ચિટચેટ ઓન  GST : નયન શેઠ

GSTમાં કોઈ પણ નોંધાયેલ વ્યક્તિને કેટલીક શરતોને આધીન પોતાના ખરીદેલ માલ કે સેવાની પ્રાપ્તિ પર ચૂકવેલ GSTની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળવાપાત્ર છે. કાયદાનું અમલીકરણ શરૂ થયું ત્યારે કોઈ પણ ITCને હકદાર વ્યક્તિ પોતાની મરજી અનુસાર આવી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરી શકતા હતા. એક અગત્યની શરત ફક્ત એવી હતી કે, CGSTની ક્રેડિટ SGSTની વેરાકીય જવાબદારી સામે અથવા SGSTની ક્રેડિટ CGSTની  વેરાકીય જવાબદારી સામે સરભર કરી શકાય નહીં.

IGSTની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ GSTની કોઈ પણ કાયદા હેઠળની વેરાકીય જવાબદારી સામે કરી શકાતો હતો. તા. ૧-૨-૧૯થી GST કાયદાઓમાં દાખલ થયેલ કલમ ૪૯એ હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે IGST કાયદા હેઠળની મળવાપાત્ર ITCનો પૂરેપૂરો ઉપયોગ કરી દીધા પછી જ અન્ય GST કાયદા હેઠળની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત પ્રથમ IGSTની ITCનો ઉપયોગ કર્યા બાદ CGST કાયદાની ITC વાપરવાની રહે અને ત્યાર બાદ  SGST કાયદાની ITC વાપરી શકાય. આવી જોગવાઈના કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ કેટલાક કેસોમાં કોઈ કાયદામાં વણવપરાયેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટ હોવા છતાં નોંધાયેલ વ્યક્તિને રોકડેથી વેરો ભરવાની જવાબદારી ઉપસ્થિત થાય. આ સુધારા અંગે ઘણાં મંડળો દ્વારા વાંધો લેવામાં આવતા અંતે તા. ૨૯-૩-૧૯ના  જાહેરનામા નંબર ૧૬/૨૦૧૯- Central Tax દ્વારા નિયમ ૮૮એ CGST નિયમોમાં અને તેવી જ રીતે SGSTના નિયમોમાં દાખલ  કરવામાં આવેલ છે. આ અંગેની સ્પષ્ટતા તા. ૨૩-૪-૧૯ના GST પોલિસી વિંગના પરિપત્ર નંબર ૯૮/૧૭/૨૦૧૯-GST દ્વારા આપવામાં આવી છે. આ સુધારાની માહિતી આ લેખમાં આપેલ છે.

નવા નિયમ ૮૮એની જોગવાઈ

નવા નિયમ ૮૮એની જોગવાઈ મુજબ IGST કાયદાની ઈનપુટ ટેક્સ ક્રેડિટને IGST કાયદા હેઠળની વેરાકીય જવાબદારી સામે વાપરવાની રહેશે અને ત્યાર બાદ જો ઈનપુટ ટેક્સ ક્રેડિટ બચતી હોય તો તેવી ક્રેડિટને SGST કે CGST કાયદાઓ હેઠળની વેરાકીય જવાબદારી માટે જે ક્રમમાં વાપરવી હોય તે ક્રમમાં નોંધાયેલ વ્યક્તિ વાપરી શકશે. હવે નવા નિયમ હેઠળ ફક્ત શરત એક જ છે કે, પહેલાં IGST કાયદા હેઠળની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો રહેશે અને ત્યાર બાદ SGST કે CGST કાયદાઓ હેઠળની ઈનપુટ ટેક્સ ક્રેડિટને IGST, CGST કે SGST કાયદાની વેરાકીય જવાબદારી સામે કાયદા અનુસાર સરભર કરી શકાશે.

