ફિઝિશિયન માટેના ફ્રી સેમ્પલની દવા પરની એક્સાઈઝની જવાબદારી
GSTના આટાપાટા : પરેશ દવે
સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટી માલનાં ઉત્પાદન પરનો કર છે, માલના વેચાણ પર નહીં. એટલે ઉત્પાદન કરેલ માલ નિઃશુલ્ક આપી દેવાય તો પણ આવાં માલ પર એક્સાઇઝ ડયૂટી ભરવાની જવાબદારી થાય છે. જ્યારે માલનું વેચાણ થાય ત્યારે આવા સોદામાં વેચાણ કિંમત પર ડયૂટી ભરવાની થાય છે. પરંતુ જ્યારે માલ નિઃશુલ્ક આપી દેવામાં આવે ત્યારે વેચાણકિંમત નહીં હોવાથી કઈ કિંમત પર ડયૂટી ભરવી એ પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રશ્ન દવાનું ઉત્પાદન કરનાર માટે ઘણો પેચીદો સાબિત થયો છે કારણ કે ડોક્ટરો માટે ફ્રી સેમ્પલ આપવાની પ્રથા આ વ્યાપારમાં પ્રચલિત છે, અને આ અંગે વારંવાર અનેક પ્રકારની સ્પષ્ટતાઓ કરવામાં આવેલ છે જેના કારણે આ પ્રશ્ન વધુ પેચીદો બનેલ છે. અંતે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાં પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
સરકારનો તા. ૧ જુલાઈ, ૨૦૦૨નો પરિપત્ર
ફિઝિશિયન માટે ફ્રી સેમ્પલ આપવાની પ્રથા લગભગ બધાં જ દવા ઉત્પાદકોમાં સામાન્ય છે. આવા ફ્રી સેમ્પલ પર ડયૂટી ભરવા તેની કિંમતની આકારણી માટે સરકારે તા. ૧-૭-૨૦૦૨ના રોજ પરિપત્ર નં. ૬૪૩ દ્વારા સ્પષ્ટતા કરેલી કે આવા સેમ્પલનું વેચાણ નહીં થતું હોવાથી તેની કિંમતની આકારણી આવી દવાઓમાં વપરાયેલ કાચા માલની કિંમત તથા ઉત્પાદન ખર્ચનો સરવાળો કરી તે રકમને ફ્રી સેમ્પલની કિંમત ગણીને તે રકમ પર ડયૂટી ભરવાની રહેશે. આ સિદ્ધાંત અનુસાર જુલાઈ, ૨૦૦૨થી ડયૂટી ભરવામાં આવતી હતી.
તા.૨૫-૪-૨૦૦૫નો પરિપત્ર
જુલાઈ ૨૦૦૦થી અમલી પદ્ધતિને ખોટી રીતે ગણાવતો નવો પરિપત્ર નં. ૮૧૩ તા. ૨૫-૪-૨૦૦૫ના રોજ સરકારે બહાર પાડયો અને અગાઉનો પરિપત્ર રદ કર્યો. નવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે વેલ્યૂએશનના નિયમ નં. ૪ મુજબ ફ્રી સેમ્પલની કિંમતની આકારણી કરવાની રહેશે. નિયમ નં.૪ની જોગવાઈ છે કે જ્યારે માલનું વેચાણ ન થતું હોવાથી તેની વેચાણ કિંમત મળે તેમ ન હોય ત્યારે આવા માલની કિંમત આ જ પ્રકારના અન્ય માલનું વેચાણ થયું હોય તો આવા અન્ય પણ સરખાં માલની વેચાણ કિંમત પરથી આકારવાની રહેશે. અગાઉના પરિપત્રમાં કાચા માલની કિંમત અને ઉત્પાદનના ખર્ચના સરવાળા પર ડયૂટી ભરવા કહેવામાં આવેલું જ્યારે નવા પરિપત્રમાં આ જ પ્રકારના અન્ય માલની વેચાણ કિંમત પ્રમાણે આકારણીની જોગવાઈ હોવાથી નવા પરિપત્ર પ્રમાણે ફ્રી સેમ્પલની કિંમત વધારે ગણવી પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યારે આ જ પ્રકારના અન્ય માલની વેચાણ કિંમતને આધાર ગણવાની હોય ત્યારે ઉત્પાદકનો નફો પણ ઉમેરાય કારણ કે જ્યારે માલનું ખરેખર વેચાણ થયું હોય ત્યારે તેની વેચાણ કિંમતમાં ઉત્પાદકનો સામાન્ય નફો પણ ઉમેરાયેલો હોય તે સ્વાભાવિક છે.
