। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે બુધવારે અસામાન્ય પગલું લેતાં સીબીઆઈ વડા, દિલ્હીના પોલીસકમિશનર અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટરને બનાવટી યૌન ઉત્પીડન કેસમાં ભારતના ચીફ જસ્ટિસને ફસાવવા કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય કેટલાક ફિક્સરો દ્વારા ઘડી કઢાયેલા કાવતરાના આરોપો અંગે ચર્ચા કરવા તેડું પાઠવ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરિમાન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે ચર્ચા કરવા માટે તેડું મોકલ્યાં બાદ સીબીઆઈના વડા, દિલ્હીના પોલીસકમિશનર અને આઈબીના ડિરેક્ટર જજિસ ચેમ્બરમાં બપોરે ૧૨.૩૦ કલાકે પહોંચ્યા હતાં.

સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉત્સવ બેઇન્સે આરોપ મૂક્યો હતો કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે યૌન ઉત્પીડનના ખોટા આરોપો મૂકી ફસાવી દેવાનું વ્યાપક કાવતરું ઘડવામાં આવ્યું છે. ઉત્સવ બેઇન્સે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સીલબંધ કવરમાં સંબંધિત મટીરિયલ અને પુરાવા રજૂ કર્યાં હતાં. બેઇન્સ દ્વારા રજૂ કરાયેલા મટીરિયલની ગંભીર નોંધ લેતાં બેન્ચે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ ગોગોઈ સામે કાવતરું ઘડવામાં કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય ફિક્સરોની સંડોવણીના આરોપો અત્યંત ગંભીર છે અને તેની તપાસ થવી જોઈએ.

સુપ્રીમે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ સામેના યૌન ઉત્પીડનના આરોપોની ઇન હાઉસ તપાસ ચાલતી રહેશે પરંતુ ચીફ જસ્ટિસ સામેના કાવતરાની અલગ સ્વતંત્ર તપાસ કરાવવાની જરૂર છે. જોકે, તેમણે એમ પણ સ્પષ્ટતા કરી હતી કે, અમે વકીલ ઉત્સવ બેઇન્સ દ્વારા આરોપ મુકાયા પ્રમાણેના કાવતરાની તપાસ આ ત્રણમાંથી કોઇપણ એજન્સી પાસે કરાવવાનો આદેશ આપી રહ્યાં નથી. સીબીઆઈ વડા, દિલ્હીના પોલીસકમિશનર અને આઈબીના વડાને તેડું પાઠવતાં પહેલાં ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે, બાહ્ય પરિબળો દ્વારા ન્યાયતંત્રના સંચાલન પર કબજો જમાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ખંડપીઠે કહ્યું કે રંજન ગોગોઈની સામેના કથિત કાવતરા તથા સનસનીખેજ દાવાના મૂળ સુધી જઈને તપાસ કરીશું.

ચીફ જસ્ટિસ સામેના આરોપની ચકાસણી કરવા શુક્રવારે સમિતિની પહેલી બેઠક, આરોપ મૂકનારી મહિલા અને સુપ્રીમના સેક્રેટરી જનરલને હાજર રહેવા આદેશ

એક નવો ચીલો પાડનાર નિર્ણય અંતર્ગત જસ્ટિસ એસ એ બોબડેના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના ૩ જજની સમિતિ ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે નોકરીમાંથી હાંકી કઢાયેલી જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ દ્વારા કરાયેલા યૌન ઉત્પીડનના આરોપોની તપાસ કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ તેમની સામે મુકાયેલા આરોપોને આકરા શબ્દોમાં વખોડી ચૂક્યાં છે. તેમણે  શંકા વ્યક્ત કરી હતી કે, આ પ્રકારના આરોપો પાછળ મોટા માથાઓ કામ કરી રહ્યાં છે.

