સમર્પણ એટલે શું?
પ્રભાતના કિરણો
સમર્પણ એટલે ભગવાનનાં ચરણોમાં પોતાની સમગ્ર જાતને મૂકી દેવી અને પૂર્ણપણે ભગવાનના બની જવું. સમર્પણ એટલે પોતાની સમગ્ર ચેતનાનું, પોતાના અસ્તિત્વના અણુએ અણુનું ભગવાનનાં ચરણોમાં અર્પણ. આવું સમર્પણ કર્યા પછી માનવના જીવનમાં પોતાનું કહી શકાય તેવું કશું જ રહેતું નથી. તેના માટે પછી નથી રહેતો ભૂતકાળ કે નથી રહેતું ભવિષ્ય. તેના માટે નથી રહેતું પાપ કે નથી રહેતું પુણ્ય, ને નથી રહેતું સારું કે ખરાબ. બધું જ પ્રભુનું અને પ્રભુમય બની રહે છે. પ્રભુનો આદેશ એ જ સમર્પણ કરનારનું જીવનકાર્ય બની રહે છે. સાચા સમર્પણ વિશે શ્રીમાતાજી કહે છે કે, ‘સમર્પણ એટલે પોતાનામાં રહેલી દરેક વસ્તુનું પ્રભુને નિવેદન કરવું. પોતે જે કંઈ છે, તેનું અર્પણ કરવું, નહીં કે પોતાનાં વિચારો, કામનાઓ અને ટેવોને વળગી રહેવું, પરંતુ તે બધી જ બાબતોમાં જ્ઞાન દ્વારા, સંકલ્પ દ્વારા, કાર્ય દ્વારા દિવ્ય સત્યનું સ્થાપન કરવું.’
ભગવાનને સમર્પણ કર્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. કેમ કે એ પછી વ્યક્તિનાં સઘળાં કાર્યો પ્રભુપ્રેરિત અને પ્રભુને માટે જ થતાં હોય છે. તેમાં ભગવાનની શક્તિ પ્રત્યે પોતાની જાતને ખુલ્લી કરી દેવાની હોય છે. ભાગવત્ ચેતનાના એ પ્રકાશમાં પોતાની અંદર થઈ રહેલી નાનામાં નાની હિલચાલને, ટેવોને, વૃત્તિઓને, પ્રવૃત્તિઓને એ દિવ્ય શક્તિને ધરી દેવાની હોય છે. આ અર્પણમાં અનેરો આનંદ હોય છે. એમાં કંઈ ફરજિયાતપણું હોતું નથી. આથી સમર્પણ એ બલિદાન નથી. કેમ કે બલિદાનમાં તો ત્યાગની ભાવના હોય છે. ફરજિયાતપણુંને દુઃખ ભળેલાં હોય છે, જ્યારે સમર્પણમાં તો બધું જ પ્રભુને અર્પણ કરી દીધાનો અપૂર્વ આનંદ હોય છે. ગોકુળની ગોપીઓનું શ્રીકૃષ્ણ પ્રત્યે આવું સમર્પણ હતું અને તેથી જ તો તેઓ જન્મોની તપસ્યાથી પણ જે ન મળી શકે એવા પ્રભુના પ્રેમને પ્રાપ્ત કરી શકી. અર્જુને પણ જ્યારે ‘શિષ્યસ્નેહ શાધિ માં ત્વાં પ્રપન્નમ્’ કહીને શ્રીકૃષ્ણનાં ચરણોમાં સંપૂર્ણ આત્મસમર્પણ કર્યું, ત્યારે જ તે ભગવાનના દિવ્ય જ્ઞાનનો અધિકારી બન્યો. રાજરાણી મીરાંએ રાજપાટ ને સઘળી ભૌતિક સંપત્તિને ત્યજીને ‘મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ’- કહી શ્રીકૃષ્ણના ચરણે પોતાનું સંપૂર્ણ સમર્પણ કર્યું તો ભગવાને તેને પોતાના દિવ્ય પ્રેમમાં નિમગ્ન કરી દીધી. જેમણે જેમણે ભગવાનનાં ચરણોમાં સમર્પણ કર્યું છે, તેમને ભગવાને પણ પોતાની શક્તિઓથી આલોક્તિ કર્યા છે. પછી તે સુરદાસ હોય કે તુલસીદાસ હોય, તુકારામ હોય કે ચમાર રઈદાસ હોય. ભગવાનને સમર્પણ કરનારનાં જીવન પછી સામાન્ય મનુષ્ય જેવાં રહી શક્તાં જ નથી. કેમ કે અનંત પરમ ચૈતન્ય સાથે એનું જોડાણ થઈ જાય છે અને પછી એના જીવનનો સુકાની પ્રભુ પોતે જ બની રહે છે.
પરંતુ સંપૂર્ણ સમર્પણ ચમત્કારિક રીતે કંઈ ક્ષણમાત્રામાં થઈ જતું નથી. આપણી પ્રકૃતિમાં કેટલાય અંધકાર ભરેલા ભાગો એવા હોય છે કે જેઓ સહેલાઈથી સર્મિપત થતા નથી. અહંકારની મજબૂત પકડ જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી સાચું સમર્પણ થઈ શકતું નથી. મન, પ્રાણ અને શરીરની યાંત્રિક ટેવો અને ઘરેડોમાંથી સહેલાઈથી છૂટી શકાતું નથી. આથી આપણે મનથી વિચાર કર્યો કે ભગવાનને સમર્પણ કરી દીધું એટલે કંઈ સમર્પણ થઈ જતું નથી. એ માટે સજાગપણે ખંતપૂર્વક ભગવાનના ચરણે આત્મનિવેદન કર્યા જ કરવું પડે. આપણો અંતરાત્મા જાગે ત્યારે જ સાચું સમર્પણ શક્ય બને છે.
shradhda@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સમર્પણ એટલે શું? appeared first on Sandesh.
from Shraddha – Sandesh http://sandesh.com/dedication-what-what/
via Best Gujarati News
0 Comments