અરુણાચલમાં લોકસભાની ચૂંટણી પછી વિકાસનું ડબલ એન્જિન દોડશે : મોદી
। આલો / ઇટાનગર ।
પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીનાં પહેલા ચરણનાં મતદાન માટે શનિવારે અરુણાચલ પ્રદેશ અને આસામમાં રેલીને સંબોધી હતી. મોદીએ અરુણાચલનાં લોકોને ભારે મતદાન કરીને ચૂંટણીમાં ભાજપને બહુમતીથી ચૂંટી કાઢવાની અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણી પછી અરુણાચલમાં વિકાસનું ડબલ એન્જિન દોડશે તેવી ખાતરી આપી હતી. મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે અરુણાચલનાં યુવાનો કેન્દ્ર અને રાજ્યમાં એનડીએની સરકારને ચૂંટશે જેથી વિકાસનું ડબલ એન્જિન દોડાવી શકાય. દેશનાં આ ચોકીદારે અરુણાચલને આઝાદીનાં ૭૦ વર્ષ પછી રેલવેના નકશા પર મૂક્યું છે અને દેશનાં અન્ય રાજ્યો સાથે જોડયું છે. ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં અરુણાચલમાં ભાજપનું કમળ પહેલા ખીલશે. અરુણાચલ હંમેશાં ભાજપ માટે સૌભાગ્ય લાવનાર રાજ્ય છે. મને ખાતરી છે કે અરુણાચલનાં મતદારો રાજ્ય વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીમાં ભાજપનાં કમળને મત આપીને ભાજપને ચૂંટી કાઢશે. ઉત્તર પૂર્વનાં રાજયોની ૨૫ લોકસભા સીટ જીતવા માટે ભાજપનું લક્ષ્ય છે.
અરુણાચલમાં લોકસભાની ૨ અને વિધાનસભાની ૬૦ સીટ માટે ૧૧ એપ્રિલે જ્યારે આસામમાં લોકસભાની ૧૪ સીટ માટે ૧૧, ૧૮ અને ૨૩ એપ્રિલે મતદાન થવાનું છે. એનડીએને અગાઉની ચૂંટણીમાં અહીંથી ૮ સીટ મળી હતી.
જો જામીન ન મળ્યા હોત તો ક્યાં હોત : રાહુલ ગાંધી પર મોદીનો કટાક્ષ
મોદીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો કે જો તેમને જામીન ન મળ્યા હોત તો તેઓ અત્યારે ક્યાં હોત. તેઓ ચોકીદારને ગાળો આપી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનાં નેતાઓ ઇન્કમટેક્સની ચોરી કરે છે. નામદાર પોતે હાલ જામીન પર છૂટેલા છે જો તેમને જામીન ન મળ્યા હોત તો તેઓ હાલ ક્યાં હોત? દેશ કોઈ સિદ્ધિ હાંસલ કરે ત્યારે નામદાર અને તેમનાં રાગદરબારીઓનાં ચહેરા વિલાઈ જાય છે. ફક્ત રોવાનું જ બાકી રહે છે.
નામદારને તમારી ભલાઈની નહીં, મલાઈની ચિંતા છે : મોદી
અમે લોકોની ભલાઈ માટે કામ કરીએ છીએ ત્યારે તેઓ મલાઈ માટે કામ કરે છે. કોંગ્રેસની હંમેશાં કરપ્શન સાથે જ સાઠગાંઠ રહી છે. અરુણાચલમાં જે લોકો તમારા ખિસ્સામાં પૈસાની ચોરી કરે છે તેમને દિલ્હીમાં બેઠેલા તેમના નેતા પાસેથી પ્રેરણા મળે છે.
કોંગ્રેસે આપણા વૈજ્ઞાનિકોની હાંસી ઉડાવી : મોદી
મોદીએ કહ્યું કે જ્યારે મિશન શક્તિ દ્વારા ૩૦૦ કિ.મી. દૂર અવકાશમાં ભ્રમણ કરતો ઉપગ્રહ તોડી પાડવાની સિદ્ધિ નોંધાવી ત્યારે કોંગ્રેસે આપણા વૈજ્ઞા।નિકોની હાંસી ઉડાડી હતી.
ચોકીદારથી કોંગ્રેસને તકલીફ
મોદીએ આસામનાં દિબ્રુગઢમાં રેલીને સંબોધન કરીને કહ્યું હતું કે, દેશનાં આ ચોકીદારથી ફક્ત બે લોકો જ પરેશાન છે. એક કોંગ્રેસ અને બીજા આતંકવાદીઓ. આખો દેશ જ્યારે જશ્ન મનાવી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના નેતાઓની આંખોમાંથી આંસુ ટપકતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post અરુણાચલમાં લોકસભાની ચૂંટણી પછી વિકાસનું ડબલ એન્જિન દોડશે : મોદી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/arunachal-lok-sabha-elect/
via Best Gujarati News
0 Comments