। નવી દિલ્હી ।

લોકસભાની ત્રીજા ચરણની ચૂંટણીમાં મંગળવારે ૧૪ રાજ્યો અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૧૭ બેઠકો પર મતદાન યોજાયું હતું. દેશભરમાં અનેક રાજ્યોમાં EVM મશીનો તેમજ VVPAT ખોટકાયા હોવાની વ્યાપક ફરિયાદો થઈ હતી. ઉત્તર પ્રદેશ, કેરળ, ઈસ્ટ ત્રિપુરા, ગોવા અને બિહારમાં મતદારોને આને કારણે મતદાન કરવામાં ભારે તકલીફ વેઠવી પડી હતી. અનેક સ્થળે મશીનો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવતા મતદાન મોડું શરૂ થયું હતું. યુપીમાં કયાંક સપાનું બટન દબાવતા વીવીપીએટીમાં ભાજપને મત પડયાની સ્લિપો નીકળતી હતી. કેટલાક લોકોએ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. યુપીનાં રોહિલખંડમાં ૫૦ EVM બગડયાની ફરિયાદો મળી હતી જેમાં બદાયુંમાં ૨૭, બરેલીમાં ૧૪, મુરાદાબાદમાં ૧૧, સંભલમાં ૭, પીલીભીતમાં ૫ અને આઓન્લામાં ૫ મશીનો બગડયા હતા. ફિરોઝાબાદમાં વીવીપીએટી મશીનો બગડતા ૪૫ મિનિટ મતદાન રોકવું પડયું હતું. કેરળ અને બિહારનાં સુપૌલમાં પણ ઈવીએમ મશીનો ખોટકાતાં લોકોએ લાંબી લાંબી લાઇનોમાં મતદાન માટે રાહ જોવી પડી હતી.

કેરળમાં EVM બગડયાની મોટાપાયે ફરિયાદો

કેરળમાં અલાથુરમાં ૭, પલક્કડમાં ૧૧, કાસરગોડમાં ૭, પાથનમથીટ્ટામાં ૧૦ EVM મશીનો બગડયા હતા. આ ઉપરાંત અલાપુઝામાં ચેરથલામાં અને કોવાલમ ખાતે પણ EVM બગડયાની ફરિયાદો મળી હતી. પાથનમથીટ્ટા ખાતે લોકોએ સવારે ૬ કલાકથી મતદાન માટે લાઇનો લગાવી હતી પણ EVM ખોટકાયા હોવાથી ૯ વાગ્યા સુધી મતદાન શરૂ થયું ન હતું. આમ લોકોએ ૩ કલાક લાઇનમાં ઊભા રહેવું પડયું હતું. નવા મશીનો ગોઠવાયા પછી મતાધિકારનો ઉપયોગ કરી શકાયો હતો.

કેરળનાં સીએમ પિનારાઈ વિજયનની પણ EVM બગડયાની ફરિયાદ

કેરળનાં સીએમ પિનારાઈ વિજયને તેમના મતવિસ્તાર પિનારાઈ ખાતેનાં મતદાન મથકે EVM મશીનો ખોટકાયા હોવાની ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ કરી હતી કે ચૂંટણી પંચનાં અધિકારીઓએ તેને ઝડપથી રિપેર કરવા કે બદલવા માટે તસ્દી લીધી ન હતી. આને કારણે પોતાનો મત આપવા તેમણે ઘણો સમય રાહ જોવી પડી હતી. કેરળનાં મુખ્ય ચૂંટણી અધિકારી ટીકા  રામ મીણાએ પણ કેટલાક મથકો પર ઈવીએમ બગડયાનું કબૂલ્યું હતું. ભેજવાળા હવામાનને કારણે ઈવીએમ સરખા કામ કરતા ન હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી. જો કે કોવાલમમાં EVM સાથે ચેડાં થયાની ફરિયાદને તેમણે નકારી હતી.

