એન.ડી.તિવારીના પુત્ર રોહિતની હત્યા તેની જ પત્ની અપૂર્વાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ
। નવીદિલ્હી ।
ઉત્તરાખંડના પુર્વ મુખ્યપ્રધાન એન.ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે દિલ્હી પોલીસે બુધવારે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે ઉલટતપાસ દરમિયાન અપૂર્વાએ રોહિતની હત્યા કરી હોવાની વાત કબૂલી લીધી છે. રોહિતના માતા ઉજ્વલા તિવારીએ કહ્યું હતું કે પ્રેમલગ્ન પછી પુત્ર અને પુત્રવધૂના સંબંધોમાં તણાવ હતો. અપૂર્વા કુટુંબની સંપત્તિ પર કબજો કરવા માંગતી હતી.૧૬ એપ્રિલના રોજ રોહિતનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૃંધાવાથી રોહિતનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી હતી. દિલ્હીની સાકેત અદાલતે અપૂર્વાને બે દિવસ પોલીસ કસ્ટડીમાં સોંપી દીધી છે.
દિલ્હીના અધિક પોલીસ કમિશનર રાજીવ રંજન જણાવે છે કે,’ વૈજ્ઞાનિક પુરાવા અને ફોરેન્સિક પુરાવા આધારે અપૂર્વાની ધરપકડ થઇ છે. અપૂર્વાએ પતિની હત્યા કર્યાની કબુલાત કરી લીધી છે. અપૂર્વા જણાવી ચુકી છે કે લગ્નજીવનથી ખુશ નહોતી. ૧૬ એપ્રિલના રોજ તે રાતે પત્ની અપૂર્વા પતિ રોહિતના ખંડમાં ગઇ હતી. હત્યા કરીને પુરાવાનો નાશ કર્યો હતો. ઘટનાક્રમ દોઢ કલાક ચાલ્યો હતો.’ રોહિત અને અપૂર્વાના લગ્ન ગયા વર્ષે મે મહિનામાં જ થયા હતા.
રોહિતના ફોન પરથી ૪.૧૦એ થયો કોલ
પોલીસના જણાવ્યા મુજબ રોહિતના ગરદન પર તેને ઘસડવામાં આવ્યો હોવાના નિશાન મળ્યા છે. તેથી મંગળવારે અપૂર્વાના નખ અને વાળ લઇને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ કોલ ડિટેલ મુજબ ઘટના બની તે રાતે રોહિતના ફોન પરથી ૪.૧૦ના સુમારે કુમકુમ નામની મહિલાને ફોન થયો હતો. તેમાં કેટલાક લેન્ડલાઇન નંબર પણ મળ્યા છે. પોસ્ટમોર્ટમ અહેવાલમાં હત્યાનો સમય રાતે દોઢથી અઢી વાગ્યા વચ્ચેનો આવ્યો છે.
મોઢું અને ગળું દબાવી પતિની કરી હત્યા
અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. ક્રાઇમ બ્રાંચનું માનવું છે કે રોહિત શેખર ઉર્ફે તિવારી સાથેના લગ્નજીવનમાં અપૂર્વા શુક્લ(તિવારી) ખુશ નહોતી. તેને પગલે અપૂર્વાએ એકલે હાથે રોહિતનું ગળું અને મોઢું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. હત્યામાં અન્ય કોઇ સામેલ નહોતું. રોહિત અને અપૂર્વા વચ્ચે પ્રથમ મુલાકાત મેટ્રીમોનિયલ સાઇટની મદદથી થઇ હતી. તે પછી ૨૦૧૭માં બંને લખનઉ ખાતે મળ્યા હતા અને પ્રેમ થઇ ગયો હતો. ૧૧મેના રોજ દિલ્હીમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.
સીસીટીવી ફૂટેજ અને ત્રણ કલાકનો ખેલ
ક્રાઇમ બ્રાન્ચ ઘટનાના અંતિમ ત્રણ કલાકનો ભેદ ઉકેલવા પ્રયાસશીલ હતી. રાતે ૧ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી ઘટનાક્રમ ચાલ્યો હતો. સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું હતું કે રાતે ૧૧.૩૦ના સુમારે રોહિત ઘરના પહેલા માળે આવેલા ખંડમાં જઇને સુઈ ગયો હતો. તે પછી રાતે દોઢ વાગે અપૂર્વા ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલે માળે ગઇ હતી. સીસીટીવીમાં દેખાય છે કે તે રોહિતના ખંડમાં ગઇ હતી. એક કલાક પછી અઢી વાગે પહેલા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર પાછી ફરતી પણ સીસીટીવીમાં જોવા મળે છે. પોલીસનું કહેવું છે કે તે દરમિયાન પતિ પત્ની વચ્ચે મારામારી થઇ હશે.
અપૂર્વા છે સુપ્રીમ કોર્ટની વકીલ
રોહિત શેખર હત્યાકેસમાં પોલીસનું કહેવું છે કે આરંભે રોહિતનું મૃત્યુ હાર્ટએટેક કે બ્રેન હેમરેજ મનાઇ રહ્યું હતું , પરંતુ પોસ્ટર્મેર્ટમ રીપોર્ટમાં ગળુ દબાવીન હત્યા થયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસનું માનવું છે કે અપૂર્વા સુપ્રીમ કોર્ટની વકીલ હોવાથી કાયદાથી બચવાનો રસ્તો જાણતી હતી. તેથી જ હત્યાને દુર્ઘટનામાં ખપાવવા પ્રયાસ કરી રહી હતી.
હત્યા પહેલાં આપી હશે દવા, હત્યા પછી મોબાઇલ ફોર્મેટ થયો
પોલીસનું માનવું છે કે ગળું દબાવીને હત્યા કરતાં પહેલાં રોહિતને બેહોશ કરવાની કોઇક દવા અપાઇ હશે. રોહિતની આંગળીઓ અને અન્ય ભાગ વાદળી થઇ ગયા હોવાથી પોલીસ આ શંકા સેવી રહી છે. હત્યા પછી તરત અપૂર્વાએ પોતાનો મોબાઇલ ફોર્મેટ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post એન.ડી.તિવારીના પુત્ર રોહિતની હત્યા તેની જ પત્ની અપૂર્વાએ જ કરી હોવાનો ઘટસ્ફોટ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/n-d-tiwaris-son-rohi/
via Best Gujarati News
0 Comments