કોટક FMPએ ચુકવણી મુલતવી રાખતા મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણકારોમાં ફફડાટ
નવી દિલ્હી :
કોટક એસેટ મેન્જમેન્ટના ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન (એફએમપી) અંતર્ગત પાકતી રકમ આઠમી એપ્રિલે કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ્ઝને ચૂકવવાની હતી પરંતુ આ ચુકવણી મુલતવી રાખવાને પરિણામે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે. નાણાકીય મુશ્કેલી અનુભવતી ત્રણ કંપનીઓ પાસેથી રકમ નહીં મળતા કોટક એસેટ મેનેજમેન્ટે મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણકારોની ચુકવણી મુલતવી રાખી છે. રોકાણકારોને તાજેતરમાં લખેલા પત્રમાં કંપનીએ જણાવ્યું હતું કે એફએમપી શ્રેણી ૧૮૩ હેઠળની યોજનામાં રૂ.૪૫૭ કરોડનું ભંડોળ હતું અને તે પૈકી ૨૭ ટકા રકમ હાલમાં તીવ્ર નાણાકીય ખેંચ અનુભવતી કંપનીઓમાં રોકવામાં આવી હતી. રોકાણ કરવામાં આવ્યું તે કંપનીઓમાં આઇએલ એન્ડ એફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કસ લિમિટેડ અને એસેલ ગ્રૂપની બે કંપનીઓ એડીસન યુટિલિટી અને કેન્ટી ઇન્ફ્રાપાવરનો સમાવેશ થતો હતો. એફએમપી ક્લોઝ એન્ડેડ ફંડ્ઝ છે જે ડેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કરે છે. એફએમપીમાં મ્યુચ્યુઅલ ફંડ્ઝ ઉદ્યોગના અંદાજે રૂ. ૭,૫૦૦ કરોડ એસેલ ગ્રૂપના ડેટ પેપર્સમાં ફસાયેલા છે. આ પૈકી ૫૫ ક્લોઝ એન્ડેડ એફએમપીની રૂ. ૧,૭૦૦ કરોડની રકમ આગામી ત્રણ મહિનામાં પાકવાની છે. રોકાણકારોને ચિંતા છે કે ઉદય કોટકની માલિકીના મ્યુચ્યુઅલ ફંડ્ઝ હેઠળ બે એફએમપીની મુદત આ મહિને પાકે છે અને તેનું ભાવિ પણ અંધકારમય બની શકે એવી શક્યતા છે. બે એફએમપી શ્રેણી ૧૮૭ અને ૧૨૭ આ મહિને પાકે છે તેમાં રૂ.૯૫૧ કરોડની રકમનો સમાવેશ થાય છે. બીજી બાજુએ સુભાષચંદ્રની માલિકીના ઝી ગ્રૂપમાં રૂ.૧૮૬ કરોડના રકમ ફસાયેલી છે. તદુપરાંત કોટક મ્યુચ્યુઅલ ફંડ્ઝના છ એફએમપીમાં રૂ.૨,૦૯૪ કરોડની રકમ છે અને તેની મુદત આવતા મહિને પાકે છે. કોટક મ્યુચ્યુઅલ ફંડ્ઝ દ્વારા રૂ. ૩૫૮ કરોડનું રોકાણ ઝી ગ્રૂપે જારી કરેલા ડેટ પેપર્સમાં કરવામાં આવ્યું છે. બીજી બાજુએ દેશના સૌથી મોટા ફંડ હાઉસ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીએ ૧૫ એપ્રિલે પાકતી એક એફએમપીને ૨૦૨૦ના ૨૯ એપ્રિલ સુધી લંબાવી છે. બજારમાં નાણાકીય ખેંચ ચાલુ રહેવાને કારણે કંપનીને મુદત લંબાવવાની ફરજ પડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોટક FMPએ ચુકવણી મુલતવી રાખતા મ્યુચ્યુઅલ ફંડ્ઝ રોકાણકારોમાં ફફડાટ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/kotak-fmp-payment-deferred/
via Best Gujarati News
0 Comments