અનેક રાજ્યોમાં કમળને મત પડતા હોવાની અખિલેશ યાદવની ફરિયાદ

સમાજવાદી પાર્ટીનાં નેતા અને યુપીનાં પૂર્વ સીએમ અખિલેશ યાદવે ફરિયાદ કરી હતી કે દેશનાં અનેક રાજ્યોમાં EVM મશીનો તેમજ VVPAT ખોટકાયા હોવાની ફરિયાદો ઊઠી છે. અનેક મતદાન મથકોએ કોઈપણ પક્ષનું બટન દબાવો તો મત ભાજપને જ પડતા હોવાની ફરિયાદો કરાઈ છે. અનેક સ્થળે મતદારોનાં નામ પણ મતદાર યાદીમાંથી ગુમ થયેલા જણાયા છે. ડીએમ દ્વારા લૂલો બચાવ કરવામાં આવે છે કે ચૂંટણી અધિકારીઓ તાલીમ પામેલા ન હોવાથી EVM ખોટકાય છે. ૩૫૦થી વધુ સ્થળે EVM બદલવામાં આવ્યા હોવાનો અધિકારીઓએ ખુલાસો કર્યો હતો. દેશમાં ચૂંટણી પાછળ જ્યારે રૂ. ૫૦,૦૦૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચાઈ રહી છે ત્યારે આ પ્રકારની ગંભીર બેદરકારી થવી ન જોઈએ તેવી ફરિયાદ તેમણે ચૂંટણી પંચને કરી હતી. જો કે યુપીનાં ચૂંટણી અધિકારીએ અખિલેશનાં આક્ષેપોને ફગાવ્યા હતા.

EVM સાથે ચેડાં અને મતો ફક્ત ભાજપને જ પડતા હોવાની શશિ થરુરની ફરિયાદ

તિરુઅનંતપુરમમાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા શશિ થરુરે કેટલાક મતદાન મથકો પર EVM મશીનો સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી હતી. અહીં પંજાનું બટન દબાવવામાં આવતા મત કમળને પડતા હોવાનું તેમણે જણાવ્યું હતું. શશિ થરુરની ફરિયાદ પછી કેટલાક મતદાન મથકોએ EVM બદલવા માટે મતદાન રોકવામાં આવ્યું હતું.

રામપુરમાં ૩૦૦થી વધુ EVM ખોટકાયા : આઝમખાનના પુત્રની ગોટાળાની ફરિયાદ

રામપુરમાં સપા અને બસપા ગઠબંધનનાં ઉમેદવાર આઝમખાન મેદાનમાં છે ત્યારે તેમનાં પુત્ર અબદુલ્લાએ ફરિયાદ કરી હતી કે અહીં ૩૦૦થી વધુ EVM બગડયા છે. પોલીસ દ્વારા ફરિયાદ કરનાર મતદારની મારપીટ કરવામાં આવે છે. જો કે રામપુરના ડીએમએ આ ફરિયાદને ખોટી ગણાવી હતી તેમણે કહ્યું કે શરૂઆતમાં સમસ્યા હતી પણ મશીનો બદલવામાં આવ્યા છે.

મુરાદાબાદમાં ભાજપ કાર્યકરોએ ચૂંટણી અધિકારી સાથે મારપીટ કર્યાની ફરિયાદ

ત્રીજા ચરણનાં મતદાનમાં દેશનાં કેટલાક સ્થળે હિંસા અને મારપીટની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. યુપીનાં મુરાદાબાદમાં ભાજપનાં કાર્યકરોની ગુંડાગર્દી સામે આવી હતી. અહીં બૂથ નંબર ૨૩૧ પર હાજર ચૂંટણી અધિકારીએ મતદારોને સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારોને અને તેના સાઇકલના ચૂંટણી ચિહનનું બટન દબાવવા કહ્યું હોવાનાં આક્ષેપો કરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ત્રીજા ચરણનાં મતદાનમાં EVM મશીનો બગડયાની વ્યાપક ફરિયાદો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/third-phase-voting-evm-m/
via Best Gujarati News

0 Comments