। મુંબઈ ।

શેરબજારમાં ગુરુવારે નિસ્તેજ કામકાજ જોવા મળ્યું હતું અને સેન્સેક્સ તથા નિફ્ટી નજીવા વધારા સાથે બંધ થયા હતા. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૧.૬૬ પોઇન્ટ વધી ૩૮,૬૦૭.૦૧ અને નિફ્ટી ૧૨.૪૦ પોઇન્ટ વધી ૧૧,૫૯૬.૭૦ ઉપર બંધ થયા હતા.મેટલ અને આઈટી શેર્સમાં ૧-૧ ટકા ઘટાડો થયો હતો.

ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, બજાજ ઓટો અને ડો.રેડ્ડીઝ લેબ વધ્યા હતા જ્યારે વેદાંત, સન ફાર્મા, પાવર ગ્રિડ અને ટેક મહિન્દ્રા ઘટયા હતા. બજાજ ઓટોનો શેર એક તબક્કે ૧.૫૦ ટકા વધી રૂ.૨,૯૭૮.૮૫ ઉપર પહોંચ્યો હતો. કંપનીનું માર્ચનું કુલ વેચાણ ૧૮ ટકા વધી ૩.૦૨ લાખ વાહનોનું થયું હતું. શેરનો ભાવ રૂ.૫૦.૮૦ વધી રૂ.૨,૯૯૩.૭૦ ઉપર બંધ થયો હતો.  કંપનીને રૂ.૩,૦૩૦ કરોડનો ઓર્ડર મળ્યાના અહેવાલ બાદ એનબીસીસીનો શેર ૨ ટકા વધ્યો હતો. રેલ વિકાસ નિગમનો શેર રૂ.૧૯ના ભાવે લિસ્ટેડ થયા બાદ ઘટીને રૂ.૧૮.૮૦ થયો હતો. ઇશ્યૂના ભાવ કરતા શેરના ભાવમાં એક તબક્કે ૧.૦૫ ટકાનો ઘટાડો જણાયો હતો. જોકે, શેર રૂ.૦.૦૫ના વધારા સાથે રૂ.૧૯.૦૫ ઉપર બંધ થયો હતો.  કેન્સરની દવા માટે અમેરિકી એફડીએની મંજૂરી મળ્યાના અહેવાલ બાદ વોખાર્ટનો શેર શરૂઆતના કામકાજમાં ૩.૫ ટકા વધ્યો હતો. સબ્સિડિયરી એલ એન્ડ ટી શિપબિલ્ડિંગમાં ટીડકોનો ૩ ટકા શેર હિસ્સો રૂ.૩૨.૭૪ કરોડમાં ખરીદ્યો હોવાનું એલ એન્ડ ટીએ જણાવ્યું હતું. આ અહેવાલને પગલે એલ એન્ડ ટીનો શેર રૂ. ૬.૪૫ વધી રૂ.૧,૩૭૮ ઉપર બંધ થયો હતો.

રૂ.૭.૭૦ કરોડમાં કંપનીની સબ્સિડિયરી લિન્ગોટ્સ એસ્પેશ્યલ્સનો સંપૂર્ણ શેર હિસ્સો ખરીદી લીધો હોવાનું સેટકો ઓટોએ જણાવ્યું હતું. ઝામ્બિયાના ગામવાસીઓ કંપની સામે ઇંગ્લેન્ડમાં કેસ કરી શકે એમ લંડનની સુપ્રીમ કોર્ટે જણાવ્યાના બીજા દિવસે વેદાંતનો શેર રૂ. ૭.૩૫ ઘટી રૂ.૧૮૧.૧૫ ઉપર બંધ થયો હતો.

ભારે ખરીદીને પગલે તાતા સ્પોન્જ આયર્નના શેરમાં ૧ ટકાનો વધારો થયો હતો. ઝોડીઆક ક્લોથિંગ એક તબક્કે રૂ.૨૬૦.૯૦ થવા સાથે ૫૨ સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ઈન્ડિયા બુલ્સ રિયલ્ટીનો શેર ૨.૫૦ ટકા વધી રૂ.૧૨૧.૬૦ થયો હતો. એનએસઈમાં ૧.૨૦ કરોડ શેર્સનું કામકાજ થયું હતું. કંપનીએ ચેન્નઈમાં રૂ.૮૫૦ કરોડની કોમર્શિયલ પ્રોપર્ટીનું બ્લેક સ્ટોનને વેચાણ કર્યું હતું.   કંપનીઓની ચોથા ત્રિમાસિક ગાળાની આવક સંગીન રહેવાની ધારણા મોર્ગન સ્ટેન્લીએ દર્શાવી હતી જ્યારે નોમૂરાના જણાવ્યા અનુસાર ભારતીય ઓઇલ અને ગેસ કંપનીઓના પરિણામ નબળા રહેવાની શક્યતા છે.

મેટલ શેર્સમાં નીચા ભાવે કામકાજ 

મેટલ શેર્સ દબાણ હેઠળ હતા અને મેટલ કંપનીઓના શેર્સમાં નીચા ભાવે કામકાજ જોવાયું હતું. હિંદાલ્કો રૂ.૦.૪૦ ઘટી રૂ.૨૧૧.૩૦, તાતા સ્ટીલ રૂ.૮.૭૦ ઘટી રૂ.૫૩૫.૭૦ અને જિંદાલ સ્ટીલ રૂ.૬.૦૫ ઘટી રૂ.૧૭૬.૯૦ ઉપર બંધ થયા હતા.

ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામ પૂર્વે આઈટી શેર્સ ઘટયા

આઈટી શેર્સ દબાણ હેઠળ હતા. ઇન્ફોસિસ અને ટીસીએસના ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામની ૧૨મી એપ્રિલે જાહેરાત પૂર્વે વેપારીઓએ સાવચેતીભર્યો અભિગમ રાખ્યો હોવાથી આઈટી શેર્સ ઘટયા હતા. આ બંને કંપનીઓની ડોલરના આવકમાં બેથી અઢી ટકા વધારો થવાની ધારણા છે. ટીસીએસ રૂ.૨૦.૭૫ ઘટી રૂ.૨,૦૧૯.૫૦, ઇન્ફોસિસ રૂ.૧૦ ઘટી રૂ.૭૪૨.૭૦ અને ટેક મહિન્દ્ર રૂ.૯.૩૦ ઘટી રૂ.૭૮૦.૯૫ ઉપર બંધ થયા હતા.

એસ્સેલ ગ્રૂપ નિર્ધારિત સમયે રકમ ચુકવશે 

૨૦૧૯ના સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા અનુસાર પ્રત્યેક લેન્ડરને પોતે વ્યાજ સાથે રકમ ચૂકવશે એમ કહી એસ્સેલ ગ્રૂપે વધુમાં જણાવ્યું હતું કે કોટક મહિન્દ્ર એએમસી અને તેના રોકાણકારો વચ્ચે વ્યવસ્થા અંગે અમે કોઈ ટિપ્પણ કરી ન શકીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં નિસ્તેજ કામકાજ : નજીવા વધારા સાથે બંધ   appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/stock-market-pale-work-4/
via Best Gujarati News

0 Comments