સંસ્કાર

જન્મ અને મરણ એ બે બિંદુની વચ્ચેના અસ્તિત્વને શણગારવું તેનું નામ જીવન કહેવાય. જીવનને ડુંગળી પણ બનાવી શકાય છે અને ગુલાબ પણ બનાવી શકાય છે. ગુલાબનું પ્રત્યેક પડ આપણે ખોલતા રહીએ તો તેની મહેક આપણને આનંદ આપી જાય. જ્યારે ડુંગળીનાં પડ ખોલીએ તો આંખમાં પાણી લાવી દે.

વિરાટ બ્રહ્માના એક દિવસમાં આપણા ૮ અબજ ને ૬૪ કરોડ વર્ષ જાય ત્યારે ૧ દિવસ થાય. આવા ૩૬૫ દિવસનું એક વર્ષ થાય. આવાં ૧૦૦ વર્ષે ૧ પ્રાકૃત પ્રલય થાય. આવા સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્યારે મનુષ્યદેહ મળે છે.

આમ, મનુષ્યજન્મ મળવો અત્યંત દુર્લભ છે. આવો મનુષ્યદેહ પણ ભગવાને આપણને કૃપા કરીને આપ્યો. હવે આ મનુષ્યશરીરથી કરવાનું શું? ભગવાનનું ભજન.

કોટી જન્મનાં પુણ્યથી, મળ્યો મનુષ્ય અવતાર;  

ભાવ કરી પ્રભુ નવ ભજે, તેને લાખ વાર ધિક્કાર.  

મનુષ્યજન્મ મળ્યા પછી જે ભગવાનને ન ભજે તેને ધિક્કાર છે. કારણકે તેણે મનુષ્યજન્મનો સદ્ઉપયોગ ન કર્યો. જન્મનો સદુપયોગ ન કરી શકનારા આવા જે મનુષ્યો હોય છે તેને અંતકાળે પસ્તાવું પડે છે.

એક વખત એક શાળામાં એક શિક્ષકે કલાસરૂમમાં બધા વિદ્યાર્થીઓ બેઠા હતા તેમને પ્રશ્ન પૂછયો કે, જે વસ્તુ જેના માટે બની હોય પણ તેનો ઉપયોગ બીજા માટે થતો હોય એવી કઈ વસ્તુ છે? એક વિદ્યાર્થીએ કહ્યું કે, સાહેબ, આનો જવાબ હું આપું પણ તેમાં શરત એટલી છે કે, તમારે જવાબ સાંભળ્યા પછી મને મારવાનો નહીં. શિક્ષકે તેને મંજૂરી આપી, વિદ્યાર્થીએ કહ્યું કે, સર, તમારા હાથમાં જે ફૂટપટ્ટી છે એનો ઉપયોગ માપવા માટે કરવાનો હોય, બોર્ડ ઉપર લાઈન દોરવા માટે કરવાનો હોય, પણ તમે તેનો ઉપયોગ અમને મારવા માટે કરો છો. શિક્ષક વિદ્યાર્થીની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.

આપણા કાન સાંભળવા માટે, પગ ચાલવા માટે, આંખ જોવા માટે, જીભ ખાવા માટે, પેન લખવા માટે, ખુરશી બેસવા માટે, બોલ રમવા માટે, એની આપણને ખબર છે. પણ મળેલું આ જીવન શેના માટે છે એની લગભગ મોટાભાગના માણસોને ખબર નથી. એના સદ્ઉપયોગમાં આપણે સાવધ નથી. દૂરુઉપયોગથી દૂર રહેવામાં આપણે સ્પષ્ટ નથી.

આપણને મળેલા જીવનનો આપણે શું ઉપયોગ કરીએ છીએ? જીવન આપણને મળ્યું હતું ભગવાન ભજવા માટે, કોઈનું હિત કરવા માટે, પરોપકાર કરવા માટે, દેશ અને સમાજની સેવા માટે; અને આપણે એ જીવનને વાપર્યું વિનાશના માર્ગે, પંચવિષય ભોગવવામાં, એશઆરામ ને મોજમજા કરવા માટે…આ શું પેલી ફૂટપટ્ટીના કરાતા દૂરુઉપયોગ જેવું નથી લાગતું?

