતિષ્ઠાનો જંગ છે. અહીં વિધાનસભાની ચારે’ય બેઠકો ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને મળેલી છે. આ સંજોગોમાં કોંગ્રેસને દમદાર લેઉવા પાટીદાર ઉમેદવારની તલાશ હતી પરંતુ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના પુત્ર શિવરાજે ના પાડતા અંતે કોંગ્રેસે ટક્કર અપાય તે ગણતરીએ ટંકારામા ૨૦૧૭માં ૨૯,૭૭૦ મતોની લીડથી જીતેલા લલિત કગથરાને ઉતાર્યા છે. ટંકારા બેઠક ઉપર ૧૯૯૦થી સતત ભાજપ જીતતું હતું. રાજકોટ વર્તમાન સાંસદ મોહન કુંડારિયા પણ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડવા ઉતર્યા ત્યારે ટંકારાના ધારાસભ્ય જ હતા. એટલે જ એવું કહેવાય છે કે રાજકોટના સાંસદ બનવાનો રસ્તો ટંકારાથી પસાર થાય છે. કુંડારિયા જીત્યા બાદ ટંકારાની વિધાનસભા પેટાચૂંટણીમાં કગથરા પ્રથમ વખત કોંગ્રેસ તરફથી લડેલા પરંતુ ત્યારે ભાજપના બાવનજી મેતલિયા સામે તે ૧૦,૦૦૦ મતોથી હારેલા. આ વખતે ટંકારાના ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યો ફરી રાજકોટ માટે ટકરાવાના છે. જૂનાગઢની બેઠક ઉપર તો ધારાસભ્યો જ લડતા આવ્યા છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમા માંગરોળના ધારાસભ્ય હતા ત્યારે તેને ૨૦૧૪માં ભાજપે ટિકિટ આપેલી તેની સામે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને લડાવ્યા હતા. આ વખતે પણ પૂંજા વંશ ઊનાના ધારાસભ્ય છે જે કોંગ્રેસના ઉમેદવાર છે. આ પૂર્વે કોડીનારના ધારાસભ્ય દીનું સોલંકી જીતેલા તાલાલા કોંગ્રેસના MLA રહી જશુભાઈ બારડ ૨૦૦૪માં ૪૦,૯૫૬ મતે જૂનાગઢની બેઠક જીતેલા જે પછી ૨૦૦૯માં ૧૩,૭૫૯ મતથી હારી ગયા હતા. જૂનાગઢ અને રાજકોટ જિલ્લાનો ઘણો હિસ્સો ધરાવતી પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસ ૨૦૦૯થી વિઠ્ઠલ રાદડિયાનો દબદબો રહ્યો છે. આ વખતે અહીં ભાજપથી લેઉવા પાટીદાર અગ્રણી રમેશ ધડૂક ભાજપના ઉમેદવાર છે. ધડૂક નગરપાલિકા સિવાય કોઈ ચૂંટણી લડેલા નથી. ગોંડલ, જેતપુર પટ્ટીના લેઉવા પાટીદારનો પ્રભાવ છે. કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના એક સમયના સમર્થક ધોરાજીના કોંગી ધારાસભ્ય લલિત વસોયાને ટિકિટ આપી છે ૨૫૦૮૫ મતોની લીડથી જીતેલા વસોયા ‘પાસ’ના ક્વોટામાથી લડયા હતા. અહીં જવાહર ચાવડા હવે ભાજપમા અને વિઠ્ઠલ રાદડીયાની તબિયત નાદુરસ્ત હોઈ નવા સમીકરણો રચાઈ શકે છે.

૩ બેઠકો પર છેલ્લી ત્રણ લોકસભામાં કોણ જીત્યું ?