નવા નિયમ પ્રમાણે ITCનો ઉપયોગ

ઉપર મુજબના નવા નિયમ  ૮૮એ અન્વયે ITCનો ઉપયોગ નીચે મુજબ કરી શકાશે : IGSTની ITC પહેલાં પૂરેપૂરી IGSTની વેરાકીય જવાબદારી સામે વાપરવાની રહેશે. ત્યાર બાદ IGSTની ITC વધતી હોય તો તેનો પૂરેપૂરો ઉપયોગ CGST કે SGSTની વેરાકીય જવાબદારી સામે જે પ્રમાણમાં વાપરવો હોય તે અનુસાર કરી શકાશે. શરત ફક્ત એટલી કે અન્ય કાયદા હેઠળની ITC વાપરતા પહેલાં IGSTની બધી જ ITC કોઈ પણ GST કાયદા હેઠળની વેરાકીય જવાબદારી સામે પૂરેપૂરી વપરાઈ જવી જોઈએ. CGSTની ITC પહેલાં CGST કાયદાની વેરાકીય જવાબદારી સામે વાપરવાની રહેશે અને પછી જો વધે તો તેને IGSTની વેરાકીય  જવાબદારી સામે વાપરી શકાશે. SGSTની જવાબદારી સામે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

SGSTની ITC પહેલાં  SGST કાયદાની વેરાકીય જવાબદારી સામે વાપરવાની રહેશે અને પછી જો વધે તો તેને IGST કાયદાની વેરાકીય જવાબદારી સામે સરભર કરી શકાશે. CGSTની જવાબદારી સામે તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

ITC વાપરવા માટેનું ઉદાહરણ

નિયમ ૮૮એથી ITC વાપરવા અંગે થયેલ ઉપરોક્ત સુધારાને પરિપત્રમાં નીચેનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવેલ છે. માની લો કે કોઈ કેસમાં વેપારીની વેરાકીય જવાબદારી અને મળવાપાત્ર ITC નીચે મુજબ છે :

કાયદો                  વેરાકીય જવાબદારી    મળવાપાત્ર ITC

IGST                   ૧૦૦૦                                 ૧૩૦૦

SGST                   ૩૦૦                                   ૨૦૦

CGST                   ૩૦૦                                   ૨૦૦

કુલ                     ૧૬૦૦                                 ૧૭૦૦

ઉપર મુજબના સંજોગોમાં ITC નીચે મુજબ વાપરી શકાશે :

મળવાપાત્ર     IGSTની વેરાકીય                        CGSTની વેરાકીય       SGSTની વેરાકીય       વધારાની

ITC                     જવાબદારી                     જવાબદારી                     જવાબદારી                  ITC

IGST                   ૧૦૦૦                           ૨૦૦                                   ૧૦૦                                   ૦

CGST                   ૦                                      ૧૦૦                              –                                       ૧૦૦

SGST                   ૦                                      –                                       ૨૦૦                                   ૦

કુલ                     ૧૦૦૦                           ૩૦૦                              ૩૦૦                                   ૧૦૦

અગાઉ જણાવ્યા મુજબ IGSTની ICT પૂરેપૂરી વાપરવાની શરત હોવા છતાં IGSTની વેરાકીય   જવાબદારી સામે IGSTની ITC સરભર કર્યા બાદ તેને દરેક વ્યક્તિ પોતાની મરજી અનુસાર CGST કે SGSTની જવાબદારી  સામે વાપરી શકે છે. આથી ઉપર મુજબના ઉદાહરણના બદલે કોઈ વ્યક્તિ નીચે મુજબ પણ ITC વાપરી શકશે :

મળવાપાત્ર     IGSTની વેરાકીય                        CGSTની વેરાકીય       SGSTની વેરાકીય       વધારાની

ITC                     જવાબદારી                     જવાબદારી                     જવાબદારી                     ITC

IGST                   ૧૦૦૦                                 ૧૦૦                                   ૨૦૦                              ૦

CGST             ૦                                      ૨૦૦                              –                                       ૦

SGST                   ૦                                      –                                       ૧૦૦                                   ૧૦૦

કુલ                     ૧૦૦૦                           ૩૦૦                              ૩૦૦                              ૧૦૦

સિસ્ટમમાં સુધારો થાય ત્યાં સુધી જૂની જોગવાઈ મુજબ અમલ કરી શકાશે

પરિપત્રમાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે કાયદા અને નિયમોમાં  ઉપર મુજબના સુધારા થયેલ હોવા છતાં પત્રક ભરવા માટેની GST સિસ્ટમમાં અગાઉની જોગવાઈ મુજબ જ વેરાકીય જવાબદારી નક્કી થઈ શકે છે. આથી નવા સુધારા મુજબ સિસ્ટમમાં સુધારા દાખલ થાય ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે ITC વાપરવાનું  કરદાતા ચાલુ રાખી  શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ITCને કેવી રીતે વાપરી શકાશે? appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/how-to-use-itc/
via Best Gujarati News

0 Comments