કાશ્મીરમાં જવાહર ટનલ પાસે સીઆરપીએફના કાફલા સાથે કાર ટકરાઈ, વિસ્ફોટમાં કાર નષ્ટ
। શ્રીનગર ।
જમ્મુ-કાશ્મીરમાં શનિવારે ત્રણ આતંકવાદી ઘટનાઓ બની હતી. આતંકવાદીઓએ સવારે સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બારામુલા ચોકમાં એક સ્થાનિક નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પુલવામા ખાતે એસબીઆઈના બ્રાન્ચ સામે આવેલી સીઆરપીએફની ચોકી ઉપર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. તેમાં એક જવાનને ઈજા થઈ હતી. સીઆરપીએફના કાફલા પર ફરી એકવાર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હોવાની શંકા સેવાઇ રહી છે. શનિવારે સવારે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર બનિહાલમાં જવાહર ટનલ નજીકના પીર મોથ ખાતે એક સેન્ટ્રો કારમાં રહસ્યમય સંજોગોમાં શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. જેના કારણે કારના ફુરચેફુરચા ઊડી ગયાં હતાં. આ કાર ત્યાંથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલાની એક બસ સાથે ટકરાઇ હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયાં છે. જે બસ સાથે ટક્કર થઈ તેને સામાન્ય નુકસાન થયું છે. જવાનોને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.
ભર બજારમાં નાગરિક પર હુમલો કરાયો
આતંકવાદીઓ દ્વારા બારામુલાના મુખ્ય ચોકમાં સ્થાનિક નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ હુમલો કરીને નાગરિકની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ પહેલાં તેમણે પુલવામા ખાતે સીઆરપીએફનાની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓએ શનિવારે બપોરે ૩:૩૦ કલાકે આસબીઆઈ શાખાની સામે બનેલી સીઆરપીએફની પોસ્ટ ઉપર ગ્રેનેડ ફેંકાયો હતો. તેમાં એક જવાનને ઈજા થઈ હતી.
બનિહાલની ઘટના સવાલોના ઘેરામાં
૧. શું ફરી એકવાર પુલવામા જેવો હુમલો કરવાનું આતંકીઓએ કાવતરું ઘડયું હતું?
૨. ફરી એકવાર CRPFનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે કાર કેવી રીતે આવી?
૩. કારમાં બે એલપીજી સિલિન્ડર. યુરિયા અને તેલની બોટલો છતાં ફુરચેફુરચા કેવી રીતે ઊડી ગયાં
૪. હાઇવે પર કાર કોણ લઇને આવ્યું, કારમાં આગ લાગ્યા પછી ડ્રાઇવર ક્યાં ફરાર થઇ ગયો?
બનિહાલ પાસે હુમલો કરવામાં આવ્યો
સૂત્રોએ જણાવ્યું હતું કે, કારમાં રખાયેલા એલપીજી સિલિન્ડરના કારણે વિસ્ફોટ થયો હોવાનું માનવામાં આવે છે. આ કાર શ્રીનગર તરફથી આવી રહી હતી. સવારે ૧૦.૩૦ કલાકે આ કાર ત્યાંથી પસાર થઇ રહેલા સીઆરપીએફના કાફલાની એક બસ સાથે પાછળથી ટકરાઈ હતી. સીઆરપીએફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીઆરપીએફનો કાફલો જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહ્યો હતો ત્યારે બનિહાલ નજીક એક કારમાં વિસ્ફોટ થયો ગતો. કારમાં આગ ફાટી નીકળી હતી. સીઆરપીએફની એક બસ સાથે ટકરાવાના કારણે બસના પાછળના હિસ્સાને નુકસાન થયું હતું. જોકે આ દુર્ઘટનામાં સીઆરપીએફના કોઇ જવાનને નુકસાન થયું નથી. તપાસ એજન્સીઓ તમામ એંગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે.
કારનો ડ્રાઇવર કૂદીને નાસી ગયો !
જમ્મુ ઝોનના આઈજીપી એમ. કે. સિંહાએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોની એક ટુકડી ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. તેઓ રિપોર્ટ ન આપે ત્યાં સુધી આ વિસ્ફોટ અંગે અમે કશું કહી શકતાં નથી. કારમાં એક એલપીજી સિલિન્-ડરમાં વિસ્ફોટ થયો હતો જ્યારે બીજો એક સિલિન્ડર અકબંધ મળી આવ્યો હતો. કારમાં પહેલાં આગ લાગી હતી અને ત્યારબાદ તેમાં વિસ્ફોટ થયો હતો. કારનો ડ્રાઇવર કૂદીને નાસી છૂટયો હતો. તેની શોધખોળ ચાલી રહી છે.
કારમાં શું હતું?
પોલીસના જણાવ્યા પ્રમાણે કારમાં એલપીજીના બે સિલિન્ડર હતા. તે ઉપરાંત તેમાં યુરિયા અને તેલના કેરબા હતા. તે સિવાય કોઈ વિસ્ફોટકો હોવાની હજી સુધી કોઈ માહિતી મળી નથી. તેમ છતાં ગાડીના જે રીતે ફુરચા ઊડી ગયા છે તે જોતાં લાગી રહ્યું છે કે તેમાં વિસ્ફોટકો પણ હશે. હાલમાં ગાડીના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે. એક્સ્પર્ટ રિપોર્ટ આવ્યા બાદ જ તેના વિશે સાચી માહિતી બહાર આવશે.
CRPFનો કાફલો જતો હોય ત્યારે જ કેમ આવું થાય છે?
પુલવામા હુમલા બાદ સતત એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, જ્યારે પણ CRPFનો કાફલો નીકળે છે ત્યારે સામાન્ય વાહનોની અવર જવરને શા માટે પરવાનગી આપવામાં આવે છે. પુલવામા સમયે પણ આતંકી ગાડી લઈને કાફલાની વચ્ચે ઘૂસી ગયો હતો. તાજેતરની બનિહાલની ઘટનામાં પણ હુમલાખોર ગાડી લઈને CRPFના કાફલામાં ઘૂસી ગયો હતો. CRPFના જવાનોની અવર જવરની માહિતી લીક થઈ રહી હોવાની પણ ચર્ચાએ જોર પકડયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post કાશ્મીરમાં જવાહર ટનલ પાસે સીઆરપીએફના કાફલા સાથે કાર ટકરાઈ, વિસ્ફોટમાં કાર નષ્ટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/kashmir-jawahar-tunnel-pass/
via Best Gujarati News
0 Comments