જૂનાગઢ બેઠક ૨૦૦૪ની લોકસભામાં કોંગ્રેસે ૫૦,૪૧૧ મતોની લીડથી જીતી હતી. એ પછી ૨૦૦૯માં કોંગ્રેસે ૧૨,૧૯૩ મતોની લીડથી હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે છેલ્લે ૨૦૧૪ની લોકસભામાં ૧.૩૫ લાખ મતોથી ભાજપે આ બેઠક સર કરી હતી. રાજકોટ લોકસભા બેઠક ૨૦૦૪માં કોંગ્રેસ ૧.૦૫ લાખ મતોથી હારી હતી, એ પછી ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૨૪ હજારથી વધુ મતોની જીતી હતી તો છેલ્લે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨.૪૬ લાખથી વધુ મતોથી ભાજપે હાંસલ કરી હતી. પોરબંદર બેઠક પર ૨૦૦૪ની ચૂંટણીમાં ૩૯,૬૮૩ મતોથી ભાજપ જીત્યો હતો એ પછી ૨૦૦૯માં ૩૯,૪૯૦ મતોથી આ બેઠક કોંગ્રેસે હાંસલ કરી હતી. છેલ્લે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૨.૬૭ લાખથી વધુ મતોથી ભાજપે પોરબંદર બેઠક કબજે કરી હતી.

૯ ધારાસભ્યો ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી જીતેલા

ગુજરાતમાં લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં ટંકારા, માંગરોળ, દેવભૂમિ દ્વારકા, તળાજાના ધારાસભ્યો અનુક્રમે મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને ડો. ભારતીબેન શિયાળ લોકસભાની ચૂંટણી લડી ને જીત્યા હતા. ગુજરાતમાં કુલ  નવ ધારાસભ્યો સાંસદ બન્યા હતા.

પાટીદાર, કોળી મતોને જોતા જ્ઞાતિના આધારે MLAને ટિકિટ

રાજકોટમાં કડવા પાટીદારોનું પ્રભુત્વ હોઈ ભાજપના કુંડારિયા સામે લલિત કગથરા જ્યારે પોરબંદર બેઠકમાં લેઉવા પાટીદાર મતો વધું હો ભાજપના રમેશ ધડૂક સામે કોંગ્રેસે લલિત વસોયાને ઉતાર્યા છે. જૂનાગઢમાં કોંગ્રેસ કોળી જ્ઞાતિમાં પૂંજા વંશ સૌથી  મજબૂત વિકલ્પ હતા જેને ટિકિટ અપાઈ છે.

રાજકોટના બે ઉમેદવારોની બીજી વાર ટક્કર

રાજકોટના કોંગી ઉમેદવાર લલિત કગથરા ટંકારામા અગાઉ ભાજપના મોહન કુંડારિયા સામે ટકરાઈ ચૂક્યા છે. લલિત કગથરા ૨૦૧૨મા અપક્ષ તરીકે લડયા હતા એ ચૂંટણીમા કુંડરિયાને ૬૩,૬૩૦ અને લલિત કગથરાને ૧૫,૪૭૬ મત મળ્યા હતા.

સાંસદ બન્યા પછી ધારાસભ્ય પણ બન્યા

જામનગરમાં વિક્રમભાઈ માડક ૨૦૧૪મા લોકસભાની ચૂંટણી હાર્યા બાદ ૨૦૧૭માં વિધાનસભાની ખંભાળિયા બેઠકની ચૂંટણી લડી ને ધારાસભ્ય બનેલા આ જ રીતે અમરેલીમા ૨૦૦૪માં સાંસદ બનેલા વીરજી ઠુંમ્મર એ પછી લોકસભામા હાર્યા બાદ છેલ્લે ૨૦૧૭મા વિધાનસભાની લાઠી બેઠક ઉપર જીત્યા હતા. વિઠ્ઠલ રાદડિયા પણ લોકસભા-ધારાસભા બંને જીતવા-હારવાનો અનુભવ ધરાવે છે. કુંવરજી બાવળિયા પણ ૨૦૦૯ સાંસદ બન્યા બાદ  ૨૦૧૪માં હાર્યા હતા અને એ પછીથી તે જસદણમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.

૬ વખત ધારાસભ્ય પૂંજા વંશને જૂનાગઢથી ટિકિટ

ઉનામા ૬ વખત ધારાસભ્ય કોળી જ્ઞા।તિના અગ્રણી પૂંજા વંશને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે લડાવ્યા હતા. અહીં તેમનો રાજેશ ચૂડાસમાની સામે પરાજ્ય થયો હતો. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પછી તેઓ મેદાનમાં ઉતર્યા હતા અને ઊના બેઠકથી ૪,૯૨૮ મતે જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post કોંગ્રેસની જૂની ફોર્મ્યુલા, સૌરાષ્ટ્ર ફતેહ કરવા ધારાસભ્યો મેદાને appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/congress-old-form/
via Best Gujarati News

0 Comments