બ્લૂ ક્રોસ લેબોરેટરીનો ચુકાદો
ઉપરોક્ત પરિપત્રો ઉપરાંત ફ્રી સેમ્પલની કિંમતની આકારણી બાબતે ટ્રિબ્યૂનલના અલગ અલગ ચુકાદાઓને કારણે આ પ્રશ્ન લાર્જર બેન્ચ સમક્ષ મૂકવામાં આવેલો. બ્લૂ ક્રોસ લેબોરેટરીનો આ ચુકાદો ૨૦૦૬ (૨૦૨) ઈ.એલ.ટી. પાન નં. ૧૮૨ પર રજૂ થયેલો છે. જેમાં લાર્જર બેન્ચે પણ ઠરાવ્યું છે કે ફિઝિશિયન માટેનાં ફ્રી સેમ્પલની કિંમતની આકારણી નિયમ નં. ૪ મુજબ કરવાની રહેશે. આ ચુકાદામાં લાર્જર બેન્ચે ઠરાવ્યું છે કે વેચાણ માટેની દવાઓનું બંધારણ અને ફ્રી સેમ્પલનું બંધારણ સરખું જ હોય છે, ફરક ફક્ત એટલો છે કે વેચાણની દવાઓનાં પેક મોટાં હોય છે જ્યારે ફ્રી સેમ્પલના પેક પ્રમાણમાં નાનાં હોય છે, વેચાણની દવા ૧૦ કે ૨૦ ટીકડીની સ્ટ્રીપમાં હોય જ્યારે ફ્રી સેમ્પલ ૨ કે ૪ ટીકડીના નાના પેકમાં હોય, પણ દવા/ટીકડી/ કેપ્સ્યૂલ સરખાં જ હોય છે. તેથી વેચાણની દવાઓ અને ફ્રી સેમ્પલની દવાઓ ‘સિમિલર ગુડ્સ’ ગણી શકાય અને ખરેખર વેચાયેલી દવાની કિંમતના આધારે ફ્રી સેમ્પલની કિંમત ‘ઉત્પાદન મૂલ્ય’ એટલે કે પ્રોડક્શન કાસ્ટની પદ્ધતિથી આકારવી જોઈએ તે લાર્જર બેન્ચે અમાન્ય ઠેરવી છે.
એસોસિયેશનની પિટિશન
ફ્રી સેમ્પલની કિંમત બાબતે આ બધાં પ્રશ્નો ઊભા થવાથી ઈન્ડિયન ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા ના. મુંબઈ હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરી તા. ૨૫-૪-૨૦૦૫નો ૮૧૩ નંબરનો પરિપત્ર ગેરકાયદેસરનો છે તેવી દાદ માગવામાં આવેલી. આ પિટિશનની સુનાવણી સપ્ટેમ્બર ૨૦૦૬માં થઈ ત્યારે ઉત્પાદકો તરફથી રજૂઆત કરવામાં આવી કે લગભગ ત્રણ દાયકાથી ફ્રી સેમ્પલની કિંમત કોસ્ટ ઓફ પ્રોડક્શનની પદ્ધતિથી કરવામાં આવે છે. ટ્રિબ્યૂનલના અનેક ચુકાદાઓ પણ આ પદ્ધતિ પ્રતિપાદિત કેર છે, તા. ૧-૭-૨૦૦૨નો પરિપત્ર વાજબી અને કાયદેસરનો હતો અને સરકારે બહાર પાડેલો નવો પરિપત્ર નં. ૮૧૩ રદબાતલ ઠરાવવાની જરૂર હતી પરંતુ ના. મુંબઈ હાઈકોર્ટે પણ આ દલીલો અમાન્ય ઠરાવી પિટિશન ફગાવી દીધી છે અને ઠરાવ્યું છે કે સરકારને પરિપત્ર પાછો ખેંચી નવો પરિપત્ર જારી કરવાની સત્તા છે અને તા.૨૫-૪-૨૦૦૫નો નવો પરિપત્ર કાયદેસરનો હોવાથી તેને રદબાતલ જાહેર કરવાનું કોઈ કારણ નથી. આમ ફ્રી સેમ્પલની કિંમતની આકારણીનો પ્રશ્ન હાલ પૂરતો ઉત્પાદકોની વિરુદ્ધમાં ઠરાવવામાં આવ્યો છે અને દવાના ઉત્પાદકોએ ફ્રી સેમ્પલની દવાની કિંમત આ જ પ્રકારની વેચવામાં આવેલી દવાની કિંમતના આધારે નક્કી કરી તેના પર એક્સાઈઝ ડયૂટી ભરવાની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફિઝિશિયન માટેના ફ્રી સેમ્પલની દવા પરની એક્સાઈઝની જવાબદારી appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/physician-for-free-sam-2/
via Best Gujarati News
0 Comments