ભગવાને આપણને માનવદેહ આપતાં પહેલાં આ દેહનો કેમ ઉપયોગ કરવો તેની ગાઈડ લાઈન માટે સત્શાસ્ત્રો આપ્યાં છે. તે પ્રમાણે આપણું જીવન જિવાય તો સહેલાઈથી દેહને અંતે ભગવાન પાસે પહોંચી જવાય. પણ જીવનને મન ફાવે તેમ વ્યસન ને ફેશનમાં ફસાવી દઈએ તો જીવન ગંધાતી ગટર કે ઉકરડા જેવું થઈ જાય.

માણસ ખરા અર્થમાં જે જીવન જીવે છે તે જ ખરું જીવન ગણાય છે. બાકી જે માણસ ધ્યેય વગરનું, ભક્તિ વગરનું, સેવા વગરનું જીવન પચ્ચીસ વર્ષ જીવે કે પાંસઠ વર્ષ જીવે શું ફર્ક પડે છે? ખરા અર્થમાં જે ભગવદ્મય જીવન જીવે તે જ જીવ્યો ગણાય છે. આ બાબતે ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઘણી વખત આ પ્રસંગ કહેતા કે, એક ભાઈ પોતાના ગામનો ત્યાગ કરીને બીજા એક ગામમાં રહેવા માટે જતા હતા. તે ગામની ભાગોળમાં તેમણે પાળિયા ખોડેલા જોયા. તેમના કોઈકની ઉંમર અડધા વર્ષની, કોઈકની એક વર્ષની, કોઈકની બે વર્ષની, કોઈકની અઢી વર્ષની લખેલી હતી. એમ છેવટે પાંચ વર્ષથી વધુ કોઈની લખેલી જોવામાં આવી નહીં એટલે તેમણે મનોમન નક્કી કરી લીધું કે, આ ગામમાં કોઈ પાંચ વર્ષથી વધુ જીવતું જ નથી. માટે આપણે આ ગામમાં રહેવું તે હિતાવહ નથી. એમ નક્કી કરીને તેઓએ બારોબાર બીજા ગામ તરફ પોતાના માલ-સમાનનું ગાડું હંકાર્યું. ત્યાં એક ભાઈ ઓળખીતા સામા મળી ગયા. તેમણે પૂછયું કે, કેમ ક્યાં ચાલ્યા? ત્યારે તેમણે પાળિયાની બધી હકીકત કહી. પછી તે ભાઈ કહે ભાઈ! તમે આ ગામમાં યુવાન અને વૃદ્ધ માણસો ન જોયા? જો પાંચ વર્ષથી વધુ કોઈ જીવતું જ ન હોય તો એ સર્વ ક્યાંથી હોય? અમારા ગામનો એવો રિવાજ છે કે જેણે જેટલો વખત ભગવાન ભજવામાં ગાળ્યો હોય તેની તેટલી આવરદા લખાય. જો દરરોજ એક કલાક ભજન કરે તો મહિનામાં ૩૦ કલાક ભજન કર્યું કહેવાય ને બાર મહિનામાં ૩૬૦ કલાક, એટલે ૧૫ દિવસ ભજન કર્યું કહેવાય. એવી રીતે ૬૦ વર્ષ જીવે તો તેની અઢી વર્ષની લખેલી આવરદા ગણાય છે. આમ, તે ભાઈને સમજાવવામાં આવ્યું પછી તે ભાઈએ તે ગામમાં નિવાસ કર્યો. આમ, માત્ર જીવવાથી કામ સરતું નથી.

સમજ્યા વિનાનું જીવવું, જીવો વર્ષ હજાર;  

પણ સમજણથી જીવો ઘડી એક, તો સમજો બેડો પાર.  

માટે સમજ્યા વગર બધું કાચું. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની સ્વમુખ વાણી ગઢડા મધ્ય પ્રકરણના ૬૨મા વચનામૃતમાં કહે છે કે, જે ભગવાનનો ભક્ત હોય તેણે આત્મનિષ્ઠા, પતિવ્રતાનું અંગ અને દાસપણાનું અંગ આ ત્રણ અંગ દૃઢ કરીને મરવું એ જ ઠીક છે. અને તેમાંથી એક પણ અંગ દૃઢ થયું ન હોય તેને પાંચ દિવસ વધુ જીવીને પણ એ ત્રણમાંથી કોઈ એક અંગ દૃઢ કરીને મરવું તે જ ઠીક છે.

  • સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચાલો, દુર્લભ મનુષ્ય જન્મને સાર્થક કરી લઈએ appeared first on Sandesh.



from Shraddha – Sandesh http://sandesh.com/lets-rare-human-birth/
via Best Gujarati News

0 Comments