૧૯૭૭ બાદ અસ્તિત્વમાં આવેલી માંડવી અને ૨૦૦૯માં ફેર સિમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી બારડોલી લોકસભા બેઠક ભાજપે અત્યાર સુધીમાં ફકત બે જ વખત જીતી છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બારડોલી બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ હવે આ બેઠક પર કાંટે કી ટક્કર વચ્ચે ભાજપનો હાથ ઉપર છે. આદિવાસી બહુમતી ધરાવતી બેઠક પર ત્રણ લાખ પાટીદાર મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.

બારડોલી લોકસભા બેઠકમાં કામરેજ, માંગરોળ, બારડોલી, વ્યારા, માંડવી, મહુવા, નિઝર વિધાનસભાનો સમાવેશ થાય છે. સાત પૈકી માંડવી, વ્યારા અને નિઝર વિધાનસભા કોંગ્રેસ પાસે છે જ્યારે બાકીની ચાર વિધાનસભા ભાજપ પાસે છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી વખતે ભાજપે કોંગ્રેસના માંડવીના ધારાસભ્ય પરભુ વસાવાને ભાજપમાં ખેંચી લોકસભાની ટિકિટ આપી હતી.

આ બેઠક પર સુરતના ત્રણ લાખ મતદારોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રવાસી પાટીદાર મતદારો ભાજપની તરફેણમાં રહેતા ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો ૧૨૪૮૯૫ મતે વિજય થયો હતો. ફકત ત્રણ જ વર્ષમાં ભાજપની લોકસભાની સરસાઇ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ઘટીને ૧૧૯૫૮ થઇ ગઇ છે.  દક્ષિણ ગુજરાતમાં ૧૪ સુગર મિલ આવેલી છે.

યુપીએ સરકારના સમયમાં શુગર મિલને આવકવેરો ભરવા નોટિસ આપવામાં આવી હતી. ૨૦૧૪માં ભાજપે શુગર મિલોની આવકવેરા નોટિસ પાછી ખેંચાવાની બાંયધરી આપી હતી જેનું આજ સુધી પાલન થયું નથી. બુલેટ ટ્રેન માટે ખેડૂતોની વિશાળ જગ્યા સંપાદન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ મુદ્દે ખેડૂત સમાજ આંદોલનના માર્ગે છે. શેરડીના ઓછા ભાવોને કારણે પણ ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. બારડોલી લોકસભા મતવિસ્તારમાં શેરડી પકવતા ખેડૂતોની સંખ્યા ખૂબ મોટી છે.

ભાજપને ખેડૂત સમાજની નારાજગીનો ડર સતાવી રહ્યો છે.   બારડોલી બેઠક પર ભાજપે સાંસદ પરભુ વસાવાને રીપીટ કર્યા છે જયારે કોંગ્રેસે જુના જોગી તુષાર ચૌધરીને ફરી મેદાનમાં ઉતાર્યા છે. આ બંને વચ્ચે ૨૦૧૪માં ચૂંટણી જંગ થયો હતો. આ વખતે ફરી એક વખત આદિવાસી સમાજના બે આગેવાનો વચ્ચે જંગ થશે. ૨૦૧૪માં મોદી લહેરને કારણે આ બેઠક પર ભાજપે જંગી સરસાઇ મેળવી હતી.

હવે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને આ બેઠક કબજે કરવા એડીચોટીનું જોર લગાવશે. વ્યારા, સોનગઢ, નિઝર, માંડવીના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસની પકડ જળવાઇ રહી છે જ્યારે બીજી તરફ બારડોલી, કામરેજ અને માંગરોળ પટ્ટી પર ભાજપનું વર્ચસ્વ છે. આ સંજોગોમાં સુરતના શહેરી વિસ્તારો ગણાતા પૂણા સીમાડા સરથાણાના સૌરાષ્ટ્રવાસી મતદારો જે તરફ જાય તેનો વિજય થાય તેવી સ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post બારડોલીમાં ભાજપનું પલ્લું ભારે છતાં આદિવાસી અને પટેલ મતો કેવી રીતે નિર્ણાયક, જાણો સત્તાનું ગણિત! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/badaloli-though-bjps-platoon-is-very-heavy-8-85-lakh-tribal-people-3-lakh-patel-votes-cast/
via Best Gujarati News

0 Comments