આ પેનલમાં જસ્ટિસ એનવી રામના અને જસ્ટિસ ઇન્દિરા જયસિંહનો સમાવેશ કરાયો છે. સમિતિની પસંદગીને રચનાને ફુલ કોર્ટ મિટિંગમાં સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોની સહમતીથી મંજૂરી આપી દેવામાં આવી છે. પેનલે મંગળવારથી જ કામગીરનો પ્રારંભ કરી દીધો હતો અને ચીફ જસ્ટિસ સામે ફરિયાદ કરનારી સુપ્રીમ કોર્ટની પૂર્વ કર્મચારી અને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ સંજીવ કલગાંવકરને શુક્રવારે પેનલની પહેલી બેઠકમાં હાજર રહેવાના આદેશ જારી કર્યા છે. પેનલે સુપ્રીમના સેક્રેટરી જનરલ કલગાંવકરને બરતરફ કરાયેલી મહિલા કર્મચારી અંગેના તમામ રેકોર્ડ લઇને હાજર રહેવાનું ફરમાન અપાયું છે, આ મહિલા ચાર વર્ષ સુપ્રીમ કોર્ટના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી ચૂકી છે. ફુલ કોર્ટ મિટિંગમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો કે, સીજેઆઇ પર યૌન ઉત્પીડનના આરોપો મુકાયા પછી સર્જાયેલા વિવાદનું શમન કરવા માટે સુપ્રીમ કોર્ટના ૩ જજની તપાસ સમિતિની રચના અત્યંત જરૂરી હતી. જસ્ટિસ ઈંદિરા બેનરજી મહિલા હોવાથી તપાસ સમિતિમાં તેમનો પણ સમાવેશ કરાયો છે.

તમામ કાર્યવાહી બંધ બારણે, વકીલોની જરૂર નથી : જસ્ટિસ બોબડે

જસ્ટિસ બોબડેએ જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ સામેના આરોપોની તપાસ અને ચકાસણી બંધ બારણે કરાશે. તેમાં વકીલોની કોઇ જરૂર નથી કારણ કે આ વિધિવત્ ન્યાયિક પ્રક્રિયા નથી. તે ઉપરાંત તપાસ પૂરી કરવા માટે અમને કોઇ સમયમર્યાદા આપવામાં આવી નથી. તપાસમાંથી શું બહાર આવે છે તેના પર ભવિષ્યના પગલાંનો આધાર છે.

આરોપ મૂકનારી મહિલા સામેની તપાસ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન

ચીફ જસ્ટિસ પર યૌન ઉત્પીડનના આરોપ મૂકનારી મહિલાને કુદરતી ન્યાય નથી મળી રહ્યો હોવાનો આરોપ રાજ્યસભા સચિવાલયના અધિકારી લક્ષ્મણસિંહ નેગીએ મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આરોપ મૂકનારી મહિલાની સામે જ તપાસનો આદેશ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વરુદ્ધ છે. નેગીએ મહિલા વતી કેસ લડવાની પરવાનગી આપવા વિનંતી કરી હતી પરંતુ મારી અરજી નકારી કાઢવામાં આવી છે. મહિલાને પોતાની રજૂઆત કરવાની તક આપવામાં આવી રહી નથી.

વકીલ ઉત્સવ બેઇન્સે સીજેઆઈ સામેના કાવતરા અંગેના પુરાવા સીલબંધ કવરમાં સુપ્રીમને સોંપ્યા

સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઉત્સવ બેઇન્સે આરોપ મૂક્યો હતો કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે યૌન ઉત્પીડનના ખોટા આરોપો મૂકી ફસાવી દેવાનું વ્યાપક કાવતરું ઘડવામાં આવ્યું છે. ઉત્સવ બેઇન્સે બુધવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સીલબંધ કવરમાં સંબંધિત મટીરિયલ અને પુરાવા રજૂ કર્યાં હતાં. ઉત્સવ બેઇન્સ દ્વારા રજૂ કરાયેલા મટીરિયલની ગંભીર નોંધ લેતાં બેન્ચે જણાવ્યું હતું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ સામે કાવતરું ઘડવામાં કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય ફિક્સરોની સંડોવણીના આરોપો અત્યંત ગંભીર છે અને તેની તપાસ થવી જોઇએ.

સુપ્રીમના ઇતિહાસમાં પહેલી વાર CJI સામે તપાસ

સુપ્રીમ કોર્ટના ૬૯ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચીફ જસ્ટિસ સામે મુકાયેલા યૌન ઉત્પીડનના આરોપોની સુપ્રીમના ૩ જજની તપાસ સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ પહેલાં કોઇ ચીફ જસ્ટિસ સામે આ પ્રકારના યૌન ઉત્પીડનના આરોપો મુકાયાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post CJI પર આક્ષેપના મૂળિયા  ઊંડાં,  છેક સુધી જઈને તપાસ કરીશું : સુપ્રીમ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/cji-on-allegation-roots-deep/
via Best Gujarati News

